કંદરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
()
()
Line 2,388: Line 2,388:
‘આ પરિઘ કેમ પૂરો નથી કર્યો?'
‘આ પરિઘ કેમ પૂરો નથી કર્યો?'
મેં જવાબ આપ્યો હતો, ‘સાયકોલોજીમાં એવું આવે છે
મેં જવાબ આપ્યો હતો, ‘સાયકોલોજીમાં એવું આવે છે
કે ત્રિકોણના ત્રણ ખૂણા જોડાયેલા ન હોય છતાં '''દ્રષ્ટિ''' -
કે ત્રિકોણના ત્રણ ખૂણા જોડાયેલા ન હોય છતાં દ્રષ્ટિ
સાતત્યના કારણે એ ત્રિકોણ જ લાગે છે. તો તમે
સાતત્યના કારણે એ ત્રિકોણ જ લાગે છે. તો તમે
કેમ એવું ધારી નથી લેતા કે આ પરિઘ સંપૂર્ણ છે.’
કેમ એવું ધારી નથી લેતા કે આ પરિઘ સંપૂર્ણ છે.’

Revision as of 19:37, 5 June 2022

Kandara Manisha Joshi.jpg


<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

કંદરા

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

મનીષા જોષી

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>



હું

પંજૂરી*

મારે ખભે રમે છે દેવચકલીઓ.
મારી જીભ છે તરબોળ પંજૂરીના સ્વાદથી.
કાન ફાડી નાખે તેવો આરતીનો નાદ છે.
બસ, થોડી જ ક્ષણોમાં એ જન્મવાનો છે.
બાર વાગવામાં ત્રણ જ મિનિટ ઓછી છે.
ફરી કંસના હાથમાંથી
યશોદાની દીકરી સરકી જશે,
અને ફરી એ જ દેવવાણી ઉચ્ચારશે,
‘તારો કાળ જન્મી ચૂકયો છે!'

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted />

  • પંજૂરી (કૃષ્ણજન્મ વખતે વહેંચાતો પ્રસાદ)

મધ

નથી ચખાડવો મારાં બાળકોને
મધનો સ્વાદ.
ભલે પડી રહે બધી જ પરાગરજ
આ ખાતરના ઢગલામાં.
એક પણ મધમાખી ત્યાં ઊડે નહીં!

સાંજનું આકાશ

હમણાં હમણાં હું ઘણીવાર ઊંઘમાં
પલંગ પરથી પડી જઉં છું.
થોડી વાર બેસી રહું છું
અને પછી ખૂબ ગુસ્સો આવે છે.
આ ગંધારાં જળચરો! પાણીમાં મૂતરે,
એમાં જ તરે, મોટા થાય.
અને એક દિવસ તરવૈયાની શાનથી
એ જ પાણીમાં મરે.
તો રેતીની અંદર દટાયેલા, મૂછો ફફડાવતા ઊંદરો
લોહીનું દબાણ વધી ગયું હશે આખરે,
એટલે ક્યારેય બહાર જ ન આવી શક્યા,
સાંજનું આકાશ જોવા.
રંગીન, રહસ્યમય અને છતાં
થોડી જ વારમાં પરદો ખૂલે,
સહેજ ઊંચે નજર કરો ત્યાં ઉપર
દેવો ઊભેલા દેખાય. બધું ઝળાંહળાં થઈ જાય.
થોડીવારમાં અલોપ પણ થઈ જાય.
આ ચમત્કારને મારી અંદર સમાવી લઈને
હું જીવું, તોપણ મને મન થાય છે
ઢોર-ઢાંખરની વચ્ચે જઈને ઘાસ ખાવાનું.
દૂધાળા ઢોરની જેમ મારા માલિકને સંતોષવાનું.
કમનીય બનાવી દઉં એની રાતોને.
થાળીએ દીવાની મેશ ભેગી કરી, કપૂર-ઘી ભેળવી,
આંખોમાં આંજણ કરું. મોટી-લાંબી સોયોમાં
રેશમી દોરા પરોવીને ભરત ભરું,

એ સૂતો હોય ને હું મધરાતે બારણે બેસી
સાથિયા પૂરું.
પાણીદાર, કાળી આંખોથી રાત રાતભર પહેરો ભરું.
આ જળચરો, ઊંદરો, દેવો,
કોઈ એને સતાવે નહીં.
આંખોમાં પ્રગાઢ વનની નિદ્રા લઈને પણ
હું જાગીશ, હવેથી.

મંત્રોચ્ચાર

ટપ અવાજ થયો.
મેં જોયું તો કૉડા જેવા શરીરવાળું
એક જીવડું દીવાલ પરથી પટકાઈ પડ્યું હતું.
એને અસંખ્ય પગ છે.
એના હાથ, એની આંખો,... બધું જ
જાણે કે એના પગ છે.
હવે એ ધીમેથી મારા પગ પાસે
સરકતું આવતું હતું.
હું પગ વાળીને બેસી રહી,
ને જમીન પર પસરાયેલા મારા વાળ પર
એને ચડવા દીધું.
એના દરેક પગલે મને યાદ આવતા રહ્યા
કોઈ પંખીએ ચાંચમાં પકડી રાખેલા
માંસના ટુકડા જેવા, મારા પ્રેમીઓના શબ્દો.
ખુલ્લાં શરીરોનાં જુદાં જુદાં અંગો.
અને લોટનાં પૂતળાં!
એમના ભૂખરા વાળ, અને જાણે કોઈએ
મેલીવિદ્યાના મંત્રોચ્ચાર કર્યા હોય એમ
એમનાં શરીર પર ઉપસી આવેલા ડામ!
હું ભયભીત છું.
એ જીવડું તો મારા વાળમાં પ્રસરી રહ્યું છે.
મારા વાળમાં ખૂબ ખોડો છે.
અને એ એના પગો વડે
એ પડ ખોતરી રહ્યું છે.
ખુબ ચળ આવે છે.

પણ એના સ્ફર્તિલા પગ પકડાતા નથી.
મેં અંબોડો વાળી લીધો છે ને એમાં
હજારીનું પીળું ફૂલ ભરાવી દીધું છે.
અનોખી સુગંધ અને વાળમાં
સતત અનુભવાતો અસહ્ય સ્પર્શ,
જે મને ફોલી ખાય છે,
એ પ્રેમ છે.
એની ભીનાશ યોનિમાં છે.
સાથળો સહેજ પ્રસ્વેદે છે.
ગમે છે, અને ફરી
લોટનાં પૂતળાંઓ પર સૂકાઈ ગયેલા ડામ,
હજારી,
અસંખ્ય પગો,
અને અંબોડામાં રહેતું
કૉડાનું એક શરીર.

ઈજા

બધાથી દૂર, અહીં આ હિલસ્ટેશન પર આવીને
મેં એક લાકડાનું ઘર બનાવ્યું છે.
આમ તો વાતાવરણ, પડોશીઓ બધું જ અનુકૂળ છે.
પણ મને સતત લાગ્યા ડરે છે,
જાણે ખૂબ બધી ઊધઈઓ મારા ઘરને ખાયા કરે છે.
હું શું કરી શકું આખરે?
ઘરમાં દરેક નવી ઈયળના જન્મ વખતે સંગીત સાંભળું છું.
ખાતી વખતે મોઢામાં
ઇયળોનો કોળિયો હોય એમ ચાવું છું.
ઉપરથી પાણી પીને ઓડકાર ખાઉં છું.
જમીને ચિત્ર દોરવા બેસું છું, એક મોટી ઈયળનું.
એમાં પ્રાણ પૂરાઈ જાય એવા રંગો ભરું છું.
સાંજે દીવો કરું ત્યારે એક ઈયળને પકડી,
દીવામાં સળગાવું છું.
ઘેરા કથ્થાઈ રંગનું મારું ઘર
ચમકી ઊઠે છે, ફડ ફડ કરતું પોપટી ઉજાસમાં.
અને જાણે ઘેનની ગોળી ખાધી હોય
એવી ઊંઘ મને ઘેરી લે છે, ક્રમશઃ,
ઉન્માદ ફરી વળે છે.
મારા પુરુષ વગરના ઘરમાં.
ઊધઈનું દર તોડી, વાયોલિનનો એક ટુકડો
બહાર કાઢી વગાડું છું.
નાની નાની પાંખોવાળી ભમરીઓ
આનંદથી ઘરમાં ઊડે છે, ઝુમી ઊઠે છે.
મારી આંગળીઓ પર લોહી ફૂટી આવે છે વાયોલિનના
તારથી
ઊધઈના દરની માટી કખતી આંગળીઓ પર લગાવી,
પટ્ટી બાંધી સૂઈ જાઉ છું.
રાત્રે ઊધઈઓ એમનું કામ શરૂ કરે છે.
એટલી ઠંડી છે કે બહાર ઊઠીને જોવાનું પણ મન નથી થતું
પણ એમની આ આખીયે ક્રિયા,
હલનચલન, લયબદ્ધ ચાલુ રહે છે.
લાગે છે, જાણે દૂરના એક સુંદર દ્વીપમાંથી
આ સૈન્ય આવ્યું છે.
મારા ઘરને ખલાસ કરવા.
યુદ્ધની કોઈ ભૂમિકા નથી,
શંખનો નાદ નથી,
લોહીનાં ખાબોચિયાં નથી.
ઇજાગ્રસ્તોને આરામ કરવા રાત્રિવિરામ નથી.
હું જલ્દી જ હારી જઈશ,
ઘરવિહોણી થઈને ફરતી હોઈશ,
અહીં આ હિલસ્ટેશન પર આવતા
માઉથઓર્ગન વગાડતા પ્રવાસીઓ વચ્ચે.

પ્રદક્ષિણા

જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું.....
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.
પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હૂં મૂંગી, અવાક્‌ થઈ જઉં છું,
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણેકે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતાં
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા
લાગે છે.
હું જીવ બચાવતી દોડું છું.
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું.
મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જઉં છું
હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં.
મને કોઈપણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો,
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.

માયાવી વન

ઉઘાડે પગે ને શરીરે
ખબર નહીં ક્યાંથી, કેમ,
આવી પહોંચી છું આ માયાવી વનમાં?
શું ખાઉં, શું પીઉં, ક્યાં સૂવું મારે?
કેળાંની ભરચક લૂમો લટકે છે.
પણ ખોલીને ખાધાં તો અંદરથી
શરમ વગરનાં સાવ કાચાં, કઠોર,
પાણીના વહેવાનો અવાજ સંભળાય
પણ પીઉં તો મરી રહેલા ઘોડાને મોઢે વળતાં
ફીણ જેવું વિકરાળ હોય એ પાણી.
સૂવા માટે ઝાડ પર ચડી તો ત્યાંયે કેટલાંક
ઈંડાઓ પડ્યાં હતાં. બોલકણાં, લંબગોળ.
એમનાં પડ ધીમેકથી તરડાવા માંડયાં.
ભાગી છૂટી હું તો અબુધ માદા જેવી.
દોડતાં દોડતાં જ પડી ગઈ,
હાથીઓ માટે બનાવાયેલા ખાડામાં.
અને પછી તો ઉપરથી કેટલીયે સૂંઢો લંબાતી દેખાઈ.
હાથીઓએ બહાર તો કાઢી પણ પછી
હંમેશ સૂંઢમાં જ લઈને ચાલતા રહ્યા.
એમની ચીંધાડોમાં મારો અવાજ ભળી ગયો.
વનનો દાવાનળ ભરખતો રહ્યો
પોતાનાં જ વૃક્ષોને,
વનની આખીયે સૃષ્ટિને,
હાથીઓ પણ થાક્યા બળી મર્યા.
હું હજીયે પડી છું.
એમના હાથીદાંતોના ઢગલામાં.
રૂપાળી, સજીવ,
આ માયાવી વનમાં.

ત્રિતાલ

ટ્રેન આગળ વધતી રહી,
હું બારી બહાર જોતી વિચારતી રહી.
ઠંડીમાં સૂસવાતા પાટાઓ પડ્યા રહેશે પાછળ.
ડાયનોસોરની આખીયે જાતિ હવે લુપ્ત થઈ ગઈ છે.
મેં આંખો બંધ કરી અને અંધારામાં
ઉત્કાંતિની જ એક કડીરૂપ, મને સૂઝે તેવા
આકારના પ્રાણીની કલ્પના કરી.
એને માથું ન હોય? ના, તો તો ખવીસ કહેવાય.
પગ ઊંધા હોય? ના, તો તો ડાકણ કહેવાય.
તો પછી પેલી ડોશી જેવું કંઈક,
જે પોતાનું જ માથું ખોળામાં લઈને જૂ શોધતી હોય?
એ પ્રાણી નર હોવું જોઈએ કે માદા?
માત્ર માદા.
એની ચામડી જ એવી જાડી હોય
કે કોઈ નર એની નજીક જ ન આવી શકે.
એ સ્વયં પ્રજનનશીલ હોય.
મને બકરી ગમે છે એટલે એનું કદ એટલું હોય.
પગ ત્રણ અને એક ટૂંકો હાથ આગળ લટકતો હોય.
જેથી એ જરા જુદી દેખાય.
પગના તળિયે ગાદી હોય.
એ ગમે તેટલે ઊંચેથી પડે, મરે નહીં.
એની ડોક જિરાફ જેમ લાંબી હોય એવું કંઈ નહીં.
ભલે એ નાનાં પ્રાણીઓનો શિકાર કરી લે.
એને સ્તનો તો હશે જ.
બચ્ચીઓ જંગલ જેવા રંગની જન્મશે.
એની આંખો તો આગળ જ હશે.
માથા પાછળ આંખ તો બહુ એકલી અટૂલી લાગે.
એક શીંગડું પાછળ હોવું જોઈએ, પ્રતિકાર માટે.
અને આયુષ્ય?
એ પોતે જ એને સંતોષ થાય એટલી પ્રસૂતિઓ
પછી મરી જશે.
એની જણેલી દીકરીઓ એના વતી જીવતી રહેશે.
મનુષ્ય એમને મારવા ઇચ્છશે.
પણ અંતિમ મનુષ્યનાં હાડકાં તો એ જ ચાવશે.
આ માદાને નામ શું આપવું?
ટ્રેનની ગતિમાં મને એક
લાંબા આવર્તનનો તાલ સંભળાય છે.
જાણે એના ત્રણ પગોની જ એ ગતિ!

નેક્રોપોલીશ

એક વખત હું ચાલતાં ચાલતાં
નેક્રોપોલીશ પહોંચી.
સ્નિગ્ધ શાંતિ.
અનકસગોરસ, એક ખૂણે વિચારમગ્ન બેઠો હતો.
શું આ એ જ વિશ્વ છે જે
ગઈકાલે એક ચીકણો પિંડ હતું?
ગ્લાઉકુસ, પગના અંગૂઠાથી માટી ખોતરતો હતો.
અરે રે! એટલાસની સજા ક્યારે પૂરી થશે?
ઓહ! આ બિચારો એન્ઘુમિઓન તો હજી સૂતો જ છે.
બાજુમાં સ્વાર્થી દિએના ક્રૂર હસ્યા કરતી હતી.
અને આમ, બધાંને મળીને
હું પાછી ચાલી આવી,
મારી દુનિયામાં.
રાત્રે પાછો જાદુનો ખેલ છે.
જાદુગર
મને મોટા મોટા ખીલાવાળી
લાકડાની પેટીમાં પુરી દેશે.
અને ઉપર, લોખંડનું ભારેખમ તાળું લગાવશે.
પછી પેટીમાં છરા ભોંકશે.
પણ હું અદ્રશ્ય થઈને
પ્રેક્ષકો વચ્ચેથી બહાર આવીશ.
પણ આ શું થઈ ગયું?
આ બધા પ્રેક્ષકો ક્યાં ગયા?
અરે, આ તો પેલા એરિસ્ટોફેનસનાં પાત્રો.
ગોળ કૂંડાળું કરીને
મને વીંટળાઈ વળ્યાં છે
અને જોર જોરથી હસ્યા કરે છે.
પણ, શા માટે?
પણ, શા માટે?

