ગાતાં ઝરણાં/મેલાં વસ્ત્રો: Difference between revisions
(+1) |
(No difference)
|
Latest revision as of 02:20, 13 February 2024
આ પ્રકૃતિ જ્યારે એકાંતે મુજ ગુંજનથી પ્રેરાઈ જશે,
લઈ લઈશ નીરવતા હું એની, એ મારી કવિતા ગાઈ જશે.
જો જો, આ વિરહ-સંધ્યા મારી એક્ પર્વ સમી ઉજવાઈ જશે,
નભમંડળ ઝગશે, રજનિનાં મેલાં વસ્ત્રો બદલાઈ જશે.
જીવતાં જીવતાં મરવું ૫ડશે, મરતાં મરતાં છવાઈ જશે.
આશા જો કદી અમૃત ધરશે, તો ઝેર નિરાશા પાઈ જશે.
પાંપણ! જો નહીં રોકે આંસુ, તું પોતે ૫ણ ભુંસાઈ જશે.
અસ્તિત્ત્વ રહે ને કાંઠાનું જ્યારે સરિતા સુકાઈ જશે.
જીવનમાં હજારો સૂરજ મેં જોયા ઊગીને આથમતા,
પ્રત્યેક ઉષાને પૂછ્યું છે, શું આજ દિવસ બદલાઈ જશે?
ઓ જીવન સાથે રમનારા! એક દી તારે રડવું પડશે,
નાદાન! રમકડું આ તારું રમતાં રમતાં ખોવાઈ જશે.
તું છે ને અડગતા છે તારી, હું છું ને પ્રયાસો છે મારા,
કાં આંખ! ઉઘાડી દઉં તારી, કાં પાંપણ મુજ બીડાઈ જશે.
ઓ આંખ! અમીવૃષ્ટિ કાજે તે આંખની આશા છોડી દે,
ચાતક! એ ઠગારાં વાદળ છે, વરસ્યા વિણ જે વિખરાઈ જશે.
ભટકું છું ‘ગની’, દિલને લઈને કે કોઈ રીતે એ શાંત રહે,
ચમકીને ઊઠેલું બાળક છે, છેડાઈ જશે, ચીઢાઈ જશે.
૭-૧૨-૧૯૫૦