પુનશ્ચ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 881: Line 881:


{{સ-મ|૨૦૦૫}} <br>
{{સ-મ|૨૦૦૫}} <br>
</poem>
== વિરહમાં મિલન, મિલનમાં વિરહ ==
<poem>
સામસામા તટ,
વચમાં હોય વૈતરણીનો પટ,
ત્યારે વિરહમાં જ મિલન થાય.
એનો એ જ તટ,
વચમાં ન્હોય વૈતરણીનો પટ,
ત્યારે મિલનમાં ય વિરહ થાય.
{{સ-મ|૧૨ માર્ચ ૨૦૦૫}} <br>
</poem>
== સ્મૃતિમાં ==
<poem>
જેણે પ્રેમ કર્યો તે સન્નારી ક્યાં છે ?
જેણે પ્રેમ કર્યો તે સજ્જન ક્યાં છે ?
એ બન્નેએ જે પ્રેમ કર્યો તે પ્રેમ ક્યાં છે ?
એ બન્નેએ જે ક્ષણે પ્રેમ કર્યો તે ક્ષણ ક્યાં છે ?
ક્ષણ તો છે અનંતનો કણ,
એ કણ કણનો સરવાળો,
એ ક્ષણ ક્ષણનો સરવાળો
એટલે જ તો અનંત.
એ સન્નારી, એ સજ્જન,
એ પ્રેમ, એ ક્ષણ,
એ બધું એથી તો હવે અનંતમાં શમી ગયું,
એને હવે નથી આદિ, નથી અંત;
જોકે હજુ સ્મૃતિમાં તો રમી રહ્યું.
{{સ-મ|૨૦૦૫}} <br>
</poem>
== એકાન્ત અને એકલતા ==
<poem>
એ બે જણ પોતપોતાનાં એકાન્તમાં એકલાં હતાં
ક્યાંક રસ્તે જતાં જતાં
અચાનક જ એકમેકને મળી ગયાં
ને માન્યું કે પરસ્પરનાં હૃદય હળી ગયાં.
માન્યું કે હવે એમનાં એકાન્તની બાદબાકી થશે
(પણ જાણ્યું ન્હોતું અંતે બન્ને થાકી જશે.)
ને માન્યું કે હવે એમની એકલતાનો ભાગાકાર થશે
(પણ જાણ્યુ ન્હોતું કે અંતે બન્નેની હાર થશે.).
માન્યું કે હવે બન્ને બે જલબિન્દુની જેમ પરસ્પરમાં ભળી જશે,
પછી કદી છૂટાં ન થાય એમ એકમેકમાં છેક મળી જશે.
પણ અંતે એ બન્નેનાં એકાન્તનો સરવાળો થયો,
(હવે જાણ્યું કે જીવનમાં માત્ર કંટાળો રહ્યો.)
ને અંતે એ બન્નેની એકલતાનો ગુણાકાર થયો,
(હવે જાણ્યું કે સંબંધમાં ન કોઈ સાર રહ્યો.)
પૂર્વે એ બે જણ પોતપોતાનાં એકાન્તમાં એકલાં હતાં,
પણ હવે છે એવાં એકાન્તમાં અને હવે છે એટલાં એકલાં ન’તાં.
{{સ-મ|૨૦૦૭}} <br>
</poem>
== એક ફૂલ ==
<poem>
બગીચાના છોડની ડાળ ઉપર એક ફૂલ ખીલ્યું,
એ સૂર્યમાં ઝળકતું,
ને સુગંધે છલકતું,
ગાતું,
મલકાતું.
ન કોઈએ એને ચૂંટ્યું,
ન કોઈએ એને સૂંઘ્યું,
કે ન કોઈએ એને કોટના કૉલરમાં મેલ્યું,
કે ન કોઈએ એને અંબોડાની લટમાં ગૂંથ્યું.
સવારથી સાંજ લગી એ ખીલતું રહ્યું.
અને પછી
એક પછી એક
એક પછી એક
એની પાંખડીઓ વેરી, વિખેરીને
એ ધૂળમાં ઢળી ગયું,
એ ધૂળમાં ભળી ગયું.
{{સ-મ|૨૦૦૪}} <br>
</poem>
== એક ફળ ==
<poem>
રસ્તાની ધારના વૃક્ષની ડાળ ઉપર એક ફળ પાક્યું,
એની છાલ લીસી લીસી
એનો ગલ પોચો પોચો,
હર્યુંભર્યું
રસથી કસથી.
ન કોઈએ એને તોડ્યું,
ન કોઈએ એને ચાખ્યું,
કે ન કોઈએ એને ઝોળીમાં નાંખ્યું,
કે ન કોઈએ એને છાબમાં રાખ્યું.
દિવસ પછી દિવસ વહી ગયા.
એની છાલ ભૂકો ભૂકો,
એનો ગલ સૂકો, સૂકો,
હવે નથી રસ,
હવે નથી કસ,
એનું બીજ પણ ખરી ગયું
ધરતીમાં સરી ગયું.
{{સ-મ|૨૦૦૪}} <br>
</poem>
== કૃતજ્ઞતાને ઊજવી રહ્યો ==
<poem>
આજે સિત્તેર વર્ષનો થયો,
તે કોને કારણે ?
દેવોને કારણે ? ગ્રહોને કારણે ?
દેવો ? એમને તો મેં જોયા નથી ને જાણ્યા નથી,
સૌ કયા સ્વર્ગમાં વસે છે ? કોણ જાણે છે ?
ગ્રહો ? એમણે તો મને જાણ્યો તો શું, જોયો પણ નથી
એટએટલા દૂર વસે છે.
એમણે મને જિવાડ્યો નથી,
એમને કારણે આજે સિત્તેર વર્ષનો થયો નથી.
મારી પાસે, મારી આસપાસ તો છે મિત્રો,
એમને મેં જોયા છે, જાણ્યા છે;
એમણેય મને જોયો છે, જાણ્યો છે;
એમણે જ મને જીવનનો રસ પિવાડ્યો છે,
એમણે જ મને જિવાડ્યો છે;
એમને કારણે તો આજે સિત્તેર વર્ષનો થયો છું.
એથી જ મારા કેલેન્ડરમાં
દેવો અને ગ્રહોનાં નામ પરથી નહિ,
મિત્રોનાં નામ પરથી વાર ને મહિનાનાં નામ છે.
આજે હું માત્ર મારા જન્મને જ નથી ઊજવી રહ્યો,
મારાં સિત્તેર વર્ષોને જ નથી ઊજવી રહ્યો;
મિત્રોએ જિવાડ્યો એથી તો આટલું જીવ્યો,
આજે મિત્રોને ને એમની મૈત્રીને, મારી કૃતજ્ઞતાને ઊજવી રહ્યો.
{{સ-મ|૧૯૯૬}} <br>
</poem>
</poem>

