સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૮ — નારી: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 11: | Line 11: | ||
{{BookCover | {{BookCover | ||
|cover_image = File:Sauna Gandhi title 08.jpg | |cover_image = File:Sauna Gandhi title 08.jpg | ||
|title = | |title = નારી | ||
|author = નારાયણ દેસાઈ | |author = નારાયણ દેસાઈ | ||
}}<br> | }}<br> | ||
Revision as of 10:43, 27 March 2022
સૌના ગાંધી શ્રેણી - ૧
પુસ્તક - ૮
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
નારી
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
૧૯૩૦માં જ્યારે ગાંધીજીએ સાબરમતીથી દાંડી જઈ, ત્યાં મીઠું પકવી, મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવાનો નિર્ણય કર્યો, ત્યારે એમની સાથે કૂચ કરનારા કોણ કોણ હશે તેની યાદી પણ એમણે જ તૈયાર કરેલી. એ યાદીમાં પસંદ થયેલાં નામો આશ્રમવાસીઓનાં જ હતાં. પોતે પોતાના વીણેલા સાથીઓ જોડે કાયદો ભંગ કરે ત્યાર પછી જ આખા દેશ સારુ કાનૂનભંગની છૂટ આપવામાં આવવાની હતી. ગાંધીજીએ તૈયાર કરેલ કૂચ કરનાર સૈનિકની યાદીમાં એક પણ સ્ત્રીનું નામ નહોતું! આશ્રમની બહેનોમાં એને લીધે ખળભળાટ થયો! બીજી કેટલીક બહેનો જોડે આ લેખકની બા પણ ગાંધીજી સાથે તકરાર કરવા ગઈ. ‘બાપુ! આપને આશ્રમમાંથી એક પણ બહેન આપની જોડે કૂચ કરવા લાયક ન લાગી?’ ગાંધીજી એ સાંભળી થોડા મલકાયા ‘હં... તમે આ પ્રશ્ન ન પૂછ્યો હોત તો જ મને નવાઈ લાગત ! હું જાણતો જ હતો કે તમે પૂછશો. પણ મેં તો સમજી બૂઝીને તમને કૂચ કરનારાઓમાંથી અલગ રાખ્યાં છે.’ આમ કહીને ગાંધીજીએ આશ્રમની બહેનોની અકળામણ થોડી વધારી દીધી. પણ ગાંધીજીએ જ તરત એનું શમન કર્યું. સાબરમતીથી દાંડી સુધીની કૂચમાં ગાંધીજીએ પોતાની સાથે એકેય મહિલા સત્યાગ્રહીને ન રાખવાનાં બે કારણો આપ્યાં. પહેલા કારણ વિષે તો ત્યાર બાદના ‘નવજીવન’નાં અંકમાં પણ તેમણે લખાણ કર્યું. તેમણે જણાવ્યું કે ‘છેવટે આપણી લડાઈ અંગ્રેજ સરકાર સામેની છે. અંગ્રેજોનો દાવો એવો છે કે તેઓ સ્ત્રીદાક્ષિણ્યમાં માને છે. આપણી કૂચમાં જો બહેનો પણ સાથે જોડાઈ હોય તો, સ્વાભાવિક રીતે આપણે કૂચમાં તેમને આગળની હરોળમાં રાખીએ, અંગ્રેજ સરકાર કદાચ એમ કહી શકે કે કૂચમાં આગળ સ્ત્રીઓ હતી એટલે, અમે અમારા સ્ત્રીદાક્ષિણ્યને લીધે, એમની ઉપર હાથ ન ઉપાડ્યો. સરકારને આવું કહેવાનો મોકો જ ન મળે એટલા ખાતર મેં બહેનોને આ કૂચમાંથી બહાર રાખી. સરકારને ભલે જેટલો હાથ ઉપાડવો હોય એટલો ઉપાડે આપણા સત્યાગ્રહીઓ પર !’ આ જવાબ કરતાંયે ગાંધીજી પાસે તકરાર કરવા ગયેલી આશ્રમની બહેનોને બીજા જવાબથી વધારે સમાધાન થયું. તેમણે કહ્યું: ‘હંમેશાં મેં એમ માન્યું છે કે અહિંસક લડાઈમાં ભાઈઓ કરતાં બહેનોનો ફાળો વધુ હશે. એમનામાં સહનશક્તિ વધારે હોય છે. એ લોકો અહિંસક પરાક્રમ પણ વધુ કરી શકે. મારી સાથે કૂચ કરવામાં વળી શી બહાદુરી ? રોજ થોડું ચાલવાનું એટલું જ ને ? એમાં તો ઠેર ઠેર સ્વાગત થશે, સામૈયાં થશે. હારતોરા સ્વીકારવામાં વળી શી બહાદુરી ? વધારે બહાદુરીનાં કામો તો ત્યાર પછી આવશે. મેં આશ્રમની બહેનોને એ વધારે બહાદુરીનાં કામો કરે એટલા સારુ અનામત રાખી છે!’ ગાંધીજીની આ બીજી વાતથી આશ્રમની બહેનોને સમાધાન થયું અને ત્યાર પછીના સત્યાગ્રહ આંદોલનોમાં બહેનોએ અદ્ભુત પરાક્રમો દાખવીને ગાંધીજીની બહેનો વિષેની આ આશા અને શ્રદ્ધાને સાચી પુરવાર કરી હતી. સ્ત્રીઓને પુરુષ સમોવડિયા અધિકાર મળવા જોઈએ એ વાત આજે દુનિયાના અનેક દેશોમાં ચર્ચાઈ રહી છે. સૈદ્ધાંતિક રીતે આ વિચાર જેટલે અંશે સ્વીકારાયો છે, એટલો હજી અમલમાં નથી મૂકાયો. ગાંધીજી કર્તવ્યપાલનમાંથી જ અધિકારો ફલિત થવા જોઈએ એમ માનતા હતા. એટલે તેમણે સ્ત્રીઓ વિષેની પોતાની આકાંક્ષાઓ વ્યક્ત કરી દીધી. અને ૧૯૩૦-૩૨ના સત્યાગ્રહ આંદોલનોમાં ભારતની હજારો નારીઓએ એને પોતાનું કર્તવ્ય માનીને ઝીલી લીધી. પરિણામે ભારતની નારીઓમાં અદ્ભુત જાગૃતિ આવી. સ્ત્રી કેળવણી પાછળ પોતાની આખી જિંદગી ગાળનાર મહર્ષિ કર્વેએ કહ્યું કે ‘આટલાં વર્ષોના મારા પ્રયાસથી જેવી જાગૃતિ નહોતી આવી એવી જાગૃતિ ગાંધીના નમક સત્યાગ્રહથી આવી ગઈ !’ જે સ્ત્રીઓ પોતાના ઘરમાંથી બહાર નહોતી નીકળતી તે સ્ત્રીઓ સરઘસોની આગેવાની લેવા લાગી. તેમણે કેટલીયે જેલોમાં સ્ત્રીઓના વોર્ડ ભરી દીધા, રાષ્ટ્રીય ઝંડાની શાન ખાતર પોતાના માથા પર પોલીસની લાઠીઓ ઝીલી અને પેશાવર જેવા સ્થળોએ તો તેમણે હસતે મોઢે ગોળીઓ પણ ઝીલી. અહિંસક આંદોલનમાં સ્ત્રીઓની ભૂમિકા વિષેની ગાંધીજીની શ્રદ્ધાનાં બીજ કદાચ માતા પુતળીબાઈની વ્રતનિષ્ઠા અને કસ્તુરબાની દૃઢતા તથા તિતિક્ષા જોઈને વવાયાં હશે. જાહેરજીવનમાં સ્ત્રીઓની સક્રિય ભૂમિકાની ભજવણી ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના ત્રીજા સત્યાગ્રહથી શરૂ થઈ હતી. તે સત્યાગ્રહના બે મુખ્ય મુદ્દાઓ પૈકી એક એ હતો કે દક્ષિણ આફ્રિકાના એક ન્યાયાધીશે ત્યાંના એક કાયદાનું અર્થઘટન એવું કરી દીધું હતું કે જે લોકોએ ખ્રિસ્તી વિધિ મુજબ અથવા કોર્ટમાં કાયદેસર રીતે નોંધાવીને લગ્ન કર્યાં હશે તે જ કાયદેસરનાં લગ્ન ગણાશે - બીજાં નહીં. એનો અર્થ એ થતો હતો કે ભારતીય મૂળના જે લોકોએ મુસ્લિમ કે હિન્દુ વિવાહ વિધિ મુજબ લગ્ન કર્યાં હોય તેમનાં લગ્ન ફોક થયેલાં ગણાશે. એટલે એ રીતે પરણેલી કોઈ સ્ત્રીના પતિને દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરવા અને વેપાર કરવાનો કાયદેસર અધિકાર હોય તો પણ એની પરિણીતા તરીકે દક્ષિણ આફ્રિકામાં પ્રવેશ મેળવવા ન પામે. એટલું જ નહીં, હિન્દુ કે મુસ્લિમ વિવાહ વિધિથી જેમણે લગ્ન કર્યાં હોય તેમનાં સંતાનો પણ એમનાં કાયદેસરનાં બાળકો ન ગણાય. દક્ષિણ આફ્રિકાના ભારતીય મૂળના લોકોનો આ કાયદા સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો. આ કાયદાનો સક્રિય રીતે વિરોધ કરવાનો ઠરાવ થયો. આ સત્યાગ્રહમાં સીધા જોડાવાનો નિર્ણય સ્ત્રીઓએ પણ કર્યાે. સૌથી પ્રથમ આ નિર્ણય કરનાર કસ્તુરબા જ હતાં. ફિનિક્સ આશ્રમની બીજી ત્રણ બહેનો અને બાર ભાઈઓ સાથે તેમણે પરવાના વિના દેશની સરહદ વટાવીને સજા વહોરી લેવાનો નિર્ણય કર્યો. તેમની આગેવાની જોઈને જોહાનિસબર્ગ રહેતી બીજી કેટલીક બહેનો પણ સત્યાગ્રહમાં જોડાઈ. તેલુગુ અને તમિલ બોલનારી સુખી કુટુંબની આ બહેનોએ ખાણોમાં જઈને ત્યાં મજૂરી કરતા ગિરમીટિયા ભાઈ-બહેનોને આંદોલનમાં જોડાવા પ્રેર્યા. ગિરમીટિયાઓ હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા. પોતાની ઘરવખરી માથે કે પીઠ પર લઈને ગિરમીટિયાઓ નીકળી પડ્યા. કેટલીક સ્ત્રીઓએ તો કેડે ધાવણાં બાળકોને પણ ઉપાડ્યાં હતાં. વગડાનાં ઝરણાં