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted />

નેક્રોપોલીશ — મૃત શહેર. કબ્રસ્તાન.
અનકસગોરસ — અનાત્મવાદી વાતો કરનાર એક તત્ત્વચિંતક.
ગ્લાઉકુસ — માછીમાર, જેણે એક જડીબુટ્ટી ખાઈને અમરતા પ્રાપ્ત કરેલી. પાછળથી તે સમુદ્રનો દેવતા બન્યો. એને વિશ્વની પ્રકૃતિનું સંપૂર્ણ જ્ઞાન હતું.
એટલાસ — ટાઈટન જાતિનો એક દેવ જેણે પોતાની જાતિ દ્વારા એક વિદ્રોહમાં ભાગ લીધેલો. એની સજા રૂપે એને માથા પર આકાશ ટકાવી રાખવાનું હતું.
એન્દ્યુમિઓન — એક સુંદર ભરવાડ. આકાશમાં ઊડતી દેવી દિએનાએ એને જોયો અને એના રૂપ પર મોહિત થઈ જઈને પોતાની શક્તિ દ્વારા એને હમેંશ માટે સુવડાવી દીધો. પછી એ એને જોયા કરીને તૃપ્તિ મેળવતી હતી. પણ એન્દ્યુમિઓનનું શું?
એરિસ્ટોફેનસ — ગ્રીક નાટ્યકાર. એનાં નાટકોમાં Old Comedy આવતી. એનો પાત્રો કોરસમાં ગીતો ગાતાં, માસ્ક પહેરતાં અને બીભત્સ ચેનચાળા કરતાં.

જલપરી

કોઈએ પથરો નથી બાંધ્યો મારી પીઠ પર
અને મને તરતાં પણ આવડે છે.
પણ હું જાતે જ જઈને બેસી ગઈ છું દરિયામાં.
માછીમાર જાળ પર જાળ નાખ્યા કરે છે,
કશું મારા સુધી પહોંચતું નથી
છેવટે એને લાગે છે કે હું કોઈ જલપરી હોઈશ.
આ પાણી પણ પૂજે છે મને.

નથી ડૂબાડતાં નથી બહાર ફેંકતાં
દરિયો મારા ખોળામાં સૂઈ જાય છે.
હું મારી સાડીનો છેડો ઢાંકીને એને દૂધ પીવડાવું છું.
એ અંદર તસ્‌ તસ્‌ મારાં સ્તનોને ચૂસે છે.
મને તરસ લાગે ત્યારે હું પણ એનું થોડું પાણી પી લઉં છું.
પણ, એક દિવસ તો આખરે મારે જવું પડશે.
રૂપરૂપના અંબાર જેવા કોઈ રાજકુમારે ફેંકેલી જાળમાં,
હું તરફડીશ એના મહેલમાં દરિયા વગર,
એ તો તસ્‌ તસ્‌ ચૂસશે મારાં સ્તનોને,
પણ હું ક્યાંથી પીશ પાણી?
હું પાછી દરિયામાં જતી રહીશ એ બીકે
એ કદાચ કાપી નાખે મારા માછલીના પગ.
પણ તરસ?
અને તેય જલપરીની તરસ?
એ તો મારા આ સુંદર મુખમાં છે.
આ રાજકુમારના સાત સાત મહેલ ડૂબી જાય તો ય
છીપાય નહીં એવી એ તરસનું શું કરું?

રાજકુમાર મને નૌકામાં બેસાડી જલવિહાર માટે લઈ જાય
છે.
હું પણ મારી તરસને છુપાવી લઈ જલક્રીડા કરું છું એની
સાથે.
પાણીનો ખોબો ભરું છું કે જીવ બસચાવતી,
સરી જાય છે એક માછલી હાથમાંથી
જલસુખ કે છલસુખ,
અંતે તો બસ તરસ.

મીઠાના અગર

હું હવે રહું છું, ટુંડ્ર પ્રદેશે,
ઈગ્લુમાં.
મીઠાના અગરો તો મેં
ત્યજી દીધા ક્યારના
પણ ત્યાં રહી ગયેલો
મારા ડાબા પગનો અંગૂઠો,
જેની ગેરહાજરીને કારણે જ તો
મારા પગલાંની છાપ પડે છે
જરા જુદી.... ત્યાં બરફમાં.
જેને ઓળખીને દોડતાં આવે છે
મારી પાસે કંઈ કેટલાંયે યાક.
રુંવાટિયાં યાક.
મારાં બર્ફીલાં પણ ખારાં ખારાં નસકોરાં
બરફમાં પાડે છિદ્રો!
ને યાકને મન એ દૂરબીન.
જ્યાં બરફમાંથી દેખાય બરફ.

સસ્યસંપત્તિ

હું હવે માંગુ
પ્રતિસ્મૃતિની વિદ્યા,
ઈન્દ્રિયગમ્યતા તો છેક
મારી ચામડીના મૂળમાં,
એને ઉતરડું તોયે કેમ કરીને?
પાણીમાં તરતા રહેતા સ્પર્શોને ગ્રહી લેવા
કીકીઓ પારદર્શક બનવા મથે.
પણ એ સ્પર્શોને તો
પાણીમાં યે જાણે રક્ષે છે
લીલી નસોનું જાળું.
એ સ્પર્શોમાં છે મારું આદિમ સુખ,
પણ આ પાણી!
એ શાંત, ઠંડાં બરફ થઈને રહેશે
કે પછી જઈ પહોંચશે
કોઈ એવા પ્રદેશમાં
જ્યાં એ સ્પર્શો ઊગી શકે,
સસ્યસંપત્તિ બનીને.

હઠ

સપાટી - સપાટી રમતાં રમતાં
છેવટે હું થાકી ને મને થયું
ચાલને, ખીણમાં પડું!
તો ખીણ પણ એટલી બધી ઊંડી
કે હજીયે અંત જ નથી આવતો.
રસ્તામાં ઝાડ-પાંદડાં હસ્યાં કરે.
હું તો ખેર, ક્યારેકેય,
તળિયે પહોંચીને રહીશ.
પણ આકાશે મને જોવા ઊભાં રહેલાં
પવનદેવ અને ચકરાવો લેતાં
થંભી ગયેલી સમડીને કહો કે એ જાય.
મારો શ્વાસ બંધ નહીં થાય.
એ જ મારી નિયતિ છે.
માત્ર ઈકરસ જ સાહસી હતો
એવું કોણે કહ્યું?
મેં પણ હઠ પકડી છે —
ખીણના તળિયાને જોવાની.

સૂરજ

હું સ્વયંપર્યાપ્ત છું.
તડકો ફૂટે છે મારા જ શરીરમાંથી.
સ્વર્ગનો અગ્નિ તો, ત્યાં જ,
મહેલોમાં પ્રતિબિંબાઈને ઠરી જાય.
મારી જ તરસ સીંચે વાદળાંઓને.
પણ, આજે મારા ભીની રેતીના કિલ્લામાં
દીવાઓ ટમટમ્યા, એક પછી એક
કાંગરીઓ ખરવા માંડી,
પોપટની ડોક મરડાઈ ગઈ,
હું દોડવા માંડી, ભોંય માર્ગેથી.
બહાર નીકળી તો સામે, અડધી પડધી કેડીઓ વચ્ચે
દેખાયું એક ડોશીમાનું ઘર!
સાફ-સૂથરું, એક બકરી ને થોડીક મરઘીઓ.
હું ત્યાં જ રહી ગઈ.
ડોશીમાના નહાવા માટે પાણી ગરમ મૂક્યું,
ને લેપ માટે જડીબુટ્ટીઓ શોધવા નીકળી,
ત્યારે સૂરજ યાદ આવ્યો હતો.
પણ હવે હું એને શોધવા નથી જતી.

હીંચકો

આજે તો બગીચાની લીલીછમ લૉન પર
ચાલવાનું પણ નથી ગમતું.
ચમેલીની વેલ પાસેથી પસાર થતાં
એની સુગંધ નાકને અડી જાય છે.
પણ ત્યાંયે, વધુવાર ઊભવું નથી ગમતું.
બેન્ચ પર બેસીને સમયને મારતા
બે નિવૃત્ત વૃદ્ધો
અને એક ખૂણો શોધી લઈ ગુફતેગુ કરતા
બે પ્રેમીઓ વચ્ચે પણ
કોઈ ખાસ ફરક નથી દેખાતો.
ધ્યાન આકર્ષિત કરે છે,
તો એકમાત્ર હીંચકો!
પેલી છોકરીના ઊતરી ગયા પછી પણ
ચિચાટિયા અવાજે
ખાલી ખાલી હાલ્યા કરતો એ હીંચકો!
અને હું અચાનક જ દોડી જઈને
અત્યંત ઉશ્કેરાટથી
એને હાથથી અટકાવી દઉં છું.

જેલ

જેલની કાળકોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું!
પ્રખર તાપમાં રાખો તોય પીગળે નહીં એવી જડ, સખત.
રોજ એક નવા કેદીને હાથ-પગ બાંધીને
મારા પર સુવડાવવામાં આવે છે.
એ ખૂબ તરફડે છે પણ મોઢામાંથી એક હરફ બોલતો નથી,
થોડીવારમાં મરી જાય છે.
છેક બીજા દિવસે સિપાહીઓ એને ઊપાડી જાય છે.
હું ઠંડીગાર, સ્થિતપ્રજ્ઞ પડી રહું છું.
એણે એકરાર ન કરેલા ગુનાઓ મારામાં સમાઈ જાય છે.
હું એવી જ અકથ્ય, વધારે ને વધારે જિદ્દી બનતી જઉં છું.
મારામાંથી પણ એક ટીપું યે બરફ
પાણી બનીને વહેતો નથી.
જેલના લોખંડી સળિયાઓ પાછળ
કડક ચોકી-પહેરા વચ્ચે હું પડી છું.
જેલર એનો પગ મારા પર ટેકવીને, થાકેલો ઊભો છે.
એના બુટની અણીદાર ખીલીઓ મને ઉઝરડા પાડે છે.
એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે.
મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે....

પગદંડી

દરિયાકિનારે શાંત, સ્વચ્છ, કોરા કપડામાં એક પથ્થર પર
બેઠી છું.
દરિયામાં એક મોટું લાકડાનું પાટિયું તરી રહ્યું છે.
A FLOATING SIGNIFIER
મને લાગે છે કે મને પણ કોઈએ દરિયામાં ફેંકી દીધી છે,
અને ન જાણે કેટલાયે સમુદ્રોમાં તણાતી,
હવે હું આ સમુદ્રકિનારે મરવા પડી છું.
મારા મોમાં પાણી, નાકમાં પાણી, પેટમાં પાણી, માથા ઉપર
પાણી,
મને કોઈ નીચોવે તો આખો દરિયો ભરાય એટલું પાણી.
હવે આ લાકડાના પાટિયા સિવાય મને કોઈ જ બચાવી
નહીં શકે.
આ લાકડાનું પાટિયું હોડી બની જાય.
પછી એના પર સફેદ સઢ ઊગે,
મારા ઘર તરફનો પવન વાય,
અને મારી લગભગ બેભાન આંખોએ જોયું
તો એ લાકડાનું પાટિયું ખરેખર હોડી બની રહ્યું હતું.
અને પછી તો પાણીની ઉપર એક સરસ પગદંડી પણ મેં
જોઈ,
હું પથ્થર પરથી ઊઠીને ચાલવા માંડી,
પાણી ઉપરની એ પગદંડી પર,
દરિયાએ ખસીને માર્ગ આપ્યો.
મારી સાડીની એક કિનાર પણ ભીંજાઈ નહીં પાણીમાં.
હું હોડીમાં બેસીને નીકળી પડી ઘર તરફ.
હું ડૂબી રહી છું પાણીમાં.
મારો હાથ નથી પહોંચી શકતો લાકડાના પાટિયા સુધી.

બ્રેઈનકેન્સર

મને લાગે છે કે મને બ્રેઈનકેન્સર થયું છે.
શેષ બચેલી સ્મૃતિને જાળવવી છે. પણ ક્યાં?
મગજ તો સડી ગયું છે.
અચાનક કોઈ સુરંગ ફાટી નીકળે તેમ એ ગમે ત્યારે
ખોપરી તોડીને બહાર આવી જઈ શકે છે.
હૃદયમાં પણ કાણું પડી ગયું છે.
લાગણીઓ એમાંથી બહાર ઢોળાઈ રહી છે.
લોકો ગદૂગદ્‌ થઈને મારી સાથે વાતો કરી રહ્યા છે.
પણ મારા કાનમાં તો એક જીવડું ચાલ્યું ગયું છે.
મને કંઈ સંભળાતું નથી.
કાનના પડદા પર એ જીવડાનો સુંવાળો સળવળાટ
ગલીપચી કરાવે છે ને હું હસી રહી છું.
આંખોની પાંપણના વાળ પણ ખરી રહ્યા છે.
સામે જ તું છે. બસ, જરા હાથ લંબાવું ને
અડી શકાય એટલો જ દૂર.
પણ મારા સ્નાયુઓ હવે અમીબા જેવા,
સંકોચાઈ જાય છે, ઘડીકમાં વિસ્તરે છે.
હાડકાં બટકણાં થઈ ગયાં છે.
હથેળીઓમાં કંઈ જ પકડાતું નથી.
છતાં થાય છે કે જો હાથ લાંબો થાય તો
આ માથા પર ચોવીસે કલાક ફરતા રહેતાં
ગોળ ગોળ ઘુમરાતા પંખાને પકડી લઉં.
એ નીચે ઊતરીને મને રહેંસી નાખે, એ પહેલાં જ,
જલ્દી, એક જ હાથથી હું
એના ત્રણ ત્રણ હાથને પકડી લઉં.

પીછો

આજકાલ મારો સમય કંઈક જુદીજ રીતે પસાર થઈ રહ્યો છે
રાત્રે હું દીવાલસરસા પંજા જકડેલી,
જીવડાને ખાઈ જવા માટે ચાંપતી નજર રાખીને બેઠેલી
ગરોળીને જોયા કરું છું,
અને દિવસે, ખાંડનો એક કણ
જમીન પર મૂકી દઈને પછી બેસી રહું છું,
કીડીના આવવાની રાહ જોઈને.
અને પછી ખાંડનો કણ એ કીડી પૂરેપૂરો ચૂસી લે
ત્યાં સુધી બસ જોયા કરું છું.
ગરોળીના પેટની સપ્તરંગી ચામડીમાં
પેલા જીવડાનો રંગ યાદ કરવા મથું છું.
એની ઉપસી આવેલી કીકીઓમાંનું બમણું તેજ
ટ્યુબલાઈટ જેમ પ્રકાશે છે.
હું એ પ્રકાશમાં પેલી કીડીનો પીછો કરું છું.
એના દર સુધી.
મારી ખાંડ પાછી લેવા માટે.