Revision as of 06:47, 9 August 2022


Punashchu-Title.jpg


<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

પુનશ્ચ

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

નિરંજન ભગત

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>


ઉમાશંકરની સ્મૃતિમાં

ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો અઠ્યાસી લગીનાં વર્ષોમાં
વારંવાર તમે મને વાત્સલ્યભાવે પૂછ્યું હતું, ‘કૈં લખાયું છે ?’
ત્યારે મેં અપરાધભાવે માત્ર એટલું જ કહ્યું હતું, ‘ના.’
એકવાર તો તમે મને રોષ – વધુ તો દુ:ખ – સાથે કહ્યું હતું,
‘ભલે, તો આપણાથી ઓછા લાપરવા લોકો લખશે.’
આજે તમે નથી, હવે ક્યાંથી કહું ? –
‘જુઓ, લખાયું છે. લ્યો, આ રહ્યું.’

મનમાં

સ્ત્રી : તમારા મનમાં શું આ હતું ?
પુરુષ : તો તમારા મનમાં શું હતું ?
સ્ત્રી : હવે નહિ કહું.
          (એ સ્ત્રીની આંખમાં આંસુ હતું.)
સ્ત્રી : તમે સમજુ છો,
          પણ તમે મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
પુરુષ : તમે પણ સમજુ છો,
          તમે પણ મારા મનમાં શું હતું એ સમજ્યા નહિ.
          (એ બેની આંખમાં સ્મિત હતું.)

૨૦૦૪
 

રસ્તો

સ્ત્રી : હવે તમે અંદર આવવાનો રસ્તો જાણો છો.
પુરુષ : અંદર આવવાનો રસ્તો હું જાણું તે પહેલાં
         મારે બહાર જવાનો રસ્તો જાણવો જોઈએ.
સ્ત્રી : એમ કેમ ?
પુરુષ : જ્યાં માયાવી ટાપુ હોય,
         ટાપુ પર સર્સી હોય,
         એના હાથમાં જાદુઈ પુષ્પો હોય,
         એના મહેલમાં માનવપશુ-પક્ષીઓ હોય,
         ત્યાં હું યુલીસિસ.
         હવે ન પૂછશો ‘એમ કેમ ?’
         હવે તમે તો એમના એમ.

૨૦૦૪
 

આશ્ચર્ય

સ્ત્રી : આશ્ચર્ય થાય છે આપણે અહીં શા માટે આવ્યાં છીએ.
પુરુષ : આશ્ચર્ય થાય એટલા માટે.
સ્ત્રી : શું આશ્ચર્ય ?
પુરુષ : તમે ને હું,
         તમે દક્ષિણ ને હું ઉત્તર,
         તમે ગૌર ને હું શ્યામ,
         તમે કોમળ ને હું કઠોર,
         તમે ક્યહીં ને હું ક્યહીં,
         છતાંય આ ક્ષણે આપણે બે અહીં.
         આ આશ્ચર્ય.
સ્ત્રી : એ આશ્ચર્ય વિશે પણ આશ્ચર્ય થાય છે તે શા માટે ?
પુરુષ : એટલા માટે કે...
ના, એનો ઉત્તર નથી
         છે માત્ર આશ્ચર્ય.

૨૦૦૪
 

ચહેરો

સ્ત્રી : તમારો હસતો ચહેરો મને ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારું પહોળું કપાળ મને ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારું લાંબું નાક મને બહુ ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારી ભૂરી બે આંખો મને બહુ જ ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારો હસતો ચહેરો મને ગમે છે.

૨૦૦૪
 

નામ

સ્ત્રી : તમારું નામ મને ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : એનો અવાજ મને ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : એનો આકાર મને બહુ ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : એનો અર્થ મને બહુ જ ગમે છે.
પુરુષ : બસ એટલું જ ?
સ્ત્રી : તમારું નામ મને ગમે છે.

૨૦૦૪
 

જોડે જોડે

સ્ત્રી : આટલો સમય ક્હો, તમે ક્યાં હતા ?
          મને મળ્યા કેમ મોડે મોડે ?

પુરુષ : હતો તમારા મનમાં, પણ છતા
          થવું હતું મારે થોડે થોડે;
          આટલો સમય તમે તો દેહને
          જોયો દર્પણમાં કોડે કોડે,
          આજે જોયું મનને, જોયો સ્નેહને;
          હવે આપણે બે જોડે જોડે.

૨૦૦૫
 

પાસે, દૂર

સ્ત્રી : પાછા આવો, તમે ક્યાં છો ?
પુરુષ : દૂર દૂર, તમે જ્યાં છો.
સ્ત્રી : હું તો અહીં છું પાસે, તમારી સામે.
પુરુષ : તમે સામે છો એવો ભ્રમ તમને ભલે થાય,
          પણ તમે પાસે નથી, એથી મારું મન દૂર દૂર જાય;
          પાસે, દૂરનું રહસ્ય તમારું મન ક્યારેય નહિ પામે.

૨૦૦૬
 

તમે જે નથી

સ્ત્રી : આમ શું તમે મને જોઈ રહ્યા છો ?
          આમ જોઈ જોઈને હવે તમે મને ખોઈ રહ્યા છો.
          આજે જ મને જુઓ છો ? કદી મને જોઈ ન’તી ?
          જુઓ, હું એની એ જ છું, જે હું આજ લગી હતી.
          આમ આજે શું આ મારી આંખમાં આંખ પ્રોઈ રહ્યા છો ?
પુરુષ : તમે એનાં એ જ છો એ માત્ર તમારો વ્હેમ છે,
          તમે સ્ત્રી છો ને તોયે આમ માનો એમ કેમ છે ?
          આમ હવે તમે જે નથી તેને તમે રોઈ રહ્યાં છો.

૨૦૦૬
 

હું તમને ખોઈ રહી

સ્ત્રી : હું તમને ખોઈ રહી,
          તમે ક્યાં છો ? હું તમને ક્યાંય નથી જોઈ રહી.
પુરુષ : તમે મને નહિ, તમારી જાતને ખોઈ રહ્યા,
          એથી ક્હો છો તમે મને ક્યાંય નથી જોઈ રહ્યા;
          ને હવે તમે તમારી જાત પર રોઈ રહ્યા,
          તમારી આંખોમાં મારી છબી એને લ્હોઈ રહ્યા,
          હવે આંખોની અંદર પણ હશે કોઈ નહિ;
          હવે તમે કહી શકો, ‘હું તમને ખોઈ રહી.’