ઠેકતાં એક બે સ્ત્રીઓના બચ્ચાં હાથમાંથી છટકી ઝરણામાં વહી ગયાં હતાં. છતાં કૂચ વણથંભી આગળ વધી હતી. ગાંધીજીએ બલિદાનનાં આવાં દૃશ્યો જોઈને જ કદાચ સ્ત્રીઓની બલિદાન કરવાની શક્તિ વિષે શ્રદ્ધા ઉત્પન્ન થઈ હશે. તે વખતની જેલમાં કસ્તુરબાને તો ઉપવાસ કરવાની પણ ફરજ પડી હતી. અને ત્રણ માસની જેલમાંથી તેઓ છૂટીને આવ્યાં ત્યારે તેમને એમનો પુત્ર દેવદાસ પણ માંડ-માંડ ઓળખી શક્યો હતો. વલીઅમ્મા નામની એક બહેન તો જેલમાં ભોગવેલ કષ્ટોને કારણે છૂટ્યા પછી થોડા દિવસોમાં જ મૃત્યુ પામી. આજે પણ તેની સમાધિ જોહાનિસબર્ગની સ્મશાન ભૂમિ પર પૂજાય છે. ભારત આવ્યા પછી ગાંધીજીએ જાહેર કામો ઉપાડ્યાં તેમાં ચંપારણ સત્યાગ્રહ વખતે કસ્તુરબા, દુર્ગાબહેન દેસાઈ, મણિબહેન પરીખ, અવંતિકાબાઈ ગોખલે વગેરે બહેનોએ ભાઈઓની સાથે કામ કર્યું હતું. ત્યારબાદના બધા સત્યાગ્રહોમાં બહેનોનો હિસ્સો હતો જ. પણ દાંડીકૂચ પછી કરાડીથી ગાંધીજીએ સ્ત્રીઓને સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભળવા અપીલ કરી તેના જવાબમાં લગભગ આખા દેશની સ્ત્રીશક્તિ જાગી ઊઠી. ઇતિહાસમાં પહેલીવાર ભારતમાં આટલા મોટા પ્રમાણમાં સ્ત્રીઓ બહાર આવી. ઠેર ઠેર તેમણે જેલ વહોરી લીધી. સરઘસોમાં લાઠીમાર ઝીલ્યો, મીઠું પકવ્યું. દારૂતાડીનાં પીઠાં અને વિલાયતી કાપડની દુકાનો પર પિકેટીંગ કર્યું. ગાંધીજી એમ તો સ્ત્રીપુરુષ બંનેને સમાન માનતા, શારીરિક દૃષ્ટિએ સ્ત્રીઓ ભલે પુરુષો કરતાં નબળી હોય, પણ આત્માના ગુણોની દૃષ્ટિએ તેઓ પુરુષો કરતાં જરાય ઊતરતી નહોતી એવો તેમને વિશ્વાસ હતો. બલ્કે કરુણા, સહિષ્ણુતા વગેરે ગુણોમાં સ્ત્રીઓ પુરુષો કરતાં ચડિયાતી નીવડે એમ ગાંધીજી માનતા હતા. તેઓ એમ પણ માનતા હતા કે સ્ત્રીઓ અને પુરુષો બંનેએ સામેની જાતિના ગુણો કેળવવા પ્રયાસ કરવો જોઈએ. પુરુષો જો સ્ત્રીઓના મૃદુતા, સ્નેહ, સહનશીલતા જેવા ગુણો ખીલવે અને સ્ત્રીઓ જો પુરુષના પરાક્રમ, નિર્ભયતા, દૃઢતા, વગેરે ગુણો કેળવે તો બંનેનું વ્યક્તિત્વ વધુ પરિપૂર્ણ થાય એવો ગાંધીજીને વિશ્વાસ હતો. તેથી તેમના સંપર્કમાં આવતી સ્ત્રીઓને તેઓ પુરુષોના ગણાતા એવા ગુણો ખીલવવાની તક પૂરી પાડતા અને પુરુષોને સ્ત્રીઓનાં વિશેષ ગણાતા ગુણોને ખીલવવાની તક પૂરી પાડતા. મનુબહેન ગાંધીએ વર્ણવેલો પેલો કિસ્સો તો મશહૂર છે. નોઆખલીમાં ત્યારે કોમી સંહાર પછી ગાંધીજી પદયાત્રા કરી રહ્યા હતા. તેમની સાથે તેમની સેવામાં ૧૬-૧૭ વર્ષનાં મનુબહેન ગાંધી હતાં. ત્યાંનું વાતાવરણ બિહામણું હતું. ત્યાં મોટા પ્રમાણમાં કતલ થઈ ચૂકી હતી. અને ભય ઓછો થતો નહોતો. એક દિવસ મનુથી ગાંધીજીના પગ ધોતી વખતે ઘસવાનો પથરો આગલા મુકામ પર રહી ગયો. પથરા તો એવા બીજા ઘણા મળી રહેત પણ ગાંધીજીએ કહ્યું કે એમ આપણાથી ચીજ વસ્તુ ભૂલાય જ કેમ ? તેમણે મનુને તે જ ઘડીયે પાછા જઈને એ પથરો શોધી લાવવા ફરમાવ્યું. ગીચ ઝાડીવાળો એકાંત રસ્તો હતો. મનુના મનમાંય થોડો ડર તો હતો જ. એણે પથ્થર શોધવા જતાં ગામમાંથી એકાદ સ્વયંસેવક સાથે લેવાની પરવાનગી માગી. પણ ગાંધીજી એ શાના આપે ? રસ્તે ભૂલા પડાય એવા નાળિયેરી ને સોપારીના વનમાંથી મનમાં રામનામ લેતી મનુ નીકળી અને મહામુશ્કેલીએ પેલો પથ્થર શોધી લાવી. પાછી આવીને ગાંધીજીના ખોળામાં એ પથ્થર મૂકતાં કાંઈક તાણમાંથી છુટકારાને લીધે, કાંઈક પોતે કરેલી ભૂલના પશ્ચાતાપને લીધે મનુથી રડી પડાયું. ગાંધીજીએ એમ કહ્યું: ‘આજે તારી પરીક્ષા થઈ. તું તેમાં પાસ થઈ.’ એ જ યાત્રામાં જ્યારે ગાંધીજીએ બધા સાથીઓને બબ્બેની ટોળીમાં ગામડામાં જવાનું કહ્યું ત્યારે દરેક ટોળીમાં એક બંગાળી જાણનાર હોય એવી ગોઠવણ કરી હતી. માલતીદેવી ચૌધરી જ્યારે યાત્રામાં જોડાવા આવ્યાં ત્યારે તેમને ગાંધીજીએ એકલાં જ જવા કહ્યું કારણ તેમની માતૃભાષા બંગાળી હતી, તેથી તેમને દુભાષિયાની જરૂર શાની હોય? ગાંધીજીનો રસ્તો લોકો પર વિશ્વાસ મૂકીને તેમને વિશ્વાસપાત્ર બનાવવાનો હતો. આ જ રીતે તેમણે અનેક પુરુષોને જે કામ સ્ત્રીઓનાં ગણાતાં હતાં તે કામ કરવાની તાલીમ આપેલી. કેટલાયને રાંધતા શીખવાડ્યું હતું, કેટલાયને માંદાની સેવા ચાકરી કરવાનું અને બાળકોની સંભાળ રાખવાનું શીખવાડેલું. ગાંધીજીને સ્ત્રીઓ દ્વારા થતી સેવા અને કોઈ પણ કામને ઝીણવટ અને કાળજીપૂર્વક કરવાની ટેવ વિષે ખૂબ આદર અને શ્રદ્ધા હતાં. ચંપારણમાં કિસાનોની તકલીફોની તપાસ કરીને તેઓ બીજાં સ્થળોએ ગયા હતા. પણ ત્યાંનાં ગામડાંઓમાં રચનાત્મક કામ સારું જેમને મૂકતા ગયા હતા તેમાં ઘણી બહેનો પણ હતી. એમાં કસ્તુરબા, મણિબહેન પરીખ કે દુર્ગાબહેન દેસાઈ જેવાં ઝાઝું ભણેલા નહોતાં. વળી કોઈને ત્યાંની સ્થાનિક ભાષા પણ આવડતી નહોતી, છતાં ગાંધીજીએ તેમને ગામડાંની શાળા ચલાવવાનું સૂચન કર્યું હતું. એ શાળાનું કામ સફાઈથી શરૂ થતું હતું. કૂવાની આસપાસની કાદવવાળી ભોંય પર સૂકી માટી નાખી જ્યાં મચ્છરના ઈંડા સેવાતાં હોય એવાં ખાબોચિયાં પુરવાં એ તો બહેનોનો પહેલો પદાર્થ પાઠ હતો. બાળકોને નવડાવવાં, ધોવડાવવાં, એમના માથામાંથી જૂ કાઢવી, એમના નખ કાપી નાખવા વગેરે કામો જ્યારે કસ્તુરબા અને એમની સહિયરોએ કર્યાં હશે ત્યારે મધુબનીની આસપાસનાં ગામડાંના લોકોને તો એથી નવાઈ લાગી હશે. એમણે તરત દુર્ગાબહેનને ‘પંડિત’ કહી બોલાવવાનું શરૂ કર્યું હતું. મહાદેવભાઈએ (જેઓ ખરેખર તો પંડિત હતા,) ત્યારબાદ આખર સુધી દુર્ગાબહેનને એ જ નામે સંબોધ્યાં હતાં. ગાંધીજી જવાબદારીનું કામ સોંપી લોકોને જવાબદાર બનાવતા. સાબરમતી આશ્રમમાં ઘણાંખરાં કામો આશ્રમનાં લોકો જાતે જ કરી લેતાં. મહિને મહિને જવાબદારીઓ બલદાતી. એક વાર આશ્રમના આગેવાનોએ પોતાની એક મૂંઝવણ ગાંધીજી આગળ રજૂ કરી. ‘બીજી જવાબદારીઓ તો લોકો રાજીખુશીથી ઉપાડી લે છે. પણ કોઠાર વ્યવસ્થાની જવાબદારી માથે લેવા કોઈ તૈયાર થતું નથી.’ ગાંધીજીએ ઝટ એનો ઉકેલ બતાવ્યો. ‘એ કામ બહેનોને સોંપો, એ એને જવાબદારીપૂર્વક નિભાવશે.’ આ વાક્ય પાછળ ગાંધીજીનો વર્ષોનો અનુભવ બોલતો હતો. કોઠારની વ્યવસ્થા સંભાળવી એ જરા અઘરું કામ ગણાતું હતું. એના કરતાં વધુ અઘરું કામ કદાચ સામુદાયિક રસોડાના સંચાલનનું હશે. પણ ગાંધીજીના સૂચનથી એક મહિના સુધી કોઠારનો પૂરો કારભાર આશ્રમની બહેનોને સોંપાયો, અને ખરે જ એ મહિને કોઠારના હિસાબો બહુ સરળતાથી પત્યા. ગાંધીજીએ બહેનો પર રાખેલો વિશ્વાસ સાચો સિદ્ધ થયો. સ્ત્રીઓ અને સ્ત્રીઓના પ્રશ્નો વિષે ગાંધીજીના વિચારો એમની સત્ય-અહિંસા અંગેની શોધમાંથી જ નીપજ્યા છે. સત્ય એમને સ્ત્રી પુરુષના સહનાગરિકત્વના વિચાર સુધી લઈ ગયું છે, અને અહિંસા તેમને આત્માની શક્તિ એટલે કે સત્યાગ્રહ શક્તિ સુધી લઈ ગઈ છે. જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં ગાંધીજી સત્ય-અહિંસાના અમલને ધ્રુવતારક