ગુજરાતી ગઝલસંપદા/ હિતેન આનંદપરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| હિતેન આનંદપરા |}} <poem> બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે, એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.<br> પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત, કે હરદમ થાય માણસજાત પર વિશ્...")
 
(No difference)

Latest revision as of 15:06, 8 January 2023


હિતેન આનંદપરા

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.

પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.

વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.

મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.

જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.

તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.