૨૦૦૭
 

રહસ્યોમાં

સ્ત્રી : હવે ક્હો, મારાં રહસ્યોમાં તમારું સ્થાન ક્યાં છે ?
પુરુષ : તમારાં રહસ્યોમાં જો મારું કોઈ સ્થાન હોય
                   તો પછી તમે જ ક્હો, મારું માન ક્યાં છે ?
          તમારે રહસ્યો જેવું કશું છે જ નહિ,
          તમે ઘણું બધું માની લો છો;
                   તમે ભલા છો ! તમને એનું ભાન ક્યાં છે ?
          જોકે તમે સ્વયં એક રહસ્ય છો,
          કારણ કે તમારામાં કશું જ રહસ્યમય નથી;
                   તમે ભલા છો ! તમને એનું જ્ઞાન ક્યાં છે ?

૨૦૦૬
 

મારી આંખો

તમે મારી આંખોથી અજાણ,

પ્રિયે, આ મારી આંખો એ આંખો નથી,
એ તો છે તમારું હૃદય વીંધે એવાં બાણ.
પુરુષ : તમને પણ મારા હૃદયની ન જાણ,
          એ કુસુમથી વધુ કોમળ, પણ વજ્રથી વધુ કઠોર,
          તમે છોડી તો જુઓ એ બાણ,
          તોડી જુઓ એને, નહિ તૂટે એવું એ નઠોર.
          તો પછી એ બાણ જો છૂટે તો કયું લક્ષ્ય ચીંધે ?
          જોજો, રખેને એ બાણ તમારું હૃદય વીંધે !

૨૦૦૭
 

સૌંદર્ય અને સત્ય

સ્ત્રી : તમે કમળની પાંખડીઓ તોડી નાખી
          ને પછી એની દાંડી હાથમાં રાખી
          ‘આ સૌંદર્ય છે.’ એમ મને જે કહ્યું
          એમાં ક્હો, સત્ય ક્યાં રહ્યું ?
પુરુષ : તમે પાંખડીઓ તોડી નાખો કે ન નાખો
          ને દાંડી હાથમાં રાખો કે ન રાખો
          પાંખડીઓને તો ખરવું જ રહ્યું
          એ સત્ય તમે ના ગ્રહ્યું !

૨૦૦૪
 

પ્રમાણિક-અપ્રમાણિક

  
પુરુષ : માદામ, તમે પ્રમાણિક છો ?
સ્ત્રી : હા જી, હું પ્રમાણિક છું,
          પણ શ્રીમાન ! કહો, તમે પ્રમાણિક છો ?
પુરુષ : ના, હું અપ્રમાણિક છું.
          પણ તમે જ્યારે ક્હો છો કે તમે પ્રમાણિક છો
          ત્યારે તમે અપ્રમાણિક છો,
          અને હું જ્યારે કહું છું કે હું અપ્રમાણિક છું
          ત્યારે હું પ્રમાણિક છું.
          હવે ક્હો કોણ પ્રમાણિક અને કોણ અપ્રમાણિક ?

૨૦૦૫
 

ચાલો દૂર દૂર

સ્ત્રી : ચાલો દૂર દૂર... જ્યાં આપણે બે મનમાન્યો પ્રેમ કરીએ,
          જ્યાં આપણે બે સાથે જીવીએ ને સાથે મરીએ;
          જ્યાં ધૂંધળા આકાશમાં સૂરજ ઊગતો હોય ઝાંખો ઝાંખો,
          જાણે અશ્રુથી ચમકતી મારી ચંચલ આંખો;
          જ્યાં આપણો શયનખંડ વર્ષોજૂનાં રાચરચીલાથી શોભતો હોય,
          છત પરનાં રંગીન સુશોભનો અને ભીંત પરના
                   ઊંચાઊંડા અરીસાથી ઓપતો હોય,
          જ્યાં અંબરનો આછો ધૂપ ચોમેર મહેકતો હોય,
          અમૂલ્ય ફૂલોની સુગંધ સાથે ભળીને બહેકતો હોય;
          જ્યાં ક્ષિતિજ પારથી આવી આવીને કૈં નૌકાઓ નાંગરતી હોય,
          જેના થકી મારી નાનામાં નાની ઇચ્છાઓ પાંગરતી હોય;
          જ્યાં આખુંયે નગર આથમતા સૂરજની
                  રંગબેરંગીન આભા ઓઢતું હોય,
          જ્યાં સમગ્ર વિશ્વ સમી સાંજના
                  સ્નિગ્ધ સઘન અંધકારમાં પોઢતું હોય;
          જ્યાં બધું જ સ્વસ્થ, સુન્દર, સમૃદ્ધ, શાન્ત ને ઉન્મત્ત હોય...
પુરુષ : લાગે છે કે બૉદલેરનાં કાવ્યો તમે વાંચો છો,
          ‘યાત્રાનું નિમંત્રણ’ કાવ્ય વાંચી તમે રાચો છો;
          પણ તમે જાણો છો બૉદલેર આવું આવું ઘણું બધું કહેતા હતા,
          ને પછી જ્યાં હતા ત્યાંના ત્યાં જ – પૅરિસમાં જ – રહેતા હતા;
          તમે પણ જીવનભર ‘ચાલો દૂર દૂર...’ એવું એવું ઘણું બધું કહેશો,
          ને પછી આયુષ્યના અંત લગી જ્યાં છો ત્યાંના ત્યાં જ રહેશો.

૨૦૦૭
 

આમ તમે જો ન આવો

મારાં ખુલ્લાં દ્વાર,
એની પાર
તાકી તાકી
મારી આંખો થાકી.

આમ તમે જો ન આવો
ને કશુંય તે ન ક્હાવો,
તો જાણો છોને હું કેવી ડરી જાઉં,
કોઈ પણ ક્ષણે મરી જાઉં.

૨૦૦૪
 

તમે જો ન હો

તમે જો ન હો તો પછી મારે માટે શું છે ?
મારું મન આવો પ્રશ્ન પણ કોને પૂછે ?

મૃત્યુ ને પ્રેમ, સિક્કાની બે બાજુ, હું જાણું,
પણ તમે જો હો તો એ મૃત્યુને ય માણું.
પણ તમે જો ન હો તો પછી એ ન્યૂનતા,
મૃત્યુથી વિશેષ એવું મૃત્યુ, એ શૂન્યતા,
એ એકલતાનાં આંસુ પછી કોણ લૂછે ?

૨૦૦૪
 

જેને ‘મારું’ કહી શકું

મને થાય ક્યાંક કોઈ એવું હોય જેને ‘મારું’ કહી શકું,
જેને મારા મનમાં જે હોય – નરસું કે સારું – કહી શકું.