માનતા હતા. આ વિષયનાં જીવન સૂત્રો ગાંધીજીને પોતાની હૈયાસૂઝ, જાત અનુભવ અને ચિંતન-મનનમાંથી સાંપડ્યા હતાં. ગાંધીજીને સ્ત્રીઓની શક્તિ વિષે ઊંડી શ્રદ્ધા હતી. તેને ‘અબળા’ કહેવી એ ગાંધીજીને સ્ત્રીની બદનક્ષી કરવા બરાબર લાગતું હતું. બળ શબ્દનો જો પશુબળ એવો અર્થ કરવામાં આવે તો પોતાની શારીરિક શક્તિને કારણે પુરુષ સ્ત્રીની સરખામણીમાં અવશ્ય સબળો કહેવાય. પણ બળનો અર્થ નૈતિક બળ કરવામાં આવે તો સ્ત્રી પુરુષ કરતાં જરાય ઓછી બળવાન સાબિત ન થાય. તેની સહન શક્તિ, એની ત્યાગપરાયણવૃત્તિ, તેની હિંમત જોઈને ગાંધીજી તેને અબળા માનવા તૈયાર નહોતા. તેઓ માનતા કે સ્ત્રીને જો પુરુષે નીચોવી ન હોત, અથવા સ્ત્રી ભોગમાં પડી પુરુષને વશ ન થઈ હોત, તો તે પોતાની અનંત શક્તિ જગતને બતાવી શકી હોત. ગાંધીજીએ કહ્યું છે કે સ્ત્રી જો પુરુષની સહચારિણી છે, તો સ્ત્રીની બધી પ્રવૃત્તિ સૂક્ષ્મતાથી જાણવાનો જેટલો તેને અધિકાર છે તેટલો જ અધિકાર સ્ત્રીઓને પુરુષોની બધી પ્રવૃત્તિઓ વિષે જાણવાનો છે. “કાયદા કાનૂન ઘડનાર પુરુષે, કહેવાતી અબળા જાતિ પર જે અધ:પતન લાદ્યું છે તેને માટે ભયંકર શિક્ષા ભોગવવી પડશે. પુરુષની જાળમાંથી મુક્ત થઈને સ્ત્રીજાતિ પુરુષે બનાવેલા કાયદાકાનૂનો સામે બળવો પોકારશે ત્યારે અહિંસક હોવા છતાં તેનો બળવો ઓછો અસરકારક નહીં હોય.” “પોતાના રક્ષણ માટે સ્ત્રીઓ પુરુષોનો આધાર શા સારુ રાખે ? તેમણે કેવળ પોતાની શક્તિ અને ચારિત્ર્યની શુદ્ધતા પર અને ઇશ્વર પર જ આધાર રાખવો પડે.” “પુરુષજાતે પોતાની જાતને અનેક પ્રકારના અનિષ્ટો માટે જવાબદાર બનાવી છે. અને તે સૌમાં નારી જાતિનો તેણે જે દુરુપયોગ કર્યો છે તેના જેટલું હીણપતભર્યું કે પાશવી બીજું કોઈ અનિષ્ટ નથી. સ્ત્રી વધારે ઉમદા છે. આજે પણ તે આપભોગ, તિતિક્ષા, નમ્રતા, શ્રદ્ધા અને જ્ઞાનની મૂર્તિરૂપ છે.” ગાંધીજીએ લખ્યું છે કે “મારો પોતાનો અભિપ્રાય તો એવો છે કે મૂળ પાયે જેમ પુરુષ તેમજ સ્ત્રી એક જ માનવવંશ છે. તેમ તેમનો કોયડો પણ અંતે મૂળ મુદ્દે એક જ હોવો જોઈએ. બંનેમાં એક જ આત્મા વસે છે. બેઉ એક જ જીવન જીવે છે, એક જ જાતની શબ્દસ્પર્શાદિ લાગણીઓ અનુભવે છે. એક બીજાનાં પૂરક છે. એક બીજાની સક્રિય સહાયતા વિના જીવી શકે નહીં.” “સ્ત્રી એ અહિંસાની સાક્ષાત પ્રતિમા છે. અહિંસાનો અર્થ જ નિરવધિ પ્રેમ. અને આવો પ્રેમ એટલે વળી કષ્ટસહનની અસીમ શક્તિ. પુરુષની જન્મદાત્રી સ્ત્રીના કરતાં એવાં અપરંપાર કષ્ટસહનની શક્તિ વધુમાં વધુ આ સંસારમાં બીજું કોણ બતાવે છે ?” “સ્ત્રીઓના અધિકારો વિષે એક બાબતમાં હું જરાય પડતું મેલવા તૈયાર નથી. મારા મત પ્રમાણે કાયદાએ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જાતની અસમાનતા રાખવી ન જોઈએ. દીકરા અને દીકરી વચ્ચે કોઈ જાતનો ભેદભાવ હોવો ન જોઈએ.” “કાયદાઓ ઘડવાનું કાર્ય ઘણે ભાગે પુરુષોને હસ્તક રહેલું છે. તેણે હંમેશા વિવેક દૃષ્ટિ વાપરેલી જોવામાં નથી આવતી. અત્યારે સ્ત્રી જાતિની અવનતિ દૂર કરવામાં મહા ભગીરથ પ્રયત્ન તો હિંદુ ધર્મશાસ્ત્રમાં જ સ્ત્રીઓને વિષે રહેલા આલેખો દૂર કરવાનો છે.” “આજે બહેનો રાજકારણમાં ઓછો ભાગ લે છે. લે છે તે સ્વતંત્ર વિચાર નથી કરતી, જેમ તેમના માબાપ કે પતિ કહે તેમ કરે છે અને પોતાનું પરાધીનપણું જોઈ સ્ત્રીઓના ખાસ હકની દલીલ પર નજર નાખે છે. આમ કરવાને બદલે