રૅઝર્વેશન

કલાકો સુધી બસમાં શાંતિથી મુસાફરી કરવી
સાચે જ કંટાળાજનક હોય છે.
રસ્તાની બંને બાજુએ વૃક્ષો,
(લીમડો કે પીપળો કે વડ-એવું કંઈ ઓળખાય નહીં)
બસ, વૃક્ષો આંખ સામેથી પસાર થતાં રહે.
ક્ચકડાની ફિલ્મ જોતો છોકરો
હજી તો ‘દિલ્હી કા તાજ' નિરાંતે જુએ
એ પહેલાં જ દશ્ય બદલાઈ જાય,
એવી એકધારી ઝડપથી બસ દોડી રહી છે.
કંઈક તો બનવું જ જોઈએ.
આ બસ રોકાવી જ જોઈએ.
ડ્રાઈવર સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી બેસે.
કોઈ ગમખ્વાર અકસ્માત થાય.
હું અપંગ થઈ જઉં, મારો પોતાનો ભાર અનુભવી શકું.
અને વ્હીલેચરમાં બેસીને શાંતિથી,
બેઉ હાથથી પૈડાં ફેરવતી આ સુંદર રસ્તા પર આગળ વધું
કે પછી હું મરી જ જઉં અને ઘેર શોક પાળવામાં આવે.
કે પછી એવો મૂઢ માર વાગે કે બધા જ મુસાફરો
પોતાની યાદદાસ્ત ભૂલી જાય.
અને ડ્રાઈવર બસને હંકારી જાય
એની કોઈ મનપસંદ જગ્યાએ.
કે પછી એવું બને કે બસ અચાનક ઊંધી વળી જાય.
મુસાફરો બધા શીંગ, ચણા ને કુલ્ફી ખાતાં મરી જાય.
એકમાત્ર હું જ બહાર આવું, સંકટ સમયની બારીમાંથી,
એ બધાનું આયુષ્ય ચોરી લઈને.
અને પછી હું જીવું એ લોકોનાં બાકી રહેલાં જીવન પણ.
કે પછી અચાનક બસનો પગ લપસી પડે
આ નીચેની ખીણમાં.
ને કાયમ એક રહસ્ય જ રહી જાય
કે હું જીવતી હોઈશ કે મરી ગઈ હોઈશ?
પણ કંઈ જ બનતું નથી
આ સામેથી આવતો ટ્રકવાળો
મને હતું કે હમણાં અથડાશે
પણ એ ય બહુ સિફતથી પસાર થઈ ગયો.
ફરી એ જ રસ્તાની બંને બાજુએ વૃક્ષો.
મારા જ ગામનાં તદ્દન અપરિચિત.
કંડક્ટરે દોરી ખેંચી ઘંટી વગાડી.
કાબેલ ડ્રાઈવર બસનું બોર્ડ ઊંધું વાળી
કૂદકો મારી ઊતરી ગયો રિપૉર્ટ કરવા, સહીસલામત.
કંડક્ટર એનું પરચૂરણ ગણતો ચાલવા માંડ્યો, હિસાબ
લખવા.
હું પણ ચાલવા માંડી ઘર તરફ.
ઘરે બધાએ વ્હાલથી આવકારી, જમાડી.
વજનકાંટા પર ઊભી રાખીને વજન કર્યું.
‘બેટા, તારે હજી વધુ ખાવું જોઈએ.'
જો કે, વ્હીલચેર સાથેના મારા વજનની એમને કયાંથી
ખબર હોય?
હું મારી ન ભૂલાયેલી યાદદાસ્ત લઈને સૂઈ ગઈ.
સવારે મમ્મીએ બસની ટિકિટ ફાડીને ફેંકી દીધી કચરામાં.
થોડા દિવસ પછી,
એ જ ટિકિટનું ફરીથી રૅઝર્વેશન.

નરપિશાચ

કોઈ માણસખાઉ નરપિશાચ જેવી ભૂખ લાગી છે.
ઝાડ પર બેઠેલા આ એકલવાયા ગીધની
પ્રેયસી બની જવાનું મન થાય છે હવે તો.
મોટી, જાજરમાન પાંખો ફેલાવીને
એની સાથે અગોચર પ્રદેશોમાં ઊડતી રહું!
જ્યાં પણ મૃત્યુ દેખાય ત્યાં રોકાઈ જવાનું!
કેટલા બધાં, જાત જાતનાં શબનાં ભોજન.
આ એક શબ મારા એ પ્રેમીનું પણ છે,
જેને લાખ ચાહવા છતાં હું મેળવી નહોતી શકી.
જીવનમાં ક્યારેય નહોતો ચાખ્યો એવો
તૃપ્તિનો ઓડકાર મળ્યો છે મને
આ ગીધની પ્રેયસી બનીને!

સામ્રાજ્ય

મને ઝરુખામાં બેસાડો.
મને વીંઝણો નાંખો
મને અત્તરના હોજમાં નવડાવો.
મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો.
કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા.
કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા.
મારો સ્વર્યવર રચાવો,
જાવ, કોઈ વિદૂષકને બોલાવો
મને હસાવો.
ક્યાં ગઈ આ બધી દાસીઓ?
કેમ, કોઈ સાંભળતું નથી?
મને લાગે છે કે હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું.
બધા જ ગુપ્તચરો પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે.
જોકે આમ પણ હું ક્યાં કશું જીતવા માગતી હતી?
એક રાજવી તરીકેના મારા અભિમાનનું
મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ.
મારી પાંચેય આંગળીઓમાં સાચા હીરા ઝગમગી રહ્યા છે.
જે હવે થોડી જ વારમાં મારે ચૂસી લેવા પડશે.
પણ એ પહેલાં,
રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો
જે મેં ક્યારેય પૂરા જોયા નથી,
એ જોઈ લેવા છે. અને
દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા
ભયાનક સિંહ - વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે
એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે.

એ (મારો પુરુષ)

ઈચ્છા

મારા વધતા જતા
ગુલાબી નખને ચાવી જવા
એક પોપટ
પાંજરામાં છટપટાય.

પ્રવાસી

એક રળિયામણું ગામ છે તું.
હું પ્રવાસી બનીને આવું છું.
તને આશ્ચર્ય થાય છે.
ગામલોકો માટે કંઈ ખાસ અજાણ્યા નહીં,
એવા તારા રસ્તાઓ હું શોધી કાઢું છું.
અને તું મુગ્ધ થઈ જાય છે મારા સાહસથી.
હું તારી સીમ પર આવું છું.
અને તું તારું અત્યાર સુધી સાચવી રાખેલું રૂપ પ્રગટ કરે છે.
પછી હું ગામઠી કપડાં પહેરી લઉં છું.
અને તારા પાદરે પાણી ભરવા જઉં છું.
તું કામોત્સુક બની જાય છે,
મને બોલાવે છે, રાત્રે તારી હવેલી પર.
હું આવું છું તારા અંધકારની આડશે.
તને લાગે છે હું તારી જ કોઈ શેરી છું.
મને પણ લાગે છે, તું જ મારું ગામ છે.
પણ, તો યે, હું ફરી આગળ વધું છું.
કોઈ બીજા ગામને છેતરવા.
હું પ્રવાસી છું.
હું દરેક ગામને લલચાવું છું મારા તરફ, વચન આપું છું,
અને પછી વિશ્વાસઘાત કરું છું.

શ્રદ્ધા

મારું ખેતર મને પ્રિય છે.
કૃષ્ણપક્ષની રાતોએ જોયેલાં શમણાં જેવું.
શેરડીનો ઊભો મોલ છે, મબલખ રસ છે,
અને મારો પુરુષ મારી સાથે છે.
હું ખુશ છું આ ધરતી પર.
મારા પગ પાસે સરકતો આવતો સાપ પણ
મને વ્હાલો લાગે છે. કોઈ જ પ્રતિકાર નથી કરવો.
મારો પુરુષ મને ચાહે છે. એ મારું ઝેર ચૂસી લેશે.
મને શ્રદ્ધા છે એના પૌરુષમાં, એના પ્રેમમાં અને આ સાપમાં
પણ એ તો ઊઠીને દૂર ચાલ્યો ગયો.
મારા શરીરનો રંગ હવે બદલાઈ ગયો છે
આ બાજુમાં ઊભેલા લીમડાની ઝાંયમાં.
પગ પર સાપના બે દબાયેલા પેઢાનાં નિશાન ઊઠી આવ્યાં છે.
મને ભેટ મળેલું અક્ષયપાત્ર - મારું ખેતર
શિયાળાની આ કારમી ઠંડીમાં ચિમળાઈ રહ્યું છે.
ખુરપી, દાતરડું... અડી ન શકાય એવાં ઠંડાં, અચેતન છે.
એક ખિસકોલી ખાટી આંબલીમાં દાંત ભરાવીને ભાગી ગઈ.
એની સુગંધથી મારા દાંત અંબાઈ જાય છે.
આ શિયાળ એના મોંથી જમીન ખોદી રહ્યું છે,
મારી જમીન!
એને ખબર નથી કે એ જે ધૂળ ઉડાડે છે એના સોળ
મારી છાતીમાં પડે છે.
આ સુગરી પણ, હંમેશા પોતાના કલાત્મક માળામાં ભરાઈને
કાયમ એક સરખી ચહલપહલ કરતી રહે છે.
ન રાત જુએ છે ન દિવસ
ને આ કૂવા પર બેસાડેલી મોટરમાંથી
ધકધક વહેતું પાણી!
કોણ જઈને રસ્તાઓ બનાવશે ખેતરમાં?
મારાથી તો ક્યાં હવે ઊઠાય છે?
પગ પર સાપનો ડંખ છે અને હજી આખા ખેતર ફરતે
કાંટાળાં ઝાંખરાંની વાડ બનાવવાની છે.
નહીં તો આ નધણિયાતાં ઢોર
મારી બધી મહેનત નષ્ટ કરી નાખશે.
આ બધી શેરડી વાઢીને વેચવાની છે.
તેલીબિયાંનું નવું વાવેતર કરવાનું છે.
આ ઝેર પૂરા શરીરમાં પ્રસરી જાય તે પહેલાં જ
મારે ઊઠવું છે,
આખું ખેતર ખેડી નાખીને પેલા સાપનો રાફડો શોધવો છે.
અને એમાં ઊકળતું દૂધ રેડવું છે.
મારા વળ ખાતા શરીરમાં કંઈક નવીન,
છેલ્લી તાકાત આવી છે.
આ ખેતરની માટીને મારી મુઠ્ઠીમાં સમેટું છું.
અને આખાં ને આખાં કંદમૂળ હાથમાં આવી જાય છે.
બસ, આંખો મિંચાઈ જાય છે સંતોષથી.
કૃષ્ણપક્ષની રાતોના અંધકાર ભણી.
પાછળ રહી ગઈ છે મારી વાસના!
મારું ખેતર.
નોળિયાઓથી ભરેલું.
એકલો, લપાતો ફરશે સાપ
અને ભૂખે મરશે એ કાયર પુરુષ,
ડાંગર-બાજરી વિનાના ખેતરમાં.

કંદરા

હું હમણાં જ નાહી છું.
માથા પર પાણી રેડ્યું ને એ
સેંથા પરથી થઈને વાળ,
ખભા, નિતંબ, કમર અને
પીઠ, હથેળી, ઘૂંટણ પરથી ટપકે છે.
જો, જો, પેલો કાળો નાગ!
શંકરના ગળેથી ઊતરીને
દૂધની ધારાઓ વચ્ચેથી માર્ગ કરતો
ક્યાં જઈને વીંટળાઈ વળ્યો છે
પીળા કરેણને?
કાળોકેર વર્તાવી દીધો છે શંકરે.
મને પણ બે હાથે, ગોળ ગોળ ફેરવીને
હવામાં ફંગોળી દીધી. નીચે પટકાઈ કે
સ્તનોના ભાંગીને ભૂકા થઈ ગયા.
બત્રીસી બહાર નીકળી આવી,
છતાં હજી આંખો મીંચાતી નથી.
નજર સામે તરવર્યા કરે છે
પેલો નાગો બાવો!
આખા શરીરે ભભૂત લગાવેલો.
સપ્રમાણ દેહ, લાલઘુમ આંખો,
ગુલાબી હોઠ, ભીછરા વાળવાળો.
એનો સંઘ આખો આગળ ચાલતો જતો હતો
કંદરાઓમાં.
અને એ એકલો ઊભો રહી ગયો હતો, મને જોવા.
હું તાજી જ નાહીને બહાર ઊભી હતી જ્યારે.

અને મારા મોંમાં પણ પાણી આવતું હતું.
કેલ્શિયમની ખામી છે મારા શરીરમાં.
મને અદમ્ય ઇચ્છા થઈ આવી કે
આ ધૂણીની રાખની મુઠ્ઠીઓ ભરીભરીને
મોઢામાં નાખું.
મારી આખીયે જિંદગીની તપસ્યા પૂરી થઈ જાય,
પણ આ જ એ પળો હતી.
જ્યારે શંકર ત્રૂઠ્યો!
હું અહીં ક્ણસતી પડી છું,
અને કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે.

શુક

એક સાથે સેંકડો પંખીઓના ઊડવાના પાંખોના ફફડાટની
સાથે
તું આવે છે.
અને તું મારી સાથે રહે છે,
આખી બપોર બાલ્કનીમાં બેસી રહેલા કબૂતરની જેમ.
તું મારી સાથે વાતો કરે છે.
હારબંધ ઊતરી આવેલા શુક જેમ.
એ જ વર્ષોજૂની વાતો, શીખેલી અને ગોખેલી પણ.
તું એ બોલે અને હું ખુશ થઈને તને એક મરચું આપું.
છતાં તું જાય એઠવાડ શોધવા.
શું તને શંકા છે કે મેં જે કંઈ રાંધ્યું
એ બધું તને નથી ખવડાવ્યું?
જો તને એ શંકા હોય તો એ સાચી પણ છે.
મેં થોડુંક બચાવ્યું છે,
સાંજે અગાશી ભરીને આવતા કાગડાઓ માટે.
કારણ કે એ કાગડાઓ જ રોજ મારી બારસાખે બેસીને
બોલે છે કે કોઈ આવશે.
અને પછી જ તો તું આવે છે.
એક સાથે સેંક્ડો પંખીઓના ઊડવાના,
પાંખોના ફફડાટની સાથે.
એ પાંખોમાંથી ખરેલાં પીંછાં હું ભેગાં કરું છું.
અને એક નવી પાંખ બનાવું છું.
પેલા બાલ્કનીમાં બેસી રહેલા કબૂતર માટે
અને તું ઊડી જાય છે.

બુકાની

એક મધરાતે એણે જોરથી સાંકળ ખખડાવી.
મેં કંઈ જ સમજ્યા વગર બારણું ખોલી નાખ્યું.
અને આમ મોઢા પર બુકાની બાંધીને આવેલા
એ માણસને મેં આશરો આપ્યો, મારા ઘરમાં,
એની આંખો, એના હોઠ, એનો અવાજ,
હું એનું કંઈ જ નથી ઓળખતી.
અને એટલે જ મને એનામાં ઘણું બધું સામ્ય લાગ્યું,
મારા હમણાં જ છૂટા પડેલા પ્રેમી જેવું.
એણે ક્યાંક ચોરી કરી હશે કે કોઈનું ખૂન કર્યું હશે,
મારા માટે એ બધું ગૌણ છે.
મને તો માત્ર એક જ વસ્તુ ઉત્તેજિત કરે છે
અને તે એ કે હું એનું કંઈ જ નથી ઓળખતી.
એની ઝંઝાવાતમાં ફસાયેલી હોડીમાં મારે નથી ઊભા રહેવું
શાંત, સ્વસ્થ તોરલ બનીને.
હું તો અત્યારે જ એના તરફ ખસું છું એક તલ જેટલી
અને એ પણ મારી પાસે આવે છે એક જવ જેટલો.
ત્યાં જ ફરી બારણે ટકોરા પડે છે.
હું જવાબ આપવા જઉં છું કે અહીં કોઈ જ નથી આવ્યું.
અને આમ પણ એ તો ચાલ્યો જ ગયો છે ને,
પાછલે બારણેથી!
મને ઘણી વખત એની યાદ આવે છે.
મધ્યાહ્ને તપતા સૂરજ નીચે એ ક્યાં છૂપાતો ફરતો હશે?
તારલાઓ ભરી કોઈક સુંદર રાત્રિએ
એની ઓળખ છતી તો થઈ જ જતી હશે ને?
કોઈક સ્થળે, કોઈક અજાયબ અગાશીએ?