ભલેને એનામાં મારા જેવી અધૂરપો હોય,
પણ સાથે સાથે થોડીઘણી મધુરપો હોય;
જેને અન્યથી ઊંચું કે નીચું નહિ, પણ ન્યારું કહી શકું.

જે મારા એકાન્તની એકલતાને સહી શકે,
હું જેવી છું તેવી ગાંડીઘેલી મને ગ્રહી શકે;
એ માનવી હોય પણ એને પ્રભુથી યે પ્યારું કહી શકું.

૨૦૦૭
 

તમે ધ્રુવ, તમે ધરી

આ મારી આંખો સારા યે સંસારમાં ફરી ફરી,
પ્રિયે, અંતે એકમાત્ર તમારી પર જ ઠરી.

સૌંદર્ય શું એ એણે અહીં જ જાણ્યું,
આનંદ શું એ એણે હવે પ્રમાણ્યું;
મારી આંખો હવે એ બન્નેથી સદા ભરી ભરી.

એ હવે અંતરમાં જ રમ્યા કરે,
તમારી આસપાસ જ નમ્યા કરે;
મારા સંસારમાં હવે તમે ધ્રુવ, તમે ધરી.

૨૦૦૭
 

પ્રેમમાં વિલંબ

આમ ને આમ તો વર્ષો વહી જશે,
વિલંબની વ્યથા કેમ સહી જશે ?

જુઓ, વસંત તો આ... આ ચાલી,
જોતજોતાં ડાળ થશે ખાલી;
પછી તમે આવો, શા ખપનું ?
મારું જન્માન્તરનું સપનું
એ તો માત્ર સપનું જ રહી જશે.

પછી આયુષ્યનો શેષભાગ
કેવોક હશે ? ગ્રીષ્મની આગ
ને શિશરનું હિમ ! એ કથા,
મૃત્યુ પૂર્વે મૃત્યુની એ વ્યથા
ક્ષણે ક્ષણે એકાન્તમાં કહી જશે.

૨૦૦૫
 

મારા પ્રેમમાં

મારા પ્રેમમાં વિલંબિત લય છે,
પ્રિયજન, એનો તમને ભય છે ?

મારા પ્રેમમાં ન સમુદ્રતટના તરંગની દ્રુત ગતિ,
ન એના જેવો કો’ ભાવાવેશ ભૂમિ પ્રતિ,
ન એના જેવો કોઈ ઉન્માદ કે ઉદ્રેક,
ન એના જેવો આવેગનો કો’ અતિરેક,
ન એના જેવો ભરતીનો કો’ રઘવાટ,
ન એના જેવો તલસાટ કે ઘુઘવાટ;
મારા પ્રેમમાં ન વસંતનું કે એના વિલાસનું વય છે,
પ્રિયજન, એનો તમને ભય છે ?

મારા પ્રેમમાં છે મધ્યસમુદ્રના વમળની વક્ર ગતિ,
એથી એમાં નથી કોઈ તટ પ્રતિ રતિ,
એ તો એની જેમ જ્યાં છે ત્યાં જ ઘૂમ્યા કરે,
ને એની જેમ દિશાશૂન્ય ઝઝૂમ્યા કરે,
મારો પ્રેમ સમુદ્રતલે વિરમી જશે ?
ને અનંત મૌનમાં, મૃત્યુમાં શમી જશે ?
મારા પ્રેમમાં એવો કોઈ શાપ છે કે અંતે એનો ક્ષય છે ?
પ્રિયજન, એનો તમને ભય છે ?

૨૦૦૫
 

તમારો પ્રેમ

શું આ તમારો પ્રેમ છે ?
હું જે છું તેને નહિ ને હું જે નથી તેને ચાહો,
અને એને તમે પ્રેમ ક્હાવો
ના, આ તમારો પ્રેમ નથી, આ તમારો વ્હેમ છે.
શું આ તમારો પ્રેમ છે ?

તમે મારામાં તમારાં સ્વપ્ન જોઈ રહ્યા,
એથી તમે મને જોતા નથી;
તમે મને નહિ, તમારાં સ્વપ્નને જોઈ રહ્યા,
એમાં તમે મને ખોતા નથી ?
એથીસ્તો હજુય બધું જેમનું તેમ છે.

તમે મને નહિ, પ્રેમને પ્રેમ કરો છો,
એ પ્રેમનો કોઈ અર્થ નથી;
એથીસ્તો તમે મને પ્રેમ કરવામાં ડરો છો,
તમારો પ્રેમ શું વ્યર્થ નથી ?
એથીસ્તો હજુય બધું એમનું એમ છે.

૨૦૦૫
 

સ્મૃતિ

ઘરની અંદર
વર્ષોથી એક ખૂણામાં બેસી રહું.
મારો ખંડ સુશોભિત,
છત પર બિલોરી ઝુમ્મરો,
ભોંય પર ગૂંથેલી જાજમો,
બારી પર રેશમી પડદા,
ભીંત પર મઢેલા અરીસા,
ટેબલ પર રંગીન ફૂલો;
મારો ખંડ ભર્યો ભર્યો.
ત્યાં ઓચિંતું કોઈક પ્રવેશી ગયું,
મને ઘડી હસાવી, ઘડી રડાવી,
જાણું નહિ ક્યારે એ વિદાય થયું;
મારા ચિત્તમાં એ સ્મૃતિ બની ગયું.
હવે મારો ખંડ ખાલી ખાલી,
હવે માત્ર સ્મૃતિથી જ ભર્યો ભર્યો.

૨૦૦૬
 

આ મારી જાતનું શું કરીશ ?

આ મારી જાતનું શું કરીશ ? મેં જે પ્રેમ કર્યો એ પ્રેમનું શું કરીશ ?
હું પ્રેમમાં પાગલ તે આટલે દૂર આવી, હવે પાછી કેમ ફરીશ ?

પ્રેમમાં મેં જે કૈં કહ્યું ને જે કૈં કર્યું, જાણું નહિ એનો શો અર્થ હશે,
એ સૌ હવે વજ્ર જેમ લલાટે જે લખ્યું, એ શું હવે કદી વ્યર્થ થશે ?
આ મારી જાત જેણે પ્રેમ કર્યો, એના પર હવે કેવું ધ્યાન ધરીશ ?
સપત્નીની જેમ એ તો સદા સાથે રહેશે, એને હવે કેમ હરીશ ?