સ્ત્રીઓ બધી બહેનોને મતદારના પત્રક પર ચડાવે, તેને વહેવારુ કેળવણી આપે કે અપાવે, તેમને સ્વતંત્ર વિચાર કરતી કરી મૂકે, ન્યાતજાતની જંજાળમાંથી છૂટે ને પુરુષો જ તેમની શક્તિ ને તેમનો ત્યાગ ઓળખીને તેમને આગળ મૂકે એવો વખત આણે.” “આપણે પુરુષોના તાબામાં છીએ અથવા તેમનાથી ઊતરતાં છીએ એમ સ્ત્રીઓએ માનવાની કશી જરૂર નથી.” “તેથી જે જે ખોટા અને અનિષ્ટ અંકુશો સ્ત્રીઓ પર હોય તે બધાની સામે સવિનય બંડ ઉઠાવવાને હું તેમને આગ્રહ કરું છું. અંકુશ લાભદાયી તો જ નીવડે જો સ્વેચ્છાથી ને રાજીખુશીથી સ્વીકારેલો હોય, સવિનય ભંગથી કોઈને નુકસાન થવાનો સંભવ નથી. બંડ કરવાની શુદ્ધતા અને સમજપૂર્વકનો વિરોધ એ બે સવિનય ભંગનાં મુખ્ય લક્ષણો છે.” પુરુષોને સ્ત્રીઓના શીલ અંગે ચિંતા વ્યક્ત કરતા જોઈ ગાંધીજી કહે છે: “સ્ત્રીના શીલ માટેની આ બધી રોગિષ્ટ ચિંતા શાને ? પુરુષોના શીલ વિષે સ્ત્રીઓને કંઈ કહેવાનો અધિકાર છે ?... સ્ત્રીઓની શીલ રક્ષા માટે નિયમ ઘડવાનો અધિકાર પુરુષોએ શા માટે પોતાનો માની લેવો જોઈએ ? શીલ બહારથી લાદી શકાતું નથી. એ તો આંતરિક વિકાસનો અને તેથી વ્યક્તિગત સાધનાનો વિષય છે.” સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર કે બળાત્કાર અંગે ગાંધીજીને ઘણી વાર પ્રશ્નો પૂછાતા. તેને અંગેના ગાંધીજીના વિચારો જોઈએ. તેઓ એમ માનતા કે સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ તેના શિયળનો ભંગ થઈ જ નથી શકતો. તે ડરની મારી વશ થઈ જાય અથવા પોતાની પવિત્રતાનું સામર્થ્ય તેને ન લાગે ત્યારે જ તે રાક્ષસીવૃત્તિના માણસનો ભોગ થઈ પડે છે. જો પેલાનું શારીરિક બળ બહુ વધારે હશે તો તેની (સ્ત્રીની) પવિત્રતા પેલો તેને વશ કરે તે પહેલાં મરવાનું બળ તેને આપશે.” સીતા રાવણને વશ ન થઈ તો તેની તરફ તે વિષયભરી દૃષ્ટિ પણ ન નાખી શક્યો. બહેનોને ગાંધીજી એવી ભલામણો કરતા કે સીતા જેવી હિંમત તેઓ કેળવે. એનું પરિણામ એ આવશે કે તેઓ નિર્ભય થઈને રહેશે. એ કેળવણી માબાપો અને પતિએ આપવાની છે. ઇશ્વર પર આસ્થા પેદા કરવાથી એ કેળવણી મળી રહે છે. જેનામાં એવી આસ્થા પેદા થઈ છે તે બધી જાતના ભયોથી મુક્ત છે. આમ ગાંધીજીની દૃષ્ટિએ સ્ત્રીના શીલના રક્ષણનું મુખ્ય સાધન તેની નિર્ભયતા છે. એ નિર્ભયતા છેવટે તો તેને ઈશ્વરની આસ્થામાંથી મળે છે. જો સ્ત્રીની જાતે મરવાની તૈયારી હોય તો એની ઉપર કોઈ જુલમ ન કરી શકે એમ તેઓ માનતા. કારણ જ્યાં સુધી સ્ત્રી મનથી ઢીલી ન પડી જાય ત્યાં સુધી એની ઉપર જુલમ થઈ શકતો નથી. પણ સાથે સાથે ગાંધીજી એમ પણ કહેતા કે “સ્ત્રીની ઉપર હુમલો થાય એવે વખતે તે હિંસા અહિંસાનો વિચાર નહીં કરે. એ વખતે તેનો પરમધર્મ સ્વરક્ષા છે. જે સાધન તે વખતે તેને સૂઝે એ વાપરીને પોતાની પવિત્રતાની રક્ષા કરે. ઈશ્વરે નખ આપ્યા છે. દાંત આપ્યા છે, જે બળ આપ્યું છે તેનો ઉપયોગ તે કરશે અને તેમ કરતાં તે મરી જશે. અહિંસક પુરુષ અથવા સ્ત્રી પોતાની જાતનો અથવા પોતાના સ્ત્રીવર્ગની આબરુનો બચાવ કરતાં મરણને ભેટે. આ શ્રેષ્ઠ સ્વરૂપની બહાદુરી છે.” આ ઉપરથી સમજાશે કે ગાંધીજી શીલ રક્ષણના છેવટના સાધન તરીકે મરવાની તૈયારી એ જ માનતા. તેઓ એમ પણ માનતા કે અત્યાચાર એક વ્યક્તિ દ્વારા થતો હોય કે ઘણા બધા લોકો દ્વારા, તો પણ સ્ત્રી મરીને તો આબરુ બચાવી શકે જ. આવી શક્તિ સાધવા સારુ સ્ત્રી કે પુરુષે ઇશ્વર