એ અગાશી પર પોતાની ડાળખીઓ પસારતા
શેતૂરનો ધીમો ધીમો અવાજ
સ્પંદિત કરે છે, મારા શરીરની રગોને.
હું તકિયામાં મોઢું છૂપાવી સૂઈ જઉં છું.
અને સવારમાં ઊઠીને મારા કાનના પડદા
સાબુથી ઘસીને સાફ કરી લઉં છું.
છતાં આજે ફરી
દૂર દૂરની કોતરોમાં અથડાઈને
પાછો ફર્યો છે એ અવાજ —
સાંકળનો. શેતૂરનો. ચોરીનો. ખૂનનો.

ખલાસી

ખલાસી ધીમેથી લંગરો છોડે છે.
અને એમ વહાણ ઊપડે છે.
એ કામ કરે છે પણ થોડી થોડી વારે
એને યાદ આવ્યા કરે છે
વહાણના નીચેના ભાગમાં ફીટ કરેલો મોટો છરો.
એ સાચે જ ગભરાયેલો છે, વહાણના વેગથી
અને પાણીમાં સરકતા જતા એ છરાથી.
જુદા જુદા બંદરે વહાણ ઊભે છે,
મોટા મોટા ક્રેન ઊંચકાય અને અનાજ, લોખંડ,
થોડીક નવી છોકરીઓ લઈને આગળ વધે.
રાત પડી, ખડકથી અથડાતાં સહેજમાં બચી જવાયું.
સૌ ભેગા મળી ગયા. માછલીઓ શેકાઈ.
પણ, વહાણની નીચેના છરામાં
કોઈ વ્હેલ પણ કપાતી ગઈ.
ખલાસી બરાડી ઊઠ્યો, જાગો! જાગો!
પણ, બધા ભરપેટ, મીઠી ઊંઘમાં હતા.
અંતે સવારે દરિયામાં તોફાન આવ્યું.
આખું ને આખું વહાણ સરકતું ગયું નીચે.
આખું પાણીનું ભરેલું.
છરો ખૂંપી ગયો તળિયે
અને એની આસપાસ પછી
વ્હેલ માછલીઓ ફર્યા કરતી હતી.
વહાણની અંદર જાય, ઉપર ઊભે,
છરા પર જામેલું લોહી જુએ.
અને મોટો, ચળકતો છરો પડી રહે ખૂંપેલો
દરિયાના તળિયે.

ગર્ભદ્વાર

વૈરાગ્ય એ જીવનનો વધારે નિકટ અનુભવ છે,
એ પુરુષનું શિષ્ન જૂનું થઈ ગયું છે.
શિવાલયમાં ઊડતાં બીલીપત્રો એ રોજ સાફ કરે છે.
પણ આજે, કંઈક ઠંડા ઘેન જેવું
એને અનુભવાય છે.
શરીરે ચંદનનો લેપ, કપાળે તેજ,
ગળે રુદ્રાક્ષની માળા અને શ્વાસમાં
લોબાનની સુગંધ હોય એવું કંઈક.
માત્ર તીવ્ર સ્વરો વાગતા હોય,
નાભિનો ઘેરો અવાજ એમાં એક થઈ જાય.
અને ખુલ્લી પાનીએ આરસના મંદિરને સ્પર્શતો
એ જઈ પહોંચ્યો, મંદિરના ગર્ભદ્વારમાં.
ઝરતા ચરણામૃતને સીધું જ ઝીલી લીધું
જીભ પર, આંખે અડાડ્યા વગર જ.
અને કાનની બુટ લાલ લાલ થઈ ગઈ.
જાણે હમણાં જ કોઈ સ્ત્રીએ ચુંબન કર્યું હોય.

સિંહબાળ

ગઈકાલે રાત્રે કોઈ મારી સાથે...,
મેં એની આંખોમાં જોયું હતું.
એની કેશવાળી બંને હાથે પકડી લીધી હતી.
અત્યારે સવારે એ સશક્ત સાવજના
કેસરી વાળ માત્ર મળી રહ્યા છે.
બહાર આવીને જોઉં છું,
તો ઉપર આકાશમાં, પંખીઓની એક હાર ઊડી રહી છે.
થાય છે કે એમાંથી ગમે તે એક ને
નીચે પાડી દઉં,
એનાં લોહી-માંસ અલગ કરી કરીને જોઉં.
એને ધવડાવું,
એનાં પીંછાંઓ, મારા આખા શરીર પર ફેરવું.
ને પાછી સૂઈ જઉં.
પણ, પણ, ક્યાં છે મારાં સિંહબાળ?
પૂર તાણી ગયાં
કે પવને દાટી દીધાં
કે અગ્નિએ ખાઈ લીધાં?
તગતગતી આંખોવાળાં, સોનેરી,
મારાં બચ્ચાં!
ગઈકાલે રાત્રે હજી જન્મ્યાં છે.
ક્યાં છે મારાં સિંહબાળ?
એ સશક્ત સાવજનું કેસરી વીર્ય પણ હજી
અહીં પથારીમાં જ પડ્યું છે,
પણ ક્યાં ગયાં મારાં સિંહબાળ?

તે (ત્રીજો પુરુષ)

માળો

ઓ ચકલી નાનકડી!
રેતીમાં તો માત્ર નાહવાનું હોય,
તું શાની માળો બનાવવા લડે?

ગીત

એક રંગબેરંગી,
મૂદુ ગીતો ગાતું
નાનક્ડું પંખી
હજી તો ઊડતાં યે
માંડ શીખ્યું હતું
ત્યાંજ -
જઈને પડ્યું
એક અવાવરુ કૂવાના
ઊંડા અંધારા તળિયે
કાળા પાણીમાં
સાપોલિયાંઓની
વચ્ચે.

છળ

રગદોળે પંજા માટીમાં,
ગરજે, ચાટે બચ્ચાંઓને,
રાની પશુ. ગુફામાંથી બહાર આવીને
બગાસું ખાય, ગંધાતા મોઢે
તળાવમાં પાણી પીવા ઊતરે
અને પછી હંફાવે સાબરોને.
કયારેક અડધી રાતે એકલો જ
ચાલ્યો જતો હોય વનમાં
ત્યાં સામેથી કોઈ જીપ આવીને ઊભી રહે તો
આંખે અંધારાં આવી જાય બિચારાને,
એ લાઇટથી.
અને પછી, મોટી ફાળ ભરીને
એક થપાટ મારે અને દોડી જાય
ચાર પગે, પલકવારમાં.
પણ એક વખત, જ્યારે આખાયે વનમાં
કાવતરાભરી શાંતિ છવાયેલી હતી, ત્યારે
ઝાડ સાથે બાંધેલી બકરીનું
બે-બેં સાંભળીને, એ જઈ પહોંચ્યો ત્યાં
અને માંચડો બાંધીને બેઠેલા
બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા.
ઝાડ પર બેઠેલા લક્કડખોદના શરીરમાં
લાકડાની ઝીણી ઝીણી ફાંસો ભરાઈ ગઈ.
સૂંઢમાં તળાવ ભરીને નહાતી
હાથણીઓ શાંત થઈ ગઈ.
આ રાની પશુનો માયાળુ પંજો


સ્ફૂર્તિથી ઊંચકાયો.
દૂર સામે છેડે રાઈફલની નાળ ગોઠવાઈ.
આંખો... અંતર.. અંધકાર... દિશા...
નખ... માટી... લાઈટ.. અવાજ...
છળ... કપટ... અને
આમંત્રણ આપતું એક ભરપૂર શરીર.

ઝેરી દૂધ

ઊંચકાયેલા ગોવર્ધનની છાંય તળે ઊભેલી
વ્રજની એક ગાય,
એની અંદર રહેતા તેત્રીસ કરોડ દેવતાઓને
ઊંઘી ગયેલા જાણીને
ચાલી નીકળી મળસ્કે.
ત્યાં ઘંટડીઓ તોડતી જતી એ ગાયને
જોઈ ગયો એક ભરવાડ
એની અંદરના જ એક દેવતા જેવો.
કદાચ ઇન્દ્ર જેવો.
દોહી લીધું એણે બધું જ ઝેરી દૂધ,
ને આદેશ આપ્યો ગાયને સગર્ભા બનવા.
હવે એની અંદર ઉછરતા બળદનું જોર
ઘાટીલાં બનાવે છે એનાં શીંગડાંને.
એની અંદર રહેતાં દેવો પણ ઉત્સુક બની જોઈ રહ્યા છે
એ બળદમાં શ્વાસ આવવાની પ્રક્રિયાને.
પણ, કલાકો સુધી ઘાસ વાગોળતી રહેતી
એ ગાયની આંખોમાંથી તો
આંસુઓની ધાર વહે છે,
જે ભીંજવી નાખે એના ગળાની લથરતી ચામડીને,
કે આ કોનું સંતાન હશે,
એનું પોતાનું,
કે ઈન્દ્રનું?

દાણા

સિબિલીઓ ટોળે વળી બેઠી છે.
થોડુંક ધીમેથી, થોડુંક ઊંચા અવાજે
કંઈક બોલી રહી છે.
એમની મુઠ્ઠીમાં દાણા છે.
ખૂબ ઊંચે ઉછાળી પંખીઓ પાસે ફેંકે છે.
પંખીઓ દૂર દૂર વેરાયેલા દાણાઓ
ચાંચમાં ભરી લેવા દોડે છે
સિબિલીઓ હવે આંધળોપાટો રમી રહી છે.
અને પંખીઓ જઈ પહોંચ્યાં છે, એમનાં ઘરોમાં,
ઢાંકેલી રસોઈ ખાવા.
થાકેલી સિબિલીઓ ઘેર પાછી ફરે છે.
અધખુલ્લાં વાસણો જોઈ બોલી ઊઠે છે,
નક્કી આ પક્ષીઓ !
બધું જ જાણી લેતી આ સિબિલીઓને
શાપ આપતાં નથી આવડતું.
ધાન ભરેલી કોઠીઓ પાસે બેસી એ ડૂસકાં ભરે છે.
ગ્રીસના રસ્તાઓ પર નીકળે છે તો એમની આગળ
પક્ષીઓનો કલબલાટ હોય છે.
લોકોને એમના શબ્દો કંઈ જ સંભળાતા નથી.
આ સિબિલીઓ આમ ને આમ મરી જશે.
પક્ષીઓનું પણ પેટ ફાટશે.
બચ્ચાંઓ ઊડ્યા વગરનાં રોશે
લોકો તો ખૂબ પસ્તાશે.
સિબિલીઓનાં ઘરમાં રોજ નવા નવા હાથ ઊગશે.
દરેકને પોતાના શરીર પરના નવા તલની જેમ

એની ચિંતા થશે.
અને આમ, સિબિલીઓ વેર વાળશે.

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> *સિબિલ : પ્રાચીન ગ્રીસની ભવિષ્યવેત્તા સ્રીઓ.

રાણી રૂપમતી

પૂર આવે ત્યારે નદી આખી અસ્તવ્યસ્ત થઈ જાય છે.
વંટોળની જેમ ધૂમરાય છે.
અને તળિયે છૂપાયેલું ઘણુંબધું ઉપર આવી જાય છે.
ગામલોકોની બધી જ અમાનત એણે પાછી આપવી પડે છે.
અને પૂર ઓસર્યા પછી નાનકડી ચોરબાળકી જેવી
ચૂપચાપ ઊભી રહે છે.
સાલ્લી ચોર! એક થપ્પડ મારું છું હું એને.
રીસાઈ જાય છે એ.
સીતામાતાની જેમ ધરતીમાં સમાવા જઈ રહી છે.
છો ને જતી!
આ માછલી, કાચબા બધાં કેટલાં ખુશ છે.
તારાથી મુક્ત થયાં.
હવે એમને શ્વાસ લેવા માટે તારી પાસે નહીં આવવું પડે.
ગામની બધી જ સ્ત્રીઓનું રૂપ ચોરી લઈને
તું એક રાણી રૂપમતી બનવા માગતી હતી.
તારું એ ખળખળ હસવું!
કેટલાંયે જંગલી પ્રાણીઓને હવસખોર બનાવતું હતું.
તારા કિનારાઓએ, આ ગામની લક્ષ્મી
ને પેલા ગામના લાખિયાને
કયારેય પરણવા જ ન દીધાં.
આજે તારા આ ચોગાનમાં મોટો ઉત્સવ છે.
ખુલ્લી હવામાં શ્વાસ લેતાં જળચરો બધાં
મનુષ્યો સાથે નાચી રહ્યાં છે.
હે નદી! તારો અંત આવી ગયો!

ચાંદની ચોક

ચંદ્રની અંદર ખીણો છે, માટીનાં ધાબાંઓ છે,
તેમ એક ચોક પણ છે.
નામ છે ચાંદનીચોક.
ચંદ્રનો પ્રકાશ આ ચોક પર પથરાયેલો છે.
અને ચાંદામાં રહેતું પેલું સફેદ, રૂની પૂણી જેવું
સસલું, એની રાતી આંખોથી ચારે તરફ
આ ચોકને તાકી રહ્યું છે.
ચંદ્ર પર રહેવું એટલે શું?
અહીં કશાનું વજન નથી.
એ આ ચોકમાં લપાઈને ફરે કે કસરતો કરે!
અહીં નથી લીલું ઘાસ કે નથી રાત.
નથી કોઈ ભય કે નથી બીધેલાં હરણાંઓ.
અહીં માત્ર પવન છે.
અને એમાંયે અજવાળું છે.
જોરથી ફૂંકાતા એ પવન સામે, આ રીસાયેલું સસલું,
એકલું અવાક ઊભું રહી જાય છે.
અજવાળું એના શરીર પરના વાળ ખેરવી નાખે છે.
પોતાના જ વાળની સુગંધની એને એલર્જી છે.
એને ખૂબ છીંકો આવે છે.
ચંદ્રનું જે કંઈપણ ગણો તે બધું જ આ સસલું,
હમણાં જરા માંદું છે.
અને બીજનો ચંદ્ર, ત્રીજનો ચંદ્ર,
ચંદ્રની બધી જ કળાઓ વ્યથિત છે.

બહારવટી

કેટલીક ટેકરીઓ ચડીને, પછી ઊતરો
ત્યાં એક ગામ આવે.
અને એક વખત ત્યાં પહોંચ્યા પછી તો
એવું પાધરું કે ક્યારેય ભૂલા જ ન પડો.
કામશક્તિથી ભરપૂર જુવાનોને કારણે
લચી પડી છે ફળોની વાડીઓ.
ગામની તેર-ચૌદ વર્ષની કુંવારીઓનાં
સ્તનો પણ એવાં સુંદર, જાણે દૂધ ઊભરાતું હોય.
મેનોપોઝના આરે આવેલી સ્રીઓ પણ
આનંદથી કાલાં ફોલતી હોય.
બજારમાં જાવ તો ખાસ ધીરગંભીર, ઘરડી સ્ત્રીઓના
હાથે બનેલી મીઠાઈ મળે, જેમને બરાબર ખબર પડે
એકતારી, બેતારી ચાસણીની.
ફેરિયો નીકળે બૂમો પાડતો,
ડોશીના વાળ જેવી સફેદ-ગુલાબી સૂતરફેણી લઈને.
ડોસાઓ એ મોંમાં મૂકે ને
ગળ્યા, ગળ્યા ખુશ થઈ જાય.
રાતના બીજા ત્રીજા પ્રહરમાં બહારવટીઆઓ આવે
તો ગામની પ્રહરી એ નદીનું પાણી પીને સૂઈ જાય.
સવારે ચાલ્યા જાય, કશુંયે લૂંટયા વિના.
આ નદીના પાણીની મીઠાશ તો આ પટને કારણે છે.
આ પટની રેતી, જેના પર ઊગે છે.
પાકાં પાકાં ટમેટાં.
સૂપ કે સોસ કશું જ બનાવવાની જરૂર નહીં.
બસ, બાળકો એ તોડી લે અને નદીમાં ધોઈને ખાઈ લે.