હું આયુષ્યની અધવચ આવી છું, હવે નવા આરંભની વય નથી,
જીવનના આરંભનો પ્રથમ જે પ્રેમ, એ પ્રેમનો કદી ક્ષય નથી;
એક દેહમાં બે જીવ ? એક ભવમાં બે ભવ ? હું હવે કોને વરીશ ?
એકાન્ત ને એકલતાને વરીશ, એમાં જીવીશ ને એમાં જ મરીશ.

૨૦૦૭
 

રમત

તમે રમત રમી શકો છો.

તમે ચેસબોર્ડનાં ચોકઠાંઓમાં
તમારાં રાજા, રાણી વજીર,
હાથી, ઘોડા, ઊંટ, પ્યાદાં
બધું બરોબર ગોઠવો છો.

તમે પ્રથમ ચાલ ચાલો છો
ત્યારે જ હું તમારી છેલ્લી ચાલ પામી જાઉં છું,
કયું પ્યાદું ક્યાં સીધું એક એક ડગ ચાલશે,
પછી કયું ઊંટ ક્યાં વાંકું ને કયો હાથી ક્યાં સીધો ચાલશે,
કયો ઘોડો ક્યાં કૂદશે,
પછી વજીર, રાણી, રાજા ક્યાં શું કરશે –
બધું હું બરોબર પામી જાઉં છું.
છેવટે તમારો રાજા શેહમાં આવે છે
અને હું બાજી જીતી જાઉં છું.

મારે માટે તો રમત શરૂ થાય ત્યારે જ પૂરી થાય છે.

ના, હું રમત રમી શકતો નથી.

૨૦૦૪
 

અસ્તિત્વ

મારે તમને મારું બધું જ ધરી દેવું,
તમારે મારું બધુંય હરી લેવું.

મેં તમને મારું મન ધરી દીધું,
તમે એને હરી લીધું;

ને મેં તમને મારું વચન ધરી દીધું,
તમે એને હરી લીધું;

વળી મેં તમને મારું કર્મ પણ ધરી દીધું,
તમે એને હરી લીધું.

મેં તમને ધરી દીધું મારું નિ:શેષ વ્યક્તિત્વ,
હવે બાકી રહ્યું માત્ર એક આ મારું અસ્તિત્વ.

મારે માટે તો એને પણ ધરી દેવું અશક્ય નથી,
પણ હા, તમારે માટે એને તો હરી લેવું જ શક્ય નથી.

૨૦૦૫
 

મારી રીતે

તમને હું ચાહું છું પણ તે મારી રીતે,
ભલેને હોય જુદી રીત તમારી પ્રીતે.

તમારાં ચરણમાં નૃત્ય, હસ્તમાં મુદ્રા,
નેત્રમાં ભંગી, તમે અધીર;
મારું આસન, મારી અદબ, મારી દૃષ્ટિ,
બધું દૃઢ, અચલ ને સ્થિર;
હું રીઝું છું મૌને ને તમે રીઝો છો ગીતે.

આ સમાન્તર બે રેખા, જે ક્યાંય કેમેય
એકમેકને નહિ જ મળે,
કદાચ ક્યારેક એ બે અસીમ અનંતે
પરસ્પરમાં ભળે તો ભળે;
આ રમતમાં કોણ હારે ? ને કોણ જીતે ?

૨૦૦૫
 

તમે અતિવિચિત્ર છો

તમે જાણો નહિ, પ્રિયે ! પણ તમે વિચિત્ર છો.

તમે કેટકેટલાની મૈત્રી ઝંખો,
ને જે મિત્ર થાય એને ડંખો;
વિચિત્ર જ નહિ, પણ તમે અતિવિચિત્ર છો.

તમે નવું નવું મહોરું પહેરો,
ને અસલ જે ચહેરો તેને ચેરો;
હવે તમે જ કહો, તમે કોઈનાય મિત્ર છો ?

૨૦૦૫
 

ગમતું નથી

તમને ક્યાંય ગમતું નથી,
તમારું મન તમારા મનમાંય તે રમતું નથી.

કાલની સ્મૃતિઓ શું ડંખે છે ?
તમારું મન કશું ઝંખે છે ?
તમારું મન હવે શું તમનેય તે નમતું નથી ?

તમારે શું ક્યાંય જવું નથી ?
જ્યાં છો ત્યાંથી દૂર થવું નથી ?
તમારું મન હવે શું શૂન્યમાંય તે શમતું નથી ?

૨૦૦૫
 

આરંભ કે અંત ?

ક્હેશો મને આ તે આરંભ કે અંત ?

તમે જેમ ચાલો, તેમ પંથ લાંબો;
પછી જે આંબવું તેને ક્યારે આંબો ?
તમે ચાલવાનો નહિ મેલો તંત ?

અંતમાં આરંભ, આરંભમાં અંત ?
તમે મેલો હવે એવી બધી ખંત,
આપણું આ આયુ નથી કૈં અનંત.

૨૦૦૫
 

વિરામચિહ્નો

તમે પત્રમાં ચીતર્યો’તો પ્રશ્નાર્થ,
મેં ચીતર્યું’તું આશ્ચર્ય;
પછી તમે પત્રમાં ચીતર્યું’તું આશ્ચર્ય,
મેં ચીતર્યો’તો પ્રશ્નાર્થ;
હવે કશું ચીતરવા – કરવાનું રહ્યું ?
હવે માત્ર પૂર્ણવિરામના મૌનમાં જ સરવાનું રહ્યું.

૨૦૦૫
 

અંતે તમે હાર્યા

આરંભથી જ મેં તો તમને ન્હોતા વાર્યા ?
પણ ત્યારે તમે મારું માન્યું નહિ,
તમે તો બસ જે ક્હો, જે કરો તે જ સહી;
ત્યારે મેં તમને આવા ન્હોતા ધાર્યા.

જ્યારે મેં કહ્યું, ‘બહુ સાંકડી છે આ પ્રેમગલી,
એમાં શક્ય નથી એકસાથે આપણે બે જણે જવું,
અશક્ય છે એમાં પાર થવું,
એ ક્યારેય ક્યાંય કોઈનેય નથી ફળી.’
ત્યારે તમે માન્યું હું તમને હસી રહ્યો,
તમારાથી દૂર ખસી રહ્યો,
ત્યારે તમે આંસુ સાર્યાં.

જ્યારે મેં કહ્યું, ‘આ પ્રેમે તો કેટલાયને માર્યા.’
ત્યારે તમે માન્યું કે તમને ક્યાં કોઈ ભય છે.
‘ચેતો !’, મેં કહ્યું, ‘હજુય સમય છે.
આ પ્રેમે ક્યારેય ક્યાંય કોઈનેય નથી તાર્યા.
હવે નક્કી કરો મરવું છે કે મરવું નથી ?’
ત્યારે તમે માન્યું, ‘આપણે હવે કશું કરવું નથી.’
ત્યારે અંતે તમે હાર્યા.

