– અને ભૌમિતિકા/ગાડું: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 16:35, 16 February 2024
ગાડું
કાળા રંગનું ગાડું ડચકારતો હંકાર્યા કરું છું.
ઝાંખરેથી
સ્વપ્નની મખમલી ત્વચા જેવું
છટકાળ સસલું એની ભોળાશને દૃશ્યતું અદૃશ્યતું
મારી કીકીઓના માત્ર ઉભાર પર થઈ
પસાર થઈ જાય છે.
પેલી મેર સૂકા ખડમાંથી
અનેક પ્રશ્નો ફૂટી નીકળ્યા હોય એવાં
સિંહોરિયાં ભોંકતી શાહુડી વાડમાં ફંટાઈ જાય છે.
કાળા રંગનું ગાડું હંકારતો
ડચકાર્યા કરું છું.
અળસિયાતી મરશિયાતી છોગાળી વેલ્ય...
બાટલિયા બરાતી મારા ખાલીખમ ખખડે છે.
ચંદ્રને ગ્રહણના ઘાવ જેવો
અવસરી રામણદીવડો વેલ્યને બાઝીને
પીળું કકળે છે.
આમથી નીકળેલ આમ જવાની આ વેલ્ય
ક્યારનો નીકળ્યો છું
તો ય આવ્યો નહિ ક્યાંય...
કોટે બગાઈઓ વળગેલ કેવું બમણે છે?
અડખે પડખે વહી જતાં ધૂણી જેમ ઘુમાતાં ગામ;
ઘુમાતું લોક અને ઘુમાતાં નામ.
કાળી ડમ્મર વેલ્ય લઈને
ડચકારાને ડગલેપગલે જાઉં તણાતો.
૨૪-૮-૧૯૭૧