લાલ ગેરુઆ માટીનો સેંથો પૂરતી પરિણીત સ્ત્રીઓ,
સાંજે મંદિરથી વળતાં,
ઘઉંના મીઠા મીઠા ઘૂઘરાની પ્રસાદી વહેંચે.
પીળાં રાઈનાં ફૂલોથી શોભતું આ ગામ
જાણીતું છે દૂર દૂરના પંથકોમાં સુખ માટે
પણ ત્યાં રહી તો એ જ શકે
જેના પૂર્વજો એ ગામના હોય.
બીજા લોકો તો આવીને ચાલ્યા જાય
પેલા બહારવટીયાઓની જેમ જ.
રહે તો માત્ર કણબીઓ જ.
ઉપજાઉ એ જમીનમાં ઊડે સુધી ખૂંપી ગયેલા
કણબીઓ.
ખભે હળ અને મોઢામાં અંગૂઠો ચૂસતા
કણબીઓ.

સ્પાઈડરમૅન

મને એક પાંદડું મળ્યું.
લીલું, તાજું, કૂમળું.
અંદર એક સીધી લીટી
અને એમાંથી બંને તરફની પ્રસરતી શિરાઓ.
જાણે સુંદર, લાંબા રસ્તાઓ હોય
અને દરેક રસ્તો કોઈ જુદા જ સ્થળે
ખુલતો હોય.
મેં એ પાંદડું જાળવીને
એક પુસ્તકની વચ્ચે મૂકી દીધું.
આજે કેટલાય વખત પછી
ફરીથી મેં એને જોયું.
રંગ હવે દરિયાઈ પ્રાણી જેવો
આકરો લીલો થઈ ગયો છે.
અંદરની શિરાઓ
સૂકી, બટકણી થઈ ગઈ છે.
એ પાંદડાની સાથે એક લીલી ઈયળ પણ હતી.
એ કયાં ચાલી ગઈ?
આજે પણ, એ પાંદડું છે હજી,
મારી પાસે.
અસલ તાંબાના ગ્લાસ જેવું.
જેની ઉપર કોતરાયેલી હોય
સ્પાઈડરમેન જેવી
સ્પષ્ટ, ચોક્કસ, સ્થિર, સુરેખ,
શિરાઓ.
એકબીજાની ખૂબ નજીક નજીક.

ડોશીના વાળ

ડોશીના વાળ.
આમળાં-અરીઠાંથી અસંખ્યવાર ધોવાઈ ગયેલા,
સુકા વાળ. માથાની જીર્ણ ચામડીમાં બચેલા
થોડા જર્જરિત વાળ.
લીખીયાના દાંતામાં ભરાઈને તૂટી જાય છે.
એ વાળનું ગૂંચળું બનાવીને પગના અંગૂઠામાં બાંધી દે છે.
અને અંગૂઠા આગળ લોહીનું ભ્રમણ થતું અટકી જાય છે.
એને યાદ આવે છે,
પોતે નાની હતી ત્યારે હવામાં ઊડતા ડોશીના વાળને
ફૂંકો મારી ઊંચે ને ઊંચે ઉડાવતી હતી તે.
પછી એના પોતાના વાળ ઉતારવાની વિધિ થઈ હતી તે.
અને એનો જન્મ સમયનો એક પ્રિય ફોટો,
તેલ માલિશથી ચમકતા વાળ અને શરીરનો.
અચાનક રસોડામાંથી વહુનો કર્કશ અવાજ સંભળાય છે,
એનો સફેદ વાળ કદાચ ઊડીને
રસોઈમાં પડી ગયો હશે એટલે જ સ્તો!

એક કિશોરી

ભૂમધ્ય સમુદ્રના ઊંડા પાણીમાં તરી રહી છે
એક કિશોરી.
પાણીનો વેગ આકાર આપે છે
એના અવિકસિત શરીરને.
એના હાથ નાનકડા પણ મજબૂત.
એના પગની પાની સતત વીંઝતી રહે છે પાણીને.
અને ઉપસી આવે છે અતિ સફેદ શરીરમાં
લીલી લીલી નસો બિહામણી.
એનો ચહેરો?
કાચ પર ઢોળાયેલા પાણી જેવો જ.
ગતિશીલ, પારદર્શક.
એની વાણી?
એ બોલતી જ નથી.
નહીં, એ મૂંગી નથી, પણ એ બોલતી નથી.
સમુદ્રના તળિયે ખૂંપેલા કાચના ટુકડા
ક્યારેક એને ઇજા પહોંચાડે છે,
પણ એના શરીરમાં લોહી જ ક્યાં છે?
હસવું આવી જાય એવી રબરની ઢીંગલી છે એ.
જેના માથા પરના વાળ મશીનથી સીવેલા છે.
હાથપગની આંગળીઓ જોડાયેલી છે.
અને અત્યંત ઉત્તેજિત કરતો ઉરપ્રદેશ છે.

રોગિષ્ઠ કૂતરી

આ હડકાયો કૂતરો,
શેરીમાં ચાલતાં લોકોને ચોર સમજે છે.
અને પછી બિચારા લોકો પણ મનમાં ઊંડે ઊંડે ગભરાય છે.
કૂતરાની પીઠ પર એવી લાઠીઓ મારે છે
કે ચામડી પર સોળ ઊઠી આવે છે.
અને એ કૂતરાને મનોમન ચાહતી
પેલી રોગિષ્ઠ કૂતરીયે દુઃખી થઈ જાય છે.
ચંદ્ર એની સોળ કળાએ ખીલી ઊઠે છે
અને કૂતરો વધારે ને વધારે જોરથી ભસતો રહે છે.
મને થાય છે,
રોટલાના વાસી ટુકડા જેવો આ ચંદ્ર,
ઉપર લટકી રહ્યો છે તે કેમ પડી નથી જતો
આ નીચે ભસતા કૂતરાના મોઢામાં.
એના શિકારી દાંત વડે કૂતરો ચંદ્રને ચાવી જાય.
અને એનું ગાંડપણ દૂર થઈ જાય.
થોડા વધેલા ચંદ્રમાંથી એક બટકું
પેલી કૂતરીને પણ આપી દઉં,
અને એ સુંદર થઈ જાય.

હાથ

દેવી લક્ષ્મી,
તારા હાથમાંથી વરસતી સોનામહોર ન જોઈએ મને.
ન જોઈએ તારું ત્રિશૂળ કે શંખ કે તારી માળા.
હે હજાર હાથવાળી!
મને તારો કમળવાળો હાથ જોઈએ.
એ સુકુમાર કમળ જોયું છે ત્યારથી
મને કોઈ રાજકુમાર પણ નથી ગમતો.
પુખ્ત સુંદર દેહયષ્ટિ, એનું લાલિત્ય,
એની છટા, સૌરભ,
ખીલેલું એ કમળ જોઈએ મને.
અને તારો હાથ!
જે સદા યુવાન રાખે છે એને.
પાણીથી અલગ એ કમળ
અને તારા અંગથી અલગ એ હાથ ને
રેશમી કપડામાં વીંટાળી
સાચવીને મૂકી દઈશ.
દેવી લક્ષ્મી,
તારા હજાર હાથમાંથી એક હાથ આપ મને!

મણિ

લઈ લેવો જોઈએ મણિ
આ નાગના માથેથી.
કેવો ઘૂસી જાય છે
મણિના અજવાળે, અજવાળે
થડની અંદર,
ને ખાઈ જાય છે, લબકારા મારતો
કવિઓના કેટલાય અણમોલ ને અપ્રાપ્ય શબ્દો.
ગળી જાય છે, બખોલોમાં રહેતાં
પક્ષીઓનાં બચ્ચાં પણ.
જીવતો ન રહેવા દેવાય આ નાગને હવે.
પણ એમ કેમ એના પર લાઠી ઝીંકી દેવાય?
એના પેટમાં બચ્ચાંઓ હવે
પેલા શબ્દોને બોલતાં શીખી રહ્યાં છે.
એ પોતે જ ગાંડો થઈ જશે.
નહીં કાંઈ ઓકી શકે
કે નહીં ચાલી શકે
પોતાની સ્થૂળ કાયા લઈને.

મેરુ

આંધળા પાણીમાં, નાગની છાંયમાં.
પગચંપી કરાવતા વિષ્ણુ
અને આસપાસ પાણીમાં તરતી
હીરાજડીત કલાત્મક પેટીઓમાં
નવજાત શિશુઓ.
હું જઈને બેસી રહીશ નદીના કોઈ શાંત કિનારે.
રાહ જોઈશ, મારાં શિશુના આવવાની,
માછલીનાં ઈડાંઓ તો જન્મતાંની સાથે જ
વિખેરાઈ જાય, અગાધ સ્નિગ્ધ પાણીમાં.
પ્રસરી જાય એમના શ્વાસ પરપોટા બનીને.
પણ હું કેવી રીતે ઓળખીશ મારા શિશુને?
આ બધાં વર્ષો,
મેં કેટલીયે મીટ માંડી આકાશે,
સમુદ્રોમાં ડોકિયાં કર્યા,
ક્ષીર નીકળતાં ફળ-ફૂલો વચ્ચે હું ફરતી રહી.
ધમણની જેમ ચાલતો રહ્યો મારો શ્વાસ.
અને હવે આ બાળક આવીને મને
વાત કહેશે પાતાળની.
પાણીમાં ધીમે ધીમે ઓગળી રહેલા
અડગ મેરુની
લાલ ફેણવાળા, ઝેર ઓકતા,
જાતજાતના સર્પોનાં હાડપિંજરોની.
અને હું ઓળખી લઈશ
મારા ગર્ભને.
એના જન્મની વેદનાને.

રંગ

લીલાછમ ઘાસના મેદાનમાં રહેતા
આ તીડનો રંગ પણ લીલો છે.
એના દુશ્મનો ક્યારેય એને
આ ઘાસની વચ્ચે શોધી નથી શકતા.
આખો દિવસ એ મેદાન પર લહેરાતા
પવન સાથે ઊડતું રહે છે અને પછી રાત્રે
લીલા અંધકારમાં, ભીના અડાબીડ ઘાસમાં
ઘેરી રંગ સાતત્યતા નિકટ સૂઈ જાય છે.
વહેલી સવારે ઝાકળનાં ટીપાં એના શરીર પર
અને ઘાસ પર બાઝેલાં હોય છે.
અને સૂરજનાં હરિયાળાં કિરણો
એના પર ચમકતાં હોય છે.
પણ એક દિવસ, આ સૂરજ ગાંડો થઈ ગયો.
ગુસ્સામાં એવી તો અગનજ્વાળાઓ વરસાવી
કે બધું જ ઘાસ સૂકાઈને પીળું થઈ ગયું.
બિચારું તીડ હવે એક અજાણ્યાની જેમ
ગરમ રેતીની ડમરીઓમાં અટવાયેલું, રઘવાયા કરે છે.
એના નાજુક, પાતળા પગ
આ બળબળતી જમીન પર કયાંય રોકાતા નથી.
એ શોધી રહ્યું છે પોતાના લીલા રંગને.

મશરૂમ

આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં કરે છે.
સક્ષસી વીજળી ઝબકારા મારે છે.
તારાઓ તો ક્યાંય અદશ્ય થઈ ગયા છે.
ચીસો પાડીને બોલાયેલા બધા જ નિઃસહાય શબ્દો
ફરી એક વખત આકાશી ગર્જનામાં દબાઈ ગયા!
વરસાદ હવે થંભી ગયો છે. ખુશનુમા ઠંડક છે.
આ પર્વત આખો લીલોતરીથી શોભી ઊઠશે.
લોકો ખુશ છે કે શહેરનું તળાવ છલકાઈ ગયું છે.
એ સિવાય પણ કેટલું બધું બની ગયું!
મારી અગાશીમાં મેં વાવી હતી એ કોથમીર તૂટી ગઈ.
જેને અડતાં પણ ડર લાગે એવા
તાજા જન્મેલા બાળક જેવાં, સુંવાળાં મશરૂમ
રસ્તા પર વહેતાં આ પાણીમાં ડૂબી ગયાં.
મારા ઘરના છાપરા પર, રૂમાં વીંટાળીને મેં ફેંકયો હતો,
એ દૂધિયા દાંતને પણ આ પાણી
શહેર બહાર, સમુદ્રમાં લઈ ગયાં.
નિર્દોષ મારો એ દાંત હવે, સમુદ્રના પેટાળે પડેલા
અસંખ્ય ધોળાં છીપલાંઓમાં ભળી જવાનો.
આકાશમાં મેઘધનુષ્ય દેખાયું છે.
પણ મને તો હવે એક જ સ્વપ્ન આવે છે,
સમુદ્રના તળિયાનું !
અને હવે દરેક માછલીને હું શંકાથી જોઉં છું.
મારો દાંત એના પેટમાં છે,
કે કોઈ રાણીના આભૂષણમાં જડાયેલો છે.
કે પછી શંખના પાઉડરમાં પીસાઈ ગયો છે?

બહાર રસ્તા પર રાત્રે રઘવાઈ થઈને ફરતી હતી
એ ગાય પર વીજળી ત્રાટકી,
અને એ પણ હવે નથી રહી.
દૂધિયા દાંત જેવી એ ગાય ક્યાં ગઈ?

એક હાથ સમુદ્રનો

મેં મારા હાથથી સમુદ્રની એક લહેરને અટકાવી દીધી.
અને એ પછી તો હું આખી જ બદલાઈ ગઈ.
મારો હાથ ઓક્ટોપસ બની ગયો.
મારી આંગળીઓ માછલી બની ગઈ.
મારા નખ સમુદ્રના પડ ઉકેલાય તેમ
ચામડીથી છૂટા થવા માંડ્યા.
મારા હાથની રેખાઓ પવનચક્કીનાં
ફરતાં પાંખિયાંઓ જેમ ધુમરાવા માંડી.
મારી મુઠ્ઠીમાં મીઠાના અગર બંધાયા.
મારી હથેળીમાં મોતી પાક્યું.
મારા હાથમાં સમુદ્રનો ભંગાર પણ આવ્યો.
મારા હાથમાંથી થોડુંક પાણી સરી પણ ગયું.
મારા હાથને તરસ પણ લાગી.
મારો હાથ જાણેકે મારો જ ન રહ્યો.
અને પછી તો સમુદ્રનાં મોજાં આવ્યાં,
જે મારા હાથને જ ખેંચી ગયા સમુદ્રમાં.
હવે તો ક્યારેક જ દેખાય છે મારો હાથ,
સમુદ્રનાં મોજાંઓ ભેગો ધસમસતો આવતો હોય છે.
અથડાઈ પડે છે ખડક સાથે અને
વેરાઈ જાય છે દરિયાઈ ફીણ જેવો.
પાછો ચાલ્યો જાય છે શાંતિથી, મોજાંઓ ભેગો.

તેઓ (એ અને તે)

કલગી

મોરની ડોક સુંદર, લાંબી.
ઢેલ જાડી ભમ.
વરસાદને વધાવે મોર એકલો જ.
ઢેલ તો બસ કાંગારુની કાંખમાં
બચ્ચું જોઈને શરમાય.
મોર તરડાયેલા પંજાઓથી જીવડાં પકડે
ને કલગી રગદોળાઈ જાય
ભીની ધૂળમાં, અળશિયાંઓ વચ્ચે.
મોટાં રંગીન પીંછાંઓવાળું
ઢેલનું ભારેખમ શરીર ઊંઘી જાય.

નિયતિ

ધરતીના પોલાણમાં ઊંડે સુધી ખૂંપતા જવું
કે અંતરીક્ષમાં તર્યા કરવું —
ધરતીના પેટાળમાં મળનાર કોઈ ધગધગતું પ્રવાહી
કે અવકાશમાં મળનાર કોઈ ઝેરી વાયુ —
                  બંને એક જ અનુભવ છે.