૨૦૦૬
 

અધવચ

મને હતું જ કે તમે આમ અધવચ અટકશો.
આગળ જવું નથી ? ભલે ! પણ પાછા જવાશે નહિ,
વરસો વહી ગયાં તે તો હવે પાછાં લવાશે નહિ,
તમે જેવા હતા તેવા તો હવે પાછા થવાશે નહિ;
તો પછી તમે સ્મૃતિ ને વિસ્મૃતિની વચ્ચે લટકશો.

તમે અહીં લગી ચાલ્યા, એટલું બીજું ચલાશે નહિ,
થાકી ગયા હો તો મારો આ હાથ ઝલાશે નહિ,
તમે પથ્થર સમા થશો ને હવે જો હલાશે નહિ,
તો પછી તમે જીવનભર શું શૂન્યમાં ભટકશો ?

૨૦૦૬
 

વિરહ

તમે કહ્યું, ‘મળો !’, મેં કહ્યું, ‘મળશું.’
પણ વર્ષોના વિરહ પછી આપણે પાછા વળશું ?
એ તો એકમાત્ર વિધાતા જ કહી શકે,
ભવિષ્યને કોણ લહી શકે ?
બસ માત્ર બે જ શબ્દો ને વર્ષોનું મૌન ભાંગી જાય,
કૈં કેટકેટલી કટુમધુર સ્મૃતિઓ જાગી જાય;
મળતાં હતાં ત્યારે કૈં કેટલું મળતાં હતાં,
એકમેકમાં કેવું ભળતાં હતાં.
હવે પછી મળશું તો શું મળતાં હતાં તેમ જ મળશું ?
પરસ્પર હળતાં હતાં શું તેમ જ હળશું ?
એ મિલન શું વિરહના ફળ રૂપે ફળશે ?
કે પછી બે જણ જાણે કદી મળ્યાં ન હોય તેમ મળશે ?

૨૦૦૬
 

મિલન

વર્ષોથી આપણે ન મળ્યાં, ન કશું કર્યું,
વર્ષોથી આપણે તો માત્ર મૌન જ ધર્યું.
મળ્યાં ત્યારે કેવું મળ્યાં,
વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યાં.
બોલ્યા ત્યારે એવું બોલ્યા,
ક્ષણેકમાં પરસ્પરનાં હૃદય ખોલ્યાં.
વિરહમાં યે સુખ હોય તે આજે માણ્યું,
મૌન પણ મુખર હોય તે આજે જાણ્યું.

૨૦૦૬
 

એકાન્તમાં

એકને એક ક્હેવું, બીજાને બીજું,
ને ત્રીજાને વળી ત્રીજું;
જાતને કૈં જ ન ક્હેવું,
તમારે તો બસ માત્ર જોઈ ર્હેવું.

પછી પેલા ત્રણે ક્યાંક મળી ગયા,
તમે જે કહ્યું તે કળી ગયા.
તમે જે કર્યું તે વ્યર્થ ગયું,
તમારે જાણવું છે પછી શું થયું ?

પછી ત્રણે ન’તો લડ્યા, ન’તો રડ્યા,
પણ ત્રણે રસ્તે પડ્યા;
હવે રહ્યું કશું જોવું ?
તમારે તો હવે એકાન્તમાં રોવું !

૨૦૦૫
 

કાચના ઘરમાં

ક્યારનો કહું છું કે તમે કાચના ઘરમાં વસો છો.
તમારું ઘર ઈંટ, માટી ને પથ્થરનું ઘર નથી.
શું એનો તમને ડર નથી ?
તમે તો હસો છો !
તમે ક્યાં સુણો છો ?
તમે તો બસ ધૂણો છો.

સૂરજનાં કિરણ કાચની ભીંતોને ભેદીને,
ક્યાંય કશુંય નહિ છેદીને,
કાળી ભોંય અને ધોળી છતને સોનેરી રંગે લીંપે,
તમારો ખંડ ઝળહળતો દીપે;
તમે સવાર સાંજ એનો તાજો તડકો ઓઢો,
તમે રાતભર મશરૂ-મખમલમાં પોઢો;
એથી તમે માનો છો તમે હેમખેમ છો,
સદાયને માટે તમે એમના એમ છો.
તો તમે ભૂલો છો,
તમે ભ્રમમાં ફાલો-ફૂલો છો.
ફેંકી જુઓ તો થોડાક જ પથ્થરો,
પછી જુઓ ! કાચની ભીંતો તો નહિ હોય,
પણ નહિ હોય ધોળી છત અને કાળી ભોંય,
તમારી આસપાસ હશે કેવળ કાચની કચ્ચરો.
તેથી તો ફરીથી કહું છું તમે કાચના ઘરમાં વસો છો.
તમે નહિ સુણો, હજુ તમે તો બસ હસો છો !

૨૦૦૬
 

તમારું ઘર

તમારું ઘર એ ઘર નથી,
એ ખડક પર નથી;
તમે એને રેત પર રચ્યું,
જુઓ ! ક્યારનું એ કેટકેટલા ભારથી લચ્યું;
– ધનનો ભાર, સત્તાનો ભાર ને કીર્તિનો ભાર,
એ તમારી સૌ મહેચ્છાઓનો ભાર, જેનો નથી પાર –
એથીયે વધુ તો તમારું મન ભૂતની જેમ ભમે,
ઘરનો ખૂણેખૂણો એના ભારથી નમે;
ભલે તમે એની ચારે બાજુ કોટકિલ્લા બાંધો,
જાણે દેવોનું જ ધામ હોય એવા નામ સાથે એને સાંધો;
પણ અચાનક ભૂકંપની લપટથી
કે ઓચિંતી કો ઝંઝાની ઝપટથી
ક્યારેક કડડભૂસ થશે
ત્યારે ક્હો, આ તમારું ઘર ક્યાં હશે ?
આરંભથી જ તમારું ઘર ઘર ન’તું,
એ ખડક પર ન’તું.

૨૦૦૬
 

તમે શાન્ત છો

જાણે કંઈ થયું જ નથી એમ તમે શાન્ત છો.
તમે અચાનક ધસી ગયા,
બધું અસ્તવ્યસ્ત, છિન્નભિન્ન કર્યું,
અને જ્યારે જે કૈં ધાર્યું’તું તે એકેય કાજ ન સર્યું,
ત્યારે તમે અચાનક ખસી ગયા.
એથી કહું છું તમે શાન્ત નહિ, તમે ક્લાન્ત છો.
હવે તમને એ ભ્રમ થશે
કે જે કંઈ અસ્તવ્યસ્ત, છિન્નભિન્ન થયું હશે
તે વ્હેલુંમોડું આપમેળે થયું ન થયું થશે
અને અંતે બધું જ્યમ હતું ત્યમ હશે.
એથી કહું છું તમે ક્લાન્ત નહિ, તમે ભ્રાન્ત છો.