પર એતબાર રાખતાં થવું જોઈએ. પણ જેનામાં એવી શક્તિ ન હોય તે જો બલાત્કારનો ભોગ બને તો તેમાં સ્ત્રી એને સારુ જરાય ગુનેગાર ન ગણાવી જોઈએ. સમાજે તેને હરગિજ હડધૂત ન કરવી જોઈએ. બલકે એ બલાત્કારને કારણે જો સ્ત્રી ગર્ભવતી બને તો તેના બાળકને ઉછેરવાની જવાબદારી પણ સમાજે ઉપાડી લેવી જોઈએ. આ પ્રશ્ન સાથે સંકળાયેલો બીજો પ્રશ્ન સ્ત્રીઓના અપહરણનો છે. એના વધુમાં વધુ પ્રસંગો ભારતના ભાગલા વખતે દેશની સરહદની બંને બાજુએ થયા. એ પ્રસંગે મૃદુલાબહેન સારાભાઈ, કમલાબહેન પટેલ, અને એમના સાથીઓએ દેખાડેલું સાહસ અને વીરતા ઇતિહાસમાં અમર રહેશે. આ બહેનોેએ ભારત અને પાકિસ્તાનના ઊંડાણના ભાગોમાં જઈને અપહૃત બહેનો ક્યાં છે તે શોધી કાઢ્યું. એમનામાંથી જે પાછી પોતાના દેશમાં આવવા તૈયાર થઈ તેમને પાછી આણી. જે બહેનોનાં કુટુંબીજનો મૂળ દેશમાં મળ્યાં તેમની સાથે અપહૃત બહેનોને ભેટો કરાવી આપ્યો. અને જે કુટુંબીજનો આ બહેનોને કુટુંબમાં ફેર વસાવવા તૈયાર હતાં તેમને ત્યાં વસાવી. જેમને એવો કોઈ આધાર મળી શકે એમ નહોતો તેમના નિર્વાહ પૂરતી બીજી વ્યવસ્થા કરી. આ સેવિકાઓની હિંમત, વ્યવહાર કુશળતા, ધીરજ અને ચીવટ જોઈને કોણ મુગ્ધ ન થાય? એમના આ પરાક્રમ પાછળ ગાંધીજીની પ્રેરણા કામ કરતી હતી. મૃદુલાબહેને તો નોઆખલીમાં પણ ગાંધીજીની જોડે કામ કરેલું અને બિહારમાં પણ. તેઓ પોતાની આગવી સૂઝથી ઘણું બધું કામ લેતાં પણ જ્યારે મોકો મળે ત્યારે ગાંધીજીનું માર્ગદર્શન લેવાનું ચૂકતાં નહીં. ગાંધીજીની પ્રેરણાથી બીજી પણ અનેક બહેનોએ ભારે સંકટકાળમાં અત્યંત સાહસની કામગીરી બજાવેલી. ભાગલા પડી ગયા પછી ગાંધીજીએ ડૉ. સુશીલાબહેનને પંજાબમાં વાહની હિંદુ નિરાશ્રિતોની છાવણીમાં મોકલેલાં. પુરુષ અધિકારીઓ પણ જ્યાંથી ખસી જવા માગતા હતા એવી છાવણીમાં ‘પહેલાં હું મરીશ’ પછી નિરાશ્રિતોને કાંઈ થશે, એમ કહી સુશીલાબહેને આક્રમક ટોળાંઓથી ઘેરાયેલી છાવણીના લોકોની તરતોતરત ભારતની હદમાં પહોંચાડવાની વ્યવસ્થા લશ્કરની મદદથી કરી હતી. બીબી અમતુસ્સલામે નોઆખલીમાં ગામડાંઓમાં જઈ ત્યાંથી ભયભીત થઈને નાઠેલા હિંદુઓને પોતાના ગામડાંમાં પાછા લાવીને વસાવવાનું કામ કર્યું હતું. સાવ સુકલકડી શરીરવાળાં બીબી અમતુસ્સલામે પચીસ પચીસ દિવસોના ઉપવાસ કરી હિંસા આચરનાર ગુંડાઓ પાસેથી બીજી કોમનાં લૂંટેલાં શસ્ત્રો પરત મેળવ્યાં હતાં. ગાંધીજીએ સ્ત્રીઓને જાહેર ચળવળોમાં સ્વાભાવિક રીતે ભેળવીને ત્યાર સુધીના રાષ્ટ્રીય નેતૃત્વને એક નવું જ પાસું આપ્યું હતું. ગાંધીજી હિંદમાં આવ્યા તે પહેલાં સામાન્ય રીતે કોઈ જાહેર કામોમાં સ્ત્રીઓ ભળતી નહોતી. ગાંધીજીએ સૂચવેલા અહિંસક સત્યાગ્રહોમાં સ્ત્રીઓ બહુ મોટી સંખ્યામાં ભળી અને તે પણ સહજ સ્વાભાવિક રીતે. આમ જાહેર કામમાં સ્ત્રીઓ પુરુષોની સમોવડી ભાગીદાર બની ગઈ. સ્ત્રીઓની સહનશક્તિ વિષે ગાંધીજીને ખૂબ શ્રદ્ધા હતી. સ્ત્રીઓએ સામાન્યપણે એ શ્રદ્ધાને પોતાના આચરણ દ્વારા સાચી ઠેરવી. ગાંધીજી પહેલાંનાં કોઈ નેતાએ આમ નહોતું કર્યું. વિશ્વવિખ્યાત ‘સેવા’ સંસ્થાનાં સ્થાપિકા શ્રીમતી ઇલાબહેન ભટ્ટ કહે છે કે ‘ગાંધીજીએ આ ઐતિહાસિક આગેવાની ન કરી હોત તો મારા જેવી સ્ત્રીઓ આજે જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી પહોંચી જ ન શકી હોત.’ ગાંધીજીએ જીવનના અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓને સમ્માનભરેલું નેતૃત્વ અપાવ્યું. આ બહેનોમાં મિસ મેડૅલિન સ્લેડ (મીરાબહેન) જેવાં સાધિકા પણ હતાં. તેમણે તો પોતાની આખી જુવાની ગાંધીજીની સેવામાં ગાળી. પણ એ સેવા કરતાં તેમણે એટલી કેળવણી મેળવી કે ભારત વિદેશી આક્રમણનો અહિંસક પ્રતિકાર કેવી રીતે કરી શકે એનો ક્યાસ કાઢવા ગાંધીજીએ તેમને ભારતના પૂર્વ સાગર કાંઠાનાં ગામોમાં સર્વે કરવા મોકલ્યાં હતાં અને એ કામ તેમણે સારી રીતે પાર પાડ્યું હતું. ગાંધીજી સ્ત્રીઓ પ્રત્યે માણસ તરીકે આદર ધરાવતા હતા તેથી જ તેઓ સ્ત્રીઓને પુરુષો સમોવડી કાર્યકર તરીકે જોઈ શક્યા. તેમણે સ્ત્રીઓ પ્રત્યે એટલો વિશ્વાસ દાખવ્યો જેટલો તેમના પહેલાના કોઈ નેતાએ નહોતો દાખવ્યો. ગાંધીજીના આ વિશ્વાસે સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ કેળવ્યો. તેથી જ એક અમેરિકન નિરીક્ષિકાએ નોંધ્યું છે કે આઝાદીની ચળવળ પહેલાં જ્યાં, સ્ત્રીઓ ઘૂમટા તાણતી અને ભાગ્યે જ ઘરની બહાર નીકળતી તેવાં ગામોમાંથી સંખ્યાબંધ સ્ત્રીઓએ સ્વેચ્છાએ જેલવાસ ભોગવ્યો હતો. ગાંધીજીને સ્વરાજ પછી ન્યાય અને સમતા ઉપર આધારિત જેવો સમાજ ઘડવો હતો, તેવો સમાજ જાહેર કામોમાં સ્ત્રીઓની સ્વતંત્ર ભાગીદારી વિના થઈ જ ન શકે. ગાંધીજી આત્માને ડંખે એવું કોઈ કામ કરવા તૈયાર નહોતા, પછી એની પાછળ સ્મૃતિઓનો કે શાસ્ત્રોનો ગમે તેટલો આધાર કેમ ન ટાંકવામાં આવતો હોય! તે મુજબ તેઓ ધર્મને નામે બાલ-વિવાહ, વિધવા ઉપરના અનેક પ્રકારના પ્રતિબંધો વગેરેની વાત કોઈ કરે તો તેને માનવા તૈયાર નહોતા. ઠેઠ ૧૯૨૭માં ગાંધીજીએ શ્રીમતી શારદાબહેન કોટકને એક પત્રમાં લખ્યું હતું કે ‘સ્ત્રીઓ અને પુરુષોમાં એક જ આત્મા વસે છે. એની ઉપર જ્ઞાતિ, લિંગ કે દેશના તફાવતની કોઈ અસર પડતી નથી. એક વીરાંગનાનો જાગૃત આત્મા એક દુષ્ટ માણસના ઊંઘતા આત્મા કરતાં ક્યાંય ચડિયાતો છે.’ સ્ત્રી અને પુરુષ કે બ્રાહ્મણ અને શૂદ્રના આત્મામાં જ મૂળે કંઈક ભેદ હોય છે એમ સમજાવી સમાજના ઊંચનીચના ભેદોને પોષનાર લોકોને ગાંધીજીનો આ સ્પષ્ટ જવાબ કહેતો. એક પત્ર લેખકે પતિઓ પત્નીઓને મારે છે તેને અંગે એક પ્રશ્ન પૂછ્યો. ગાંધીજીએ લખ્યું: કોઈ પુરુષને કોઈ સ્ત્રીને મારવાનો જરાય અધિકાર નથી. પુરુષો કાંઈ પત્નીઓ કરતા ઓછા ગુના કરતા હોય છે? પત્નીઓ જો પતિઓના દરેક વાંકે એમની મારતી થઈ જાય તો બહુ થોડા વખતમાં બહુ ઓછા પતિઓ જીવતા રહેવા પામે! એમ તો સામાન્યપણે ગાંધીજી સંતતિ નિયમનનાં સાધનો વાપરવાના વિરોધી હતા. પણ તેમને એક કિસ્સામાં પુરુષના દબાણને વશ થઈને વારંવાર ગર્ભવતી થઈને શરીર નીચોવી નાખતી સ્ત્રીને સંતતિ નિયમનનાં સાધન વાપરવાની સલાહ આપતા મહાદેવભાઈએ પોતાની ડાયરીમાં એક ઠેકાણે નોંધ્યું છે. પતિના ધર્મ વિષે ૧૯૨૯માં લખાયેલા એક લેખમાં ગાંધીજી લખે છે. પતિનો એ ધર્મ છે કે તે પોતાની પત્નીને સાચી સહધર્મચારિણી, મદદગાર અને અર્ધાંગિનીથીય કાંઈ વિશેષ માને. એણે તેના સુખદુ:ખના ભાગીદાર બનવું જોઈએ. પત્નીને કદી પતિની ગુલામ ન માનવી જોઈએ અને વાસના સંતોષવાનું સાધન પણ નહીં. પતિ પોતાને સારુ જેટલી આઝાદીની અપેક્ષા રાખે છે, તેટલી જ પત્નીને પણ હોવાનો અધિકાર છે. જે સંસ્કૃતિમાં સ્ત્રીઓને સમ્માન નથી અપાતું તેને શાપિત સંસ્કૃતિ માનવી જોઈએ. પુરુષ કે સ્ત્રી કોઈના વિના સંસાર ચાલી જ ન શકે. તે એકબીજાના સહકારથી જ ચાલી શકે. સ્