અતિપ્રિય અતિથિ

સાઈબીરીયાથી દર વર્ષે અહીં આવતાં
આ ફલેમિંગો હજી આવ્યાં કેમ નહીં?
ત્યાં જ ઠંડીથી ઠૂંઠવાતાં મરી તો નહીં ગયાં હોય?
કે પછી રસ્તામાં એમની કાંપતી પાંખો
એવાં જ સફેદ વાદળો સાથે ભૂલથી અથડાઈને
ચિરાઈ ગઈ હોય?
નળ-દમયંતીની વાર્તા કહેતો પેલો નાવિક
રાજા નળની જળસમાધિ બતાવી રહ્યો હતો.
હું જોઈ રહી, એની નાવ પર દોરેલાં લાકડાનાં ફ્લેમિંગો
ને પછી એ નાવિકની વહુએ ઘરમાં લીંપેલાં
માટીનાં ફલેમિંગો.
સરોવરમાં ઊગેલાં કુમળાં ઘાસનાં બીજ ફ્લેમિંગો.
વાંસનાં હલેસાં ફલેમિંગો.
કેટલાં બધાં! પણ બધાં જ સ્વર્ગસ્થ.
મારે તો જોવા હતાં હુંફાળા તડકામાં પાંખો શેકતાં,
સુંવાળાં સંવનન કરતાં,
માટીમાં ખાડા કરી ઈડાંઓ સેવતાં ફલેમિંગો.
જોકે, સરોવરનાં છીછરાં પાણીમાં રમતી
જળકૂકડી જોવાની મજા આવે છે,
પણ ફલેમિંગો કેમ ભૂલાય?
શાંત સ્વરૂપ અતિથિ.
જોજનો દૂરથી, ઠંડીથી બચવા, અહીં આવીને રહેતાં
અતિપ્રિય અતિથિ.
જોઈએ તો મારા શરીરની ઉષ્મા પણ હું તમને આપું.

જન્મ

ઉજ્જડ દુકાળિયા ગામની સીમના
તળાવની પાળે ચિત્કારે છે ટિટોડી.
સરોવરનાં સુંવાળાં પાણીને
પલકવારમાં માપી લઈને
એક પગે ઊભો રહ્યો છે
બગલો. કંટાળેલો.
આ પાણીયે હવે નથી રહ્યાં
પહેલાં જેવાં ગુપ્ત, અગાધ.
અને આ બધાંથી અજાણ
દૂર દૂરથી હોડીઓમાં બેસીને
આવી રહેલાં ફ્લેમિંગોને
કેવી રીતે રોકવાં?
વચ્ચે કેટલાક ટાપુઓ આવે છે.
કોરી, મોટી શિલાઓનાં બનેલા.
પણ શું એવા ટાપુઓમાં એમને ઉતારવાં,
જ્યાં મરેલા કાચબાના તેલની સુંગધ હોય,
શંખોની ભષ્મ હોય,
જેના ઉપયોગની કંઈ જ ખબર ન હોય
એવી કિંમતી દરિયાઈ ઔષધિઓ હોય,
વમળોમાં ઊગી આવેલાં
અને સીગલોએ ચાંચમાં લઈને
ટાપુઓ પર ફેંકી દીધેલાં
જળકમળો હોય,
બંધ શ્યામગુલાબી રંગનાં!
અને પછી જો ફલેમિંગો
ત્યાં જ રહી જાય તો?

પુનઃજન્મો

ફ્લેમિંગોના અકાળ અવસાન પછી હવે શું?
ફીનિક્સની રાખ પડી છે.
સો વર્ષ પછી એ ફરીથી આ જ રાખમાંથી જન્મ લેશે.
હજી સો વર્ષ પૂરાં નથી થયાં.
અને એની આ રાખના ઢગલા પર
ગલૂડિયું બેઠક જમાવી રહ્યું છે.
ફીનિફ્સની પાંખોનો ફફડાટ દેખાય છે
ગલૂડિયાના લટકતા, ધ્રૂજતા કાનમાં.
એની નાનકડી પટપટતી પૂંછડી
એટલે ફીનિક્સનો આત્મા.
હાડકું ચાવતા દાંત એટલે
ફીનિક્સનું આખુંયે જીવન.
ચામડાની ગંધથી ફૂલી જતાં એના નાકનાં ફોયણાં
એટલે ફીનિક્સની દરિયા પરની
ઊંચી ઊંચી ઉડાનોની બધી અગમચેતી.
એ ફીનિક્સની આ રાખ પર હવે
ગલૂડિયું સૂતું છે.
એ રાખની અંદરની શારીરિકતા ૫૨
એનાં સ્વપ્નો રચાયાં છે.
એ હવે જાગે તેમ નથી.
એનું ચિંતન એટલે રાખમાં રહી ગયેલું
ફીનિફ્સનું વીર્ય
જેમાંથી કોઈ ફીનિક્સ જન્મવાનું નથી.

‘નોબલ મીટ હોમ’

મને કોઈ જ રસ નથી, વી.ટી.થી થાણા
અને થાણાથી વી.ટી. આવ-જા કરતી
આ ટ્રેનમાં કે કરડા ચહેરા અને કર્કશ અવાજવાળી
ફૂલ-ગજરા વેચતી આ મરાઠી બાઈમાં.
કુર્લા સ્ટેશને ગાડી ઊભે છે.
મુસ્લિમ સ્ત્રીઓ લેડીઝ કંપાર્ટમેન્ટમાં આવીને
બુરખો કાઢી નાખે છે અને હું એમને
સજાતીય નજરે તાકી રહું છું.
આખુંયે કુર્લા દેખાય છે મને એ ચહેરામાં.
ત્યાંનું, ‘નોબલ મીટ હોમ',
ઓફ-વ્હાઈટ કલરની મરઘીઓ,
હાફ-ફ્રાઈડ ઓમલેટ,
લીલા રંગના ડીસ્ટેમ્પરવાળી મસ્જિદ,
ચાદર ચડાવવા આવેલી
મહેંદી કરેલા કેસરી વાળવાળી એક પ્રૌઢ સ્રી,
નિકાહ કુબૂલ કરાવતા હાજીઓ,
સૂફી ઓલિયાઓ,
ધગધગતા દેવતા પર દોડી જતાં બાળકો,
પોતાના શરીર પર કોરડા ઝીલતો
એક વ્યભિચારી, તથા
ઈમામ-હુસેનની તરસ છીપાવતાં
શરબતનાં છલકતાં પીપ.

મીં જા મામા

કાઢી લીધા આંખોના ડોળા ને ઘસ્યા પથ્થર પર.
પછી ચોંટાડી દીધા, બગાઈની જેમ, ગાયની પીઠ પર.
ગોળ ફેરવી પુચ્છ ને પછાડી ગાયે પીઠ પર.
ને જોયા તારાઓનાં ઝુંડને પડતાં નીચે.
ભૂંરાટી થઈ ગાય તો! દોડી આખા ગામમાં.
ચાટવા મથી આંખોના ડોળા અડરની જેમ.
બધું વહી ગયું થૂંકની શ્રાવણી નદીમાં.
નદી, જેમાં રહે હંસ, માછલી, ઓક્ટોપસ, વ્હેલ
ને હવે વરસાદમાં નીકળ્યા છે, લાલ લાલ મખમલના
મામાઓ
સુંવાળાં જીવડાં, પોચાં પોચાં, શરીર માત્ર.
આંખો ક્યાં છે એ તો ખબરે ન પડે.
સહેજ જો ચાલતાં શરીર ઉથલી પડે તો,
સીધાંયે માંડ થાય, એ આ મીં જા મામાઓ
જઈ રહ્યા છે ગમાણ તરફ.
ગાંડી સ્રી જેવી એ ગાય પાસે?
જેને ફેંકવા ભૂંરાટી થઈ'તી એના માટે જ હવે
શોક કરતી, શાંત થઈ ગયેલી એ ગાય પાસે?
હા, એના ગળામાં મખમલના આ મામાઓ
પરોવાશે હાર થઈને.
આંખમાંથી કાઢી લીધેલી કીકીઓ જેવા ચમકીલા તારાઓ
બધું જ જોતાં અને કંઈ જ ન સમજતાં
આ તારાઓનો હાર થઈને
પરોવાશે ગાયના ગળામાં.

આરબ અને ઊંટ

એક જુવાન ઊંટ
પોતાની અંદર
ખૂબ બધું પાણી ભરી લઈને
ચાલી નીકળ્યું છે
એકલું
રેતીમાં.
રેતીને ચાટે છે, સૂગાળવાં જડબાંથી.
ને સામે મળે કોઈ આરબ તો
નથી આપતો પાણી સહેજે ય.
ને જો કોઈ બાંધી દે
એની પીઠ પર બાળક તો
દોડે છે એ, દોડે છે એ,
ત્યાં સુધી
જ્યાં સુધી
એ બાળકમાં જીવ હોય.
ને પછી બેસી પડે છે એ
રેતીમાં
ને વમળાય છે
ફગાવી દેવા એ બાળકને.
પણ પછી ત્યાં કોઈ ફરકતું નથી.
ને પીધા કરે છે એ
પોતાનું પાણી
ટીપાંઓમાં તારવીને.


પવન

પાણીના લીસા પાતાળે
બે ચકમક પથ્થરો ઘસી જોયા.
પણ, એક તો ઘેનભરેલાં પોપચાં
અને તેમાં માણસોને
ઊંઘમાં નાંખી દેતો આ પવન!
આ વડની વડવાઈઓ પણ
ડાળે ડાળથી જમીન તરફ ખૂંપતી જાય છે.
થોડીકેય અધ્ધર નથી રહી જમીનથી
અને ટેટાનો સ્વાદ ચાખવા ગયેલાં પક્ષીઓ
લાખ ચાંચો ભરાવ્યા છતાંયે
વૃક્ષમાંથી બહાર જ નથી નીકળી શકતાં.
લંગોટિયાં બાળકો રમવા જઈ રહ્યાં છે,
પાતાળકૂવા તરફ.
ચારેબાજુની આ બૂમરાડમાં
જરી ભરેલા ઘોડાઓયે હવે
ચાલી નીકળ્યા છે,
અસવારની રાહ જોયા વિના.

ખાંભી

ઘટાટોપ વનમાં
ભરચક વૃક્ષોની વચ્ચે રહેતાં આ પાણી.
સૂરજના સાત અશ્ચોમાંથી કોઈ ત્યાં
ક્યારેય પાણી પીવા નથી આવતા.
કે ન તો ક્યારેય ચંદ્ર,
ક્રોધિત થઈને ધ્રૂજે છે એ પાણી પર.
ન કોઈ બગલો આવે છે માછલીઓને ખાવા.
એકમાત્ર બાજુની ખાંભી, લળી લળીને
ડોકિયાં કરે છે કે કદાચને,
એની અંદરની સતીનો ચહેરો
દેખાઈ જાય એ પાણીમાં!
એ સિવાય, નર્યા બિલોરી એ નીરમાં,
રહે છે એક નાગ.
જેની ફેણ પર છે, ચમેલીનાં ફૂલોનો ઢગલો.
અને, અને, એ પાણીનાં પોલાણોમાં રહેતો
બોખો કાચબો.
રાત પડ્યે એની શિથિલ ઢાલમાં
મોં છૂપાવી સુઈ જાય છે.
એને ખબર નથી
કે ક્યાંથી આવ્યા છે આ પાણી?
અને શા માટે અટકી ગયાં છે
અહીં, આ અરણ્યમાં?

પૂર્વજ

થોડા દિવસ પહેલાં એક મિત્રને ત્યાં
એના કોઈ પૂર્વજનો ફોટો જોયો.
અને ત્યારથી મને એવું જ લાગ્યા કરે છે કે એ
મારા પણ પૂર્વજ હોઈ શકે.
પૂર્વજો તો બધા સરખા.
પૂર્વ દિશામાં મોં ફેરવીને ઊભેલા લોકો.
આમ તો ક્યારેય પાછું વળીને જુએ નહીં,
પણ છતાં જોવું હોય તો જોઈ પણ શકે.
મેં મારા ઘરનું વાસ્તુ નથી કરાવ્યું,
એટલે ઘણી વખત ઘરની દીવાલોમાંથી
રુદન સંભળાય છે.
એ ઘરમાં કે એ જમીન પર મારા અગાઉ રહી ચૂકેલા
બીજા કોઈકના પૂર્વજોનું
ક્યારેક છાનું છપનું હાસ્ય પણ.
અને મને એ બધું જ મારી આવનારી પેઢીના
પૂર્વજો જેવું લાગે છે.
એટલે કે હું જ,
આ મારા ઘરની હમણાં જ ધોળાયેલી દીવાલોમાં
ચણાયેલી, કેદ,
પૂર્વ દિશામાં જોઉં છું તો પીઠ ફેરવીને ઊભેલા
અસંખ્ય પૂર્વજો દેખાય છે.
બધા જ મારા ઘર તરફ આવવા માગતા.
બધા જ પરિચિત ચહેરાઓમાં, મારા પૂર્વજ.
આવનારા જન્મનાં રંગીન સપનાં દેખાડતા.
મારા ઘરની ભીંતોમાં રહેતી હું
રાહ જોઈ રહી છું,
ધરતીકંપના એક હળવા આંચકાની.

કબૂતરની ભીઠ

એક જૂનું રજવાડી મકાન છે.
નહીં, આ રાજમહેલ કે યુદ્ધ કે
ભોંયરાંઓની વાત નથી.
ઓરડાની અંદર છતને ટકાવતા
મોટા, ભરાવદાર થાંભલાઓ છે.
છત ખૂબ ઊંચી છે અને ઘુમ્મટમાં
પ્રસન્ન રાજનર્તકીનું નર્તન છે.
એનો ઘેરદાર ઘાઘરો કોઈ કલ્પનાતીત યુગની
ઊંડી ગર્તામાં સરી ગયેલો લાગે.
રાત્રે નજીકના દરિયાનો,
જરાય ગમે નહીં એવો રઘવાટ સંભળાય.
અને સાથે સાથે ખલાસીઓને
જાહોજલાલીભર્યાં બંદરો દેખાડતી
દીવાદાંડીનો પ્રકાશ પણ ખુલ્લા ઝરુખાઓમાંથી
એ ઓરડામાં આવે, જાય, આવે,
તમે પાગલ થઈ જાવ. વિચાર આવે કરચલાઓનો.
જે આવી કોલાહલભરી રાતે,
દરિયાની ઠંડી રેતીમાં બહાર નીકળી,
કાંઠા સુધી આવે.
ડૉકનાં ચાર-પાંચ ખડકાળ પગથિયાં પણ ચડી આવે.
અને પછી પાછા ઊતરી જાય, સવાર થતાં સુધીમાં.
આવું તો ઘણી વખત થાય.
પણ દિવસે અહીં ખૂબ શાંતિ હોય છે.
ગોખલામાં કબૂતરો આવીને બેસે.
કોઈક આંધળાં, કોઈ દેખતાં હોય.

અને આ ઘરમાં કાયમ રહે છે
કબૂતરોની ભીઠની તાજી તાજી સુગંધ.

તાપ વિનાનો ઉજાશ

ઓરડા બધા અગાશી
અને રાત બધી બપોર.
ઓરડામાં ખરતા તારાઓ
અને અગાશીમાં છે પડદા.
રાત્રે દેખતાં ચામાચીડિયાં
ને બપોરે બોલતાં તમરા.
નથી બદલાઈ મારી
સવાર અને સાંજ.
સવાર એવી જ -
‘પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠાં તારાં ગાન’
સાંજ પણ એવી જ -
કુદરતી દ્રશ્ય જેવી.
બે પર્વત, વચ્ચે આથમતો સૂરજ,
એક મંદિર, એક નદી, એક હોડી.
તો પછી શું થયું રાતને?
કેમ ઓસરી ગયાં અંધારાં?
શું થયું બપોરને?
કેમ કરમાઈ ગયાં સૂરજમુખી?
તાપ વિનાના ઉજાશમાં મને સપનાં આવે છે.
રાતનાં સપનાં બપોરે
અને બપોરનાં સપનાં રાત્રે.