જવું જ છે તો જાઓ

જવું જ છે તો જાઓ, પણ મેં જે પ્રેમ કર્યો તે પ્રેમને સ્મરશો નહિ,
અને ભવિષ્યનું તમારું જે શેષ જીવન એને વ્યર્થ કરશો નહિ.

આટલાં વર્ષો તમે જાણે કે સ્વપ્નલોકમાં પરીકથામાં વસ્યા હતા,
છતાં કેટકેટલું લડ્યા હતા, રડ્યા હતા ને હોંસે હોંસે હસ્યા હતા;
એનું સૌંદર્ય, એનો આનંદ, એની ધન્યતા, એને હવે હરશો નહિ,
જે કૈં થયું, જે કૈં ગયું ને જે કૈં રહ્યું, એને ધ્યાન પર ધરશો નહિ.
જીવનમાં જ્યાં જ્યાં અંત છે ત્યાં ત્યાં નવો આરંભ છે, ક્યાંય ન્યૂનતા નથી.
ભર્યુંભર્યું આ વિશ્વ છે તેવું જ જીવન છે, એમાં ક્યાંય શૂન્યતા નથી;
વિરહની વ્યાકુલતા ને વિહ્વલતામાં એકલતાને વરશો નહિ,
તમે કોઈના પ્રેમપાત્ર થશો, ને તો તમે મૃત્યુ પૂર્વે મરશો નહિ.

૨૦૦૭
 

સર્પ ? કે રજ્જુ ? કે બન્ને ?

મધરાતે
તમે અચાનક મારા શયનખંડમાં આવ્યા,
તમે મને પૂછ્યું, ‘જાગો છો કે ?’
મેં કહ્યું, ‘હા.’
પછી તમે મને પૂછ્યું, ‘કંઈ વાંચવું છે ?’
મેં કહ્યું, ‘હા.’
તમે મારા હાથમાં પુસ્તક ધર્યું :
‘સર્પ અને રજ્જુ’.
ને મારા હોઠ પર ચુંબન કર્યું.
પછી તમે તરત જ ચાલ્યા ગયા.
હજુ હું એ ચુંબન વાંચી રહ્યો છું.

એ પછીની મધરાતે
તમે અચાનક ફરી મારા શયનખંડમાં આવ્યા,
અને માત્ર આટલું જ કહ્યું,
‘મારા પ્રેમમાં વિલંબિત લય છે,
એનો તમને ભય છે ?’
પછી તમે કહ્યું,
‘મારી વય વધતી જાય છે,
મારી અધીરતા પણ. પણ...’
પછી તમે અરધે વાક્યે જ ચાલ્યા ગયા.
હજુ હું વિસ્મય સાથે
મને સતત પૂછી રહ્યો છું,
‘એ ચુંબન –
સર્પ ? કે રજ્જુ ? કે બન્ને ?’

૨૦૦૭
 

છે છે અને નથી નથી

પ્રાત:કાલે લીલા તૃણદલે
ઝાકળબિન્દુ જે ઝમ્યું,
સંધ્યાકાલે નીલા નભતલે
ઇન્દ્રધનુષ્ય જે નમ્યું,
એને પકડવા જકડવા બહુ કર્યું મથી મથી,
પણ છે છે અને નથી નથી.

ઓચિંતું મળ્યું મનનું મિત,
એની અંતર્ગૂઢ વ્યથા;
ક્ષણાર્ધમાં અમર્ત્ય શી પ્રીત,
એની અગમ્ય શી કથા;
એને જીવવા-મરજીવવા બહુ કર્યું કથી કથી,
પણ છે છે અને નથી નથી.

૨૦૦૫
 

પ્રેમમાં

પ્રેમમાં ક્હો, તમારે ક્ષણેક્ષણે શું કરવાનું ?
જાણે કે તમે જીવ્યા જ નથી એમ મરવાનું.

‘ક્હો, તમારું નામ શું છે ?’
જો કોઈ તમને પૂછે,
ને તમે ન કહી શકો,
અનામી જ રહી શકો
એમ તમારે તો વિસ્મૃતિમાં સદા સરવાનું.

‘ક્હો, તમારું રૂપ શું છે ?’
જ્યારે જાત એમ પૂછે,
ત્યારે અરીસામાં કાય
જોતાં ઓળખ ન થાય
એમ તમારે તો શૂન્યતામાં સદા ફરવાનું.

૨૦૦૫
 

સ્વપ્ન

ઘરની બહાર
વર્ષોથી રસ્તાઓ પર ભમી રહું.
મારા રસ્તા લાંબા પ્હોળા,
જ્યાં ત્યાં ટોળેટોળાં,
વાહનોની દોટંદોટ,
ધુમાડાના ગોટંગોટ,
અવાજોની ચીસાચીસ
મકાનોની ભીંસાભીંસ;
મારા રસ્તા ભર્યા ભર્યા.
ત્યાં ઓચિંતું કોઈક પસાર થયું,
બોલ્યું ન બોલ્યું, હસ્યું ન હસ્યું
ત્યાં તો એ રહસ્યની જેમ અલોપ થયું;
મારી આંખોમાં એ સ્વપ્ન બની ગયું.
હવે મારા રસ્તા ખાલી ખાલી,
હવે માત્ર સ્વપ્નથી જ ભર્યા ભર્યા.

૨૦૦૬
 

એનાં એ બે જણ

પહેલાં બે જણ મળ્યાં
વાતે વળ્યાં,
હળ્યાં, ભળ્યાં,
પરસ્પરનાં હૃદયને જોડીને કર્યાં પૂર્ણ પૂર્ણ.

પછી એનાં એ બે જણ મળ્યાં,
વાતે વળ્યાં,
બળ્યાં, ઝળ્યાં,
પરસ્પરનાં હૃદયને તોડીને કર્યાં ચૂર્ણ ચૂર્ણ.

૨૦૦૪
 

મહોરાં

અચાનક બે મહોરાં વચ્ચે પ્રેમ થયો.
હવે તમે પૂછશો નહિ કે કેમ થયો ?
કેમકે એ તો બસ એમ ને એમ થયો.

વરસોના વરસો લગી તો એ બે હસ્યાં,
વચમાં વચમાં લડ્યાં,
ક્યારેક તો વળી રડ્યાં;
અંતે એકમેકના જીવનમાંથી ખસ્યાં.

