પરમ સમીપે/૮૫: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 04:51, 9 March 2025
હું પ્રાર્થના કરું છું કે હું મારા બાળકને એની પોતાની જિંદગી જીવવા દઉં, મેં જીવવાની ઇચ્છા કરી હતી તેવી જિંદગી નહિ; અને એટલે જે કરવામાં મને નિષ્ફળતા મળી હતી તે કરવાનો બોજ તેના પર લાદવા સામે હે પ્રભુ, મને સાવધ રાખજે. તેણે જે લાંબો માર્ગ કાપવાનો છે તેને ખ્યાલમાં રાખીને હું તેનું આજનું ખોટું પગલું જોઈ શકું એ માટે મને સહાય કરજે પ્રભુ, અને એની ધીમી ગતિ માટે ધીરજ રાખવા જેટલી ઉદારતા મને આપજે. એની ઉંમરનાં નાનાં નાનાં તોફાનો સામે ક્યારે હસી લેવું, અને તેને જેનો ભય લાગે છે ને જેના પર તે કાબૂ મેળવી શકતો નથી તેવા આવેગો સામે ક્યારે સંરક્ષક દૃઢતાથી કામ લેવું, તે જાણવા જેટલું ડહાપણ તું મને આપજે. તેના ગુસ્સાભર્યા શબ્દોનો કોલાહલ ભેદીને કે તેના ગુમસૂમ મૌનની ખાઈ ઓળંગીને તેના હૃદયની વ્યથા સાંભળવામાં મને સહાય કરજે. હે પરમાત્મા! મને એ ઔદાર્ય આપજે, જેથી અમારી વચ્ચેની ખાઈ હું હૂંફભરી સમજદારી વડે પૂરી દઈ શકું. હું પ્રાર્થના કરું છું કે મારો અવાજ ઊંચો થઈ જાય તો તેણે કંઈક કર્યું હોય તે માટેના ગુસ્સાને લીધે નહિ, પણ તે જે છે તેના આનંદોલ્લાસને લીધે; જેથી રોજેરોજ તે પોતાની જાતમાં શ્રદ્ધા સાથે મોટો થતો રહે. મને સહાય કર કે હું એને એવી ઉષ્માથી મારા હૃદય-સરસો ચાંપી શકું, જેથી બીજાઓ પ્રત્યે તેનામાં મૈત્રીભાવ પ્રગટે. અને પછી મને ધૈર્ય આપ કે તેના માર્ગ પર તે મજબૂતીથી જઈ શકે તે માટે તેને મુક્ત કરું.
[એમ. બી. ડરફીના લખાણ પરથી : માતાપિતાની પ્રાર્થના]
</poem>}}