સ્વપ્નાવસ્થા

મને ગમે છે મારી તંદ્રા કે નિદ્રા.
પણ ત્યાંયે પેલી સ્વપ્નાવસ્થા.
ક્યારેય શીખી જ નથી એવી રંગોળીઓ.
તપ્ત કરી જતી અગ્નિશિખાઓની લાલાશ.
હાથીના કાનમાં ધાક આવી ગઈ છે.
એને તો બંદૂકનો અવાજ પણ નથી સંભળાતો.
માત્ર દદડતું લોહી દેખાય છે.
દૂરથી મુસીબતમાં સપડાયેલા ફેન્ટમે બૂમ પાડી.
જંગલીઓએ નગારાં વગાડી
સંદેશો આગળ પહોંચતો કર્યો.
મદદ માટે દોડતાં આવી પહોંચ્યા
રસ્તો સૂંઘતા જંગલી ફૂતરાંઓ.
એક કૂતરી પડી ગઈ.
બેભાન થઈ ગઈ.
સપનાને કોઈ અંત નથી.
છતાં જાગી જવાય છે.
યાદ આવે છે, થોડીવાર પહેલાં
થોથવાતા હોઠ કંઈક બોલ્યા હતા.
સીધા ઊભા ન રહી શક્તા પગ
થોડુંક ચાલ્યા હતા.
પથારીમાં હવે થાક લાગે છે.
રૂમમાં નાઈટલેમ્પનો ઝાંખો પ્રકાશ છે.
ફીનાઈલની ગંધ છે.
અને ઊંદરો, આમતેમ બ્રેડ ખાતા,
ટુકડાઓથી રમતા દોડાદોડી કરી રહ્યા છે.

મૂર્છા

દરિયા પર એક વસાહત છે.
માછણો પોતાનાં કપડાં સૂકવી રહી છે.
અને ખારવાના છોકરાઓ જોઈ રહ્યા છે,
ખારી રેતીમાં આળોટતી
સુંદર મત્સ્યકન્યાઓને.
એમને કિનારા સુધી ખેંચી લાવનારાં
મોજાંઓ તો પાછાં વળી ગયાં છે ક્યારનાં.
મૂર્છિત આ કન્યાઓની આંખો ઉઘડતી નથી
તડકામાં શરીર પરથી ખરી રહ્યા છે
ચમકતા કાંટાઓ, અને સોનેરી વાળમાં
ગૂંચ વળી રહી છે, અસ્પષ્ટ
આંખોનાં પાણી શોષાઈ ગયાં છે,
પેલા ખારવાના છોકરાની નજરમાં.
જેના અધખુલ્લા હોઠો પાછળ ફૂટી રહ્યા છે
આડાઅવળા, નવાસવા દૂધિયા દાંત.

સાગર કાંઠે

સાગરના સંતની વાણીને
એકીશ્વાસે સાંભળી રહેલાં
છીપલાંને થયું,
મારી અંદર આ મોતી?
કરચલો કલ્પને ચડ્યો,
ક્યારેક તો એવો પવન પણ
આવી જતો હશે કે જ્યારે
શંખ બધા આપોઆપ જ ફૂંકાવા માંડે!
માછલી એની ટચૂકડી પુચ્છ ઉછાળી
ખડકછોડ સામે દાંતિયાં કરે,
અને નાનકડી સફેદ કાંકરીઓ
સઢના પડછાયે સપનાં જુએ.
પછી, વહાણોની વિદાય વસમી લાગે.
એવે વખતે,
હોડીના તળિયે પડેલું બાકોરું જોઈને
માછીમારને થયું,
આ દરિયો,
આખેઆખા આકાશને,
કઈ રીતે સમાવી લે છે?

મેખલા

મારી પાસે પણ એક કોડિયું છે.
જેની રોશનીમાં મને દેખાય છે, આખું યે બગદાદ.
ચારે તરફ બ્લેક-આઉટ અને
અને ઉપર ફરતાં અમેરીકી વિમાનો.
જાદુઈ સાદડીના ચીરા, સંતાઈ ગયેલો જીન,
અલીબાબાનાં ગધેડાં,
ગુફાઓ આડેથી હટતા મોટા મોટા પથ્થરો,
ખણખણતી અશરફીઓ, મરજીનાની આંખોની ચમક
અને પેલા તણખા ઝરતા બૉમ્બ.
અખાતમાં તેલના કૂવાઓ હજી સળગ્યા કરે છે.
અને જીવતી રહે છે પંચતંત્રની વાર્તાઓ.
રાજકુમારીના રૂપથી દિગ્મૂઢ થઈ ગયેલો
એક બરછટ, ગાંડો રાક્ષસ —
         માણસ ગંધાય - માણસ ખાઉં
         માણસ ગંધાય - માણસ ખાઉં
પણ રાજકુમાર તો પહોંચી ગયો છે,
આકાશથીયે ઊંચા એ ઝાડ પર, રાક્ષસના જીવ સુધી.
નીચે એ ઝાડ કાપી નાખવા મથે છે રાક્ષસ.
કૂવામાં પડી જાય છે સિંહ.
ચંદ્ર પર ઉતરાણ કરે છે નચિકેતા.
લાકડાના ઘોડાથી રમે છે લવ-કુશ.
કામધેનુ બંધાયેલી છે ઋષિના આશ્રમમાં.
પાર્વતીને ડંખે છે એના શરીર પરની મેખલા.
ઝૂંપડામાં રહે છે રાજાની એક અણમાનીતી રાણી.
ભયભીત થઈ જાય છે યશોદા

કૃષ્ણના મુખમાં બ્રહ્માંડ જોઈને.
મકાન બાંધતા જમીનમાંથી નીકળે છે ચરુ.
તલનો લાડુ ખાતાં જીભ કચરાઈ જાય છે
ગુપ્તદાનના એક પૈસાથી
બરાબર એમ જ, જેમ કોઈ સ્વયંવરમાં
કોઈ રાજાનું અપમાન થયું હોય !
ફરી મારે કોડિયામાં થોડુંક તેલ રેડવાનું છે...

અમે (હું અને એ)

માછલીના દાંત

હું અને મારો પ્રેમી
લીલી શેવાળના રસ્તે
માછલીના દાંત બનીને
રોજ મળીએ છીએ.

મુખવાસ

હું આંધળો છું, પણ વર્ષોથી પરિચિત
મારી સ્ત્રીના શરીરમાં તો એવી રીતે ફરી વળું
જાણે વનરાજીમાં કોઈ સાપ સરકતો હોય.
એના ચહેરા પરનો સંતોષ તો હું જોઈ શકતો નથી
પણ, પીડાના આનંદથી, એ સહેજ ઊંહકાર કરે
અને મને લાગે કે એ મારી જ છે.
એને આખીયે ભોગવી લીધા પછી હું થાકી જઉં
ને સૂઈ જઉં, એના જ શરીર ઉપર.
એ મારો ભાર ખમી લે. એટલું જ નહીં,
મારા વાળમાં એની બોલતી આંગળીઓ પણ ફેરવે.
દિવસે પણ હું આમતેમ હાથ ફેરવતો હોઉં
મુખવાસના ડબ્બા માટે, ત્યાં એ આવીને
મારા મોંમાં મૂકી દે, લીલી તાજી વરિયાળી.
હું એ વરિયાળી ચાવતો બેસું,
એ મારા બાળકને નવડાવે.
બાથરૂમમાંથી એનું મુક્ત, રણક્તું હાસ્ય
આખા ઘરમાં સંભળાય.
મને બીક લાગે બહેરો થઈ જવાની.

કપાસનાં ફૂલ

મોટાંમસ પાન અને
સૂજેલાં કમળો નીચે
પાતળી દાંડીઓ જેમ પડી રહે
એવી નિર્બળ થઈ ગઈ છે મારી રાત!
પાણીમાં ઉતરી રહેલા હિપોપોટેમસની જેમ
ચાલી ગઈ છે, વિચારશીલ,
પડી હશે ક્યાંક નોંધારી અથવા તો
એક પગ જડબામાં પકડી લઈ
ખેંચી ગયો હશે મગર એને અંદર,
દૂર, દૂર આરસના ઠંડાગાર મહેલમાં.
વિશાળ ફર્શ પર અગણિત મોતી પથરાયાં હોય,
મોકલી જો હંસોને.
ચરશે એ ચારો ત્યાં ફર્શ પર?
ખોદી નાખશે આરસને, ચાંચો ભરાવી ભરાવીને.
લોહીલુહાણ થયાં છે મારાંયે પેઢાં
મોરચંગ વગાડતાં.
તેં તો વાવી દીધાં કપાસનાં ફૂલો મારી રાતમાં.
ડરું છું આ પહોળાં થતાં જતાં ફૂલોથી.
પાછી આપ મને એક રાત ફરીથી.
અંગિમાઓના લાસ્યવાળી.
કેનાનાં કેસરી ફૂલ જેવી, ઊંડી.
નરમ, અંતર્નિહિત, સુગંધવાળી.
કોઈ જ વિક્ષેપ વગરની.
અસ્ખલિત.

કાગ

કા-કા કૌઆ, ઠા-ગા ઠૈયા
કાગશ્રી નાચે
ને મંદિરમાં મંજીરાં વાગે.
દાળ-શીરાનો એઠવાડ ને ભેગી
અલક-મલકની વાતો.
શનો ભગત કહી રહ્યો છે :
ઓલા પ્રીતમ શેઠની વઉ પંદર દહાડાથી
રોજ આવે છે, એક ખોળાનો ખૂંદનાર માંગવા.
મહંતજી, હવે તો દયા કરો,
મહંતજી!
કા..... કા..... કૌ..... આ.....
ઠા..... ગા.... ઠૈ..... યા.....
કાગશ્રી નાચે ને મંદિરમાં મંજીરાં વાગે.
હે દેવોના દેવ!
આ પ્રસવપીડાનો અંત ક્યારે?
આ કષ્ટથી તણાયેલું મુખ
ને ખાટલા નીચે દેવતાનો શેક,
હે મહારાજ!
મુજ સુવાવડી પર કૃપા કરો.
મારા લાલનું નામ ‘ભીખો'
ને દીકરીય ‘દેવદાસી’, પ્રભુ!
કાકાકૌઆ ઠાગાઠૈયા
કાગશ્રી નાચે ને મંદિરમાં મંજીરાં વાગે.
મને ભલે શરીરે ચાંદી થાય,
ને મહંત જીવતે સમાધિ લે,
પણ, મારાં શ્રાદ્ધ ને આમ પાછાં ન ઠેલો, કાગ !
નહીં કરું, ગામ આખાના દેખતાં મને આમ
વડવાઓ પાસે લજિજત ન કરો.
કાગ!
મને શરણે લો.
દીનાનાથ!
કાકા
કૌઆ
ઠાગા
ઠૈયા
કાગશ્રી નાચે ને મંદિરમાં
વાગે મંજીરાં.

બાળસ્વરૂપ

આ કેલેન્ડરમાં પણ એ જ છે,
સીતામૈયા જમાડી રહી છે અને
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બાળસ્વરૂપે
મારાં મૃત બાળકો જેવાં,
જેમને મેં દફનાવી દીધાં છે, મારા પતિના શરીરમાં,
એ બાળકો ભૂત થઈને જાગે છે,
રોજ નવું નવું ખાવાનું માગે છે,
ઘરમાંનું બધું અનાજ ખૂટી જાય ત્યાં સુધી ખાયા કરે છે,
કોઈ આશીર્વાદ નથી આપતા પણ
મારી જ યોનિમાંથી ફરી ફરીને જન્મ લેવા માગે છે.
જન્મે છે, જમે છે અને મરી જાય છે.
મારું રસોડું રોજ એમને બત્રીસ પકવાન પીરસતું રહે છે,
મારો બેડરૂમ સ્મશાનઘાટ જેવો થઈ ગયો છે.
ક્યારેક ભડકે બળતી ચિતાઓ
ક્યારેક શાંત દફન.
મારો પતિ રોજ અસ્થિફૂલ તારવતો રહે છે,
ક્બર પર ચડાવવા ફૂલો વીણતો રહે છે.
મારાં બાળકો ભટકતો આત્મા છે.
રોજ મારા પતિના શરીરમાં વીર્ય બનીને આવે છે
અને મારાં સ્તનોમાં દૂધ બનીને.

સજાતીય સંબંધ

એક ગાંડો અને એક જંગલ.
બંનેની વૃત્તિઓ બે-લગામ.
જંગલનું આમ અણધાર્યું, અચાનક ઊગવું
અને એ માણસનું આમ ગાંડા થવું —
બંને સહજ છે.
એ ગાંડાની ઉંમર વધી રહી છે.
અને જંગલ વિસ્તરી રહ્યું છે.
ક્યારેક મને લાગે છે કે આ ગાંડાને
અને જંગલને સજાતીય સંબંધો છે.
કારણકે આ ગાંડો ઘણી વખત કુહાડી લઈને
જંગલના ઊંચા, ઘેઘૂર વૃક્ષને કાપીને ફેંકી દેવા
પરસેવે રેબઝેબ થતો હોય છે.
ખૂબ પરિશ્રમને અંતે એ સૂઈ જાય છે.
અને પછી ઊંઘમાં હસતો હોય છે.
એની વિચારશ્રુંખલા આમ તો
જંગલના રસ્તાઓ જેવી જ દુર્ગમ છે.
પણ, એ બંને વચ્ચે હવે કોઈ ભેદ રહ્યો નથી
પણ, આ ગાંડો કંઈ જંગલ જેટલું થોડું જીવશે?

ગોઝારી વાવ

હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે.
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે.
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉ છું.
રોજ રાત્રે યમરાજ આવે છે.
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે.
પણ હું એને રજા નથી આપતી.

શૂન્યાવકાશ

એક ચુડેલ અને એક ખવીસ પ્રેમમાં હતાં.
ચુડેલ રોજ રાત્રે માથા પર સગડી લઈને આવી જતી.
બંને ખુશ હતાં.
શરીરની પોતાની એક ભાષા છે.
બંને સંતુષ્ટ હતાં.
પણ એક દિવસ, ચુડેલને મન થયું કે એનો પ્રેમી
એને એક દીર્ઘ ચુંબન આપે.
એણે ખવીસને ખૂબ આજીજી કરી.
પણ ખવીસને માથું જ ક્યાં હતું?
હોઠ, દાંત, જીભ, આંખ, કાન -
કંઈ જ નહીં!
એ રડવા લાગ્યો.
ચુડેલ એના ધડની ઉપરના શૂન્યાવકાશને તાકી રહી.
અને પછી ગુસ્સે થઈને ચાલી ગઈ.
ખવીસ એની પાછળ એને મનાવવા દોડ્યો.
પણ એ ક્યારેય એને શોધી ન શકયો.
ચુડેલનાં પગલાં હંમેશા ઊંધાં પડે છે.

શિલાલેખ

પાટીમાં ઉપસી આવેલી વાદળી ધાબાંઓની વિઘા
આજે અદશ્ય થઈ ગઈ છે.
હું અબોધ થઈ ગઈ છું.
મારા વાદ-વિવાદ, મારું ચાતુર્ય, મારી તીક્ષ્ણ વાણી,
ચર્ચા હતી એની દેશદેશાવરમાં.
પણ આજે મેં મારા ગુરુને લાત મારી.
અને બિચારા વૃદ્ધ, દૂબળા-પાતળા ગુરુએ આપઘાત કર્યો.
હવે મેં એવું સાંભળ્યું છે કે આ બધા લોકો
ભેગા થઈને મને એક મૂર્ખની સાથે પરણાવવાના છે.
ખબર નહીં કેમ પણ મને મારા
અજ્ઞાની પતિ પર ખૂબ વ્હાલ આવે છે.
હું આતુર છું અમારા બાળકને જન્મ આપવા.
એની અજ્ઞાનતાના એક દિવસ
શિલાલેખ કોતરવામાં આવશે.
એ ત્યાંથી પસાર થશે અને એ લિપિને
ઉકેલ્યા વગર જ ચાલ્યો જશે.
એ કાયમ બંધ મુઠ્ઠીઓ વાળીને દોડતો રહેશે.
કોઈ એને પકડી નહીં શકે.
મને ખબર છે કે એની બંધ મુઠ્ઠીમાં શું હશે!