આમ ને આમ મહોરાં ન રહ્યાં મહોરાં,
આમ ને આમ મહોરાં જ થયા ચહેરા;
ને ચહેરા ? પ્રથમથી જ હતાં મહોરાં.

૨૦૦૫
 

વિરહમાં મિલન, મિલનમાં વિરહ

સામસામા તટ,
વચમાં હોય વૈતરણીનો પટ,
ત્યારે વિરહમાં જ મિલન થાય.

એનો એ જ તટ,
વચમાં ન્હોય વૈતરણીનો પટ,
ત્યારે મિલનમાં ય વિરહ થાય.

૧૨ માર્ચ ૨૦૦૫
 

સ્મૃતિમાં

જેણે પ્રેમ કર્યો તે સન્નારી ક્યાં છે ?
જેણે પ્રેમ કર્યો તે સજ્જન ક્યાં છે ?
એ બન્નેએ જે પ્રેમ કર્યો તે પ્રેમ ક્યાં છે ?
એ બન્નેએ જે ક્ષણે પ્રેમ કર્યો તે ક્ષણ ક્યાં છે ?
ક્ષણ તો છે અનંતનો કણ,
એ કણ કણનો સરવાળો,
એ ક્ષણ ક્ષણનો સરવાળો
એટલે જ તો અનંત.
એ સન્નારી, એ સજ્જન,
એ પ્રેમ, એ ક્ષણ,
એ બધું એથી તો હવે અનંતમાં શમી ગયું,
એને હવે નથી આદિ, નથી અંત;
જોકે હજુ સ્મૃતિમાં તો રમી રહ્યું.

૨૦૦૫
 

એકાન્ત અને એકલતા

એ બે જણ પોતપોતાનાં એકાન્તમાં એકલાં હતાં
ક્યાંક રસ્તે જતાં જતાં
અચાનક જ એકમેકને મળી ગયાં
ને માન્યું કે પરસ્પરનાં હૃદય હળી ગયાં.
માન્યું કે હવે એમનાં એકાન્તની બાદબાકી થશે
(પણ જાણ્યું ન્હોતું અંતે બન્ને થાકી જશે.)
ને માન્યું કે હવે એમની એકલતાનો ભાગાકાર થશે
(પણ જાણ્યુ ન્હોતું કે અંતે બન્નેની હાર થશે.).
માન્યું કે હવે બન્ને બે જલબિન્દુની જેમ પરસ્પરમાં ભળી જશે,
પછી કદી છૂટાં ન થાય એમ એકમેકમાં છેક મળી જશે.
પણ અંતે એ બન્નેનાં એકાન્તનો સરવાળો થયો,
(હવે જાણ્યું કે જીવનમાં માત્ર કંટાળો રહ્યો.)
ને અંતે એ બન્નેની એકલતાનો ગુણાકાર થયો,
(હવે જાણ્યું કે સંબંધમાં ન કોઈ સાર રહ્યો.)
પૂર્વે એ બે જણ પોતપોતાનાં એકાન્તમાં એકલાં હતાં,
પણ હવે છે એવાં એકાન્તમાં અને હવે છે એટલાં એકલાં ન’તાં.

૨૦૦૭
 

એક ફૂલ

બગીચાના છોડની ડાળ ઉપર એક ફૂલ ખીલ્યું,
એ સૂર્યમાં ઝળકતું,
ને સુગંધે છલકતું,
ગાતું,
મલકાતું.

ન કોઈએ એને ચૂંટ્યું,
ન કોઈએ એને સૂંઘ્યું,
કે ન કોઈએ એને કોટના કૉલરમાં મેલ્યું,
કે ન કોઈએ એને અંબોડાની લટમાં ગૂંથ્યું.

સવારથી સાંજ લગી એ ખીલતું રહ્યું.
અને પછી
એક પછી એક
એક પછી એક
એની પાંખડીઓ વેરી, વિખેરીને
એ ધૂળમાં ઢળી ગયું,
એ ધૂળમાં ભળી ગયું.

૨૦૦૪
 

એક ફળ

રસ્તાની ધારના વૃક્ષની ડાળ ઉપર એક ફળ પાક્યું,
એની છાલ લીસી લીસી
એનો ગલ પોચો પોચો,
હર્યુંભર્યું
રસથી કસથી.

ન કોઈએ એને તોડ્યું,
ન કોઈએ એને ચાખ્યું,
કે ન કોઈએ એને ઝોળીમાં નાંખ્યું,
કે ન કોઈએ એને છાબમાં રાખ્યું.

દિવસ પછી દિવસ વહી ગયા.
એની છાલ ભૂકો ભૂકો,
એનો ગલ સૂકો, સૂકો,
હવે નથી રસ,
હવે નથી કસ,
એનું બીજ પણ ખરી ગયું
ધરતીમાં સરી ગયું.

૨૦૦૪
 

કૃતજ્ઞતાને ઊજવી રહ્યો

આજે સિત્તેર વર્ષનો થયો,
તે કોને કારણે ?
દેવોને કારણે ? ગ્રહોને કારણે ?
દેવો ? એમને તો મેં જોયા નથી ને જાણ્યા નથી,
સૌ કયા સ્વર્ગમાં વસે છે ? કોણ જાણે છે ?
ગ્રહો ? એમણે તો મને જાણ્યો તો શું, જોયો પણ નથી
એટએટલા દૂર વસે છે.
એમણે મને જિવાડ્યો નથી,
એમને કારણે આજે સિત્તેર વર્ષનો થયો નથી.
મારી પાસે, મારી આસપાસ તો છે મિત્રો,
એમને મેં જોયા છે, જાણ્યા છે;
એમણેય મને જોયો છે, જાણ્યો છે;
એમણે જ મને જીવનનો રસ પિવાડ્યો છે,
એમણે જ મને જિવાડ્યો છે;
એમને કારણે તો આજે સિત્તેર વર્ષનો થયો છું.
એથી જ મારા કેલેન્ડરમાં
દેવો અને ગ્રહોનાં નામ પરથી નહિ,
મિત્રોનાં નામ પરથી વાર ને મહિનાનાં નામ છે.
આજે હું માત્ર મારા જન્મને જ નથી ઊજવી રહ્યો,
મારાં સિત્તેર વર્ષોને જ નથી ઊજવી રહ્યો;
મિત્રોએ જિવાડ્યો એથી તો આટલું જીવ્યો,
આજે મિત્રોને ને એમની મૈત્રીને, મારી કૃતજ્ઞતાને ઊજવી રહ્યો.

૧૯૯૬