વિસ્મય

આજે મેં એક બહુરૂપી જોયો.
શહેરના વિશાળ રાજમાર્ગની ફૂટપાથ પર ચાલતો જતો. હતો.
હનુમાનના વેશમાં.
મોઢું ફુલાવેલું, હાથમાં ગદા, સળગતી પૂંછડી,
અને પવનવેગી ચાલ.
એ તો પસાર થઈ ગયો.
પણ મને યાદ રહી ગઈ, એની જાંબલી રંગની જાંઘો.
અને એના પરનો મોટો કાળો મસો.
એની પત્ની પણ રોજ વિસ્ફારિત નેત્રે આમજ તાકી રહેતી હશે
ક્યારેક શિવાજી મહારાજ તો ક્યારેક
શંકરનો પોઠિયો બનતા એના પતિને.
બહુરૂપી મોરપીંછ લગાવી મોરની ચાલે ચાલતો રહે
વિશાળ રાજમાર્ગની ફૂટપાથ પર,
ટહુકા કરતો.

ઇજન

એક મહાકાય અજગરે મને એના બાહુપાશમાં લઈ લીધી છે.
મેં જાતે જ આપેલું આ ઇજન છે.
વેલ જેમ કોઈ વટવૃક્ષને વળગી રહે એમ હું એને અધીન છું.
એના ઝેરી ઉચ્છવાસ સિવાય હવે કશું જ
મને જીવાડી શકે એમ નથી.
હું પણ હવે એની જેમ ચામડી ઉતારવા લાગી છું.
ક્યારેક એ મને સર્પોની યોનિમાં લઈ જાય છે.
ગૂંચળું વળીને પડેલા અસંખ્ય સાપ
મહામૂલા મણિના પ્રકાશમાં સૂતા હોય છે.
એમની બંધ આંખોની પાછળ રમતી વિષકન્યા હું છું.
કુમારિકા - આ અજગરની પત્ની - એક છોકરી -
આ બધા જ સર્પોની માતા અને સ્વખ્નસુંદરી -
અહીંની રાણી - નીલિમા.
સર્પોના ઝેરી વીર્યની વચ્ચે રહેતી હું - શ્યામા.
રાત્રે બધા સાપ ઝેરની કોથળી ખાલી કરીને
મારી પાસે પાછા ફરે છે.
ઝેર વગરના સાપ!
ફરીથી હું અજગરને, વેલ જેમ કોઈ વટવૃક્ષને
વળગી રહે એમ વીંટળાઈ વળું છું.

રોમાન્સ

મારા ઘરમાં એક ઈનડોર પ્લાન્ટ છે.
ઘરનો એક મોટો, ખાલી ખૂણો
એના કારણે ભરાઈ જાય છે.
મને એની સાથે ખૂબ સરસ અન્ડરસ્ટેન્ડીંગ છે.
મારું હાસ્ય એના માટે સૂરજ છે.
મારાં આંસુ એના માટે પાણી છે.
હું તાળું ખોલી ઘરમાં પ્રવેશું છું.
અને લાગે છે જાણે, મારી ઘરની રોજિંદી ક્રિયાઓ ઉપરાંત,
ઘણું બધું એ મારા વિશે જાણે છે.
ક્યારેક મને એનાથી ખૂબ સંકોચ થાય છે.
અને હું એની ધરાર ઉપેક્ષા પણ કરું છું.
છતાં મારા પલંગ પાસે જ રાખેલો એ છોડ
મારા સપનામાંયે આવે છે.
ક્યારેક એ મને ઊંઘમાંથી જગાડે પણ છે.
અને પછી રંગબેરંગી ફૂલો ઉગાડીને બતાવે છે.
અડધી રાતે, બંધ બારણે થતા
અમારા આ રોમાન્સની
ઘરે આવનારા કોઈ મહેમાનોને ખબર નથી પડતી.

ખેલ

સાપની કાંચળી પહેરી લઈ સાપણની આંખોમાં ઝબકું છું.
સાપણ મને સાપ માની લઈને ભાવવિભોર થઈ જાય છે.
ધીરેથી સરકતી મારી પાસે આવે છે.
હું એને દૂધ પીવડાવું છું.
એ એની લબકારા મારતી જીભ મારા મોંમાં મૂકે છે.
હું એની જીભ ખાઈ જઉં છું.
હજી પણ એ મને ઓળખતી નથી.
હું એને એક કરંડિયામાં નાખી દઉં છું.
એ ઢગલો થઈને બેસી જાય છે અંદર.
એક દિવસ ખૂબ મેદનીની વચ્ચે
હું એને બહાર કાઢું છું.
પણ, એ તો ઇચ્છાધારી નાગણની જેમ
વેશ બદલીને, ટોળામાંનાં લોકોની વચ્ચે જ,
ઊભી રહી ગઈ મારો ખેલ જોવા!
હું ડમરું વગાડું છું.
ચણીયા-ચોળી પહેરેલી વાંદરી નાચે છે.
અને એ ખુશ થઈને તાળીઓ પાડે છે.

આપણે (હું અને તું)

અંધારું

મારી આંખોના અંધારાથી
સળગી ઊઠે છે ઘાસના પૂળાઓ.
એ આગની લપેટમાં
મારું આખું શરીર પણ નષ્ટ થઈ જાય છે.
અસ્થિફૂલો યે પાણીમાં વહી જાય છે,
છતાં અકબંધ રહે છે
મારી આંખોનું અંધારું!

સાપેક્ષતા

રાત્રિનું ઊંધરેટુ વૃક્ષ,
એની ભૂખરી ડાળીઓ,
લીલાં પાંદડાઓ,
વૃક્ષની એમ તદ્દન નજીક હું ઊભી રહું છું,
સાવ નિરપેક્ષ બનીને.
મને ખબર પડી જાય છે,
વહાણોની આંખે દેખાતી ક્ષિતિજોની
છતાંયે હું ચાલ્યા કરું છું.
દરિયાની કોરે કોરે
જાણે સંભળાતો જ ન હોય
ભરતીનો અવાજ!

કરોડરજ્જુ

મને યાદ આવે છે એ ઘરની.
જ્યાં હું ખૂબ જીવી હતી ક્યારેક.
મારા પતિ હવે હયાત નથી.
પણ એમણે ગૂંથેલાં સુંદર જાળાંઓમાં રહેતા
કરોળિયાઓ હજી જીવે છે ત્યાં.
ધૂળથી લથબથ, એ ઘરને સાફ કરવું છે.
ભીનું પોતું લઈને એ ફર્શને ચમકતી કરવી છે.
મારો ચહેરો જોવો છે એમાં.
અને એ ચહેરાની બાજુમાં સૂતેલી
એમની મજબૂત ભરાવદાર પીઠ જોવી છે.
મને શ્રદ્ધા છે,
આવતા જન્મમાં એ મારા પતિ હશે.
અને હું એમની પત્ની.
પણ છું ઓળખીશ એમને?
કે એ ઓળખશે મને?
કેવી રીતે?
નહીં, હું તો અત્યારે જ એમના હાડપિંજરમાં
માંસ-પેશીઓ-લોહી ભરીને એમને જીવતા કરીશ.
મારા પ્રિયતમ!
“જીવ'ના બધા જ અવતારોમાં હું તમને કલ્પી રહી છું.
જમીન પર સૂતેલા શિવની પીઠ પર
પાર્વતી નૃત્ય કરી રહી છે.
મને પણ તમારી કરોડરજ્જુ પર ચાલવું છે.
તમે આવો.
આપણાં ઘરનાં બારી-બારણાં ખોલો.
આપણા પાળેલા કરોળિયાઓની લાળ ચાખો.
તમે આવો.

સમય

મને રાહ જોવાનું નથી ગમતું.
જો કે તું સમય કરતાં વ્હેલો આવે તો પણ મને નહીં ગમે.
સમય એક પર્વત છે, જેની ટોચે હું ઊભી છું.
અને તું એનાં પગથિયાં ચડી રહ્યો છે.
તું વચ્ચે થાકીને વિસામો ખાવા બેસે છે ત્યારે.
મને મન થાય છે કે હું આવીને તારા પગ દબાવું.
પણ, જે પગથિયાં હું ચડી ગઈ એ પાછાં ઊતરવાનું?
સમય એક ખાઈ છે,
જેની ધાર પકડી લઈને હું લટકી રહી છું.
ગમે તે ક્ષણે મારો હાથ છૂટી જાય ને હું પડી જઉ,
મને ખબર છે કે તું આવી જ રહ્યો છે મને બચાવવા.
પણ તું રસ્તામાં કોઈની સાથે જરા વાત કરી લેવા રોકાયો છે.
સમય એક જ્વાળામુખી છે, ઠરી ગયેલો, સુષુપ્ત.
એ જમીન પર વસેલા ગામમાં જ
આપણે બંને એ ઘર બાંધવાનું નક્કી કર્યું.
રાત્રે બંને સૂતાં હોઈએ છીએ પથારીમાં, પાસે પાસે,
ત્યારે ઇચ્છીએ છીએ કે આ જ્વાળામુખી જીવતો થાય,
એનો લાવા વહેતો વહેતો આવે આપણા ઘર સુધી.
પણ એ સમય હજી આવતો નથી
અત્યારે તો હું મારા પેટમાંથી
આપણા બાળકના આવવાની રાહ જોઈ રહી છું.
ઠરી ગયેલ, સુષુપ્ત બાળક,
પછી આપણે રાહ જોઈશું,
એના જીવતા થવાની

પરકાયા પ્રવેશ

હું હવે આ પરીકથા જેવાં સ્વપ્નોથી
ખરેખર થાકી ગઈ છું, જો અત્યારે અડધી રાત્રે
બહાર બાલનીમાં એકલી બેઠી છું.
આમ તો આજે મારે પણ ખૂબ રડવું હતું,
પણ હવે આ વરસાદ જ અનરાધાર વરસી રહ્યો છે.
અને નીચે રસ્તા પર એક ગધેડો ભીંજાતો ઊભો છે.
ઉપર આકાશમાં તો કંઈ જ દેખાતું નથી.
કેટલાં બધાં રહસ્યો!
મારાં, તારાં અને આ આકાશનાં!
આકાશને તો હનુમાને છાતી ચીરી હતી એમ
બે હાથે ચીરી નાખવાનું મન થાય છે.
અને પછી બંને ટુકડાઓ પેલા જરાસંધના શરીર જેમ
અવળી જ દિશામાં ફેંકી દઉં,
કે ક્યારેય એક જ ન થાય.
પછી હું એક નવું આકાશ બનાવું.
જ્યાં માત્ર થોડાં જ પગથિયાંથી પહોંચી શકાય.
પણ, તારાં અને મારાં રહસ્યોનું શું?
ચાલ, આપણે પરકાયા પ્રવેશ કરીએ.
એકબીજાનાં તન-મનને ભોમિયાની જેમ ખૂંદી વળીએ.
તું મારા શરીરમાં રહે,
હું તારા શરીરમાં રહું.
બંનેના જીવ એકબીજાનાં હાથમાં સલામત !
મને તારાથી, તને મારાથી
અને આપણને આ આકાશથી
કોઈ જ ભય નહીં.

કશું જ અજ્ઞાત નહીં.
કોઈ જ પરીકથા નહીં.

વાળની ગૂંચ

સોનાની વેણીથી મારા વાળ સજાવતા
સુંદર, શાશ્વત નરેશો ક્યારેય
વાળમાંથી ગૂંચ નથી ઉકેલી શકતા.
તું રક્તપીત્તિયો રોગી હોય તો પણ આવ.
એક કાંસકો લઈને મારા વાળ ઓળ.
હું તને ગંગામાં સ્નાન કરાવીશ.
ચંદનના લાકડા પર સૂવડાવીને
શુદ્ધ ઘીનો અગ્નિદાહ આપીશ.
તારા માટે વિલાપ કરીશ.
શ્વેત વસ્ત્રો પહેરીશ.
જમીન પર સૂઈશ.
પરપુરુષના ઓછાયાથી પણ દૂર રહીશ.
મારે હવે કોઈ પુરુષને પ્રેમ નથી કરવો.
કોઈ પુત્રને જન્મ નથી આપવો.
કોઈ પિતાને પ્રણામ નથી કરવાં.
જો તું મારા વાળની ગૂંચ ઉકેલી શકે તો
મારે મરી જવું છે.
ક્યારેય જન્મી જ ન હોઉં એવી રીતે.
ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે.
આવ, આપણે બંને એકબીજાને મુક્ત કરીએ.

પરિઘ

પરિઘની પરાકાષ્ઠાએ જ પેન્સિલની અણી તૂટી ગઈ.
અને ભૂમિતિનો એક અધ્યાય અધૂરો જ રહી ગયો.
એ પછી તો કેટલાંયે વર્ષો, અસંખ્ય વૃક્ષોનાં
મોટાં મોટાં થડને શાર્પનરમાં નાંખી જોયાં,
પણ એવી તીક્ષ્ણ અણી નીકળી જ નહીં,
પછી એને ઇરેઝરથી ભૂંસી નાખવાનો પ્રયત્ન કર્યો.
પણ હંમેશા એવું બને છે કે જેને નષ્ટ કરવા ઈચ્છીએ
એ ચિરંજીવ, અવિનાશી બની રહે છે.
સ્કૂલમાં ટીચરે પૂછયું હતું,
‘આ પરિઘ કેમ પૂરો નથી કર્યો?'
મેં જવાબ આપ્યો હતો, ‘સાયકોલોજીમાં એવું આવે છે
કે ત્રિકોણના ત્રણ ખૂણા જોડાયેલા ન હોય છતાં દ્રષ્ટિ —
સાતત્યના કારણે એ ત્રિકોણ જ લાગે છે. તો તમે
કેમ એવું ધારી નથી લેતા કે આ પરિઘ સંપૂર્ણ છે.’
ટીચરે કહ્યું હતું, ‘એમ કેમ ધારી લેવાય?’
વાત તો સાચી છે.
હું અને તું એકબીજાંને નથી મળ્યાં,
છતાં મળી લીધું, એમ કેમ ધારી લેવાય?
એ પરિઘ, જન્મ આપીને ભૂલાઈ ગયેલા
આપણા કોઈ વિકલાંગ બાળક જેવો,
હજી અધૂરો પડી રહ્યો છે, મારી નોટબુકમાં.

અને બધાં જ — (અલગ અલગ)

જળાશયોને રસ્તે

અત્યારે મને ઊંઘ જેવું ખાસ નથી લાગતું
પણ પૃથ્વીની ધરીના બીજા પ્રદેશમાં
લોકો અત્યારે સૂતા હશે.
એ લોકોયે કંઈ સૂરજની રાહ જોતાં
ચિંતાતુર તો નહીં બની ગયા હોય,
પણ છતાં, સૂરજ ત્યાં પહોંચશે.
એટલે એ લોકો જાગશે.
લીલ ભરેલા તળાવ પર ખરી પડશે
શિશિરનાં ફૂલો ને પહાડો પર
ઉકળતી ચાની સુગંધ લેતાં પુરુષો બેઠા હશે
તાપણું સળગાવીને,
એમની સ્કાર્ફ બાંધેલી ભલી પત્નીઓ સાથે.
ગરમ, રાતા કોલસા, રાખના ઢગલામાં ઠરી જાય
તો બીજી કાઠીઓ લાવી, ફૂંકો મારી પેટાવે ફરી.
આકર્ષાઈ જઈ તાપણાથી
ટોળે વળી જશે મૂંગાઓ !
ને એમનાથી થોડેક જ દૂર,
પેલું મૃત શરીર રાતનું,
ઠંડીમાં થીજી ગયેલું,
પોયણીઓ વચ્ચેથી માર્ગ કરતું
વહી રહ્યું હશે,
એક પછી એક જળાશયોના રસ્તે.

Kandara back cover.jpg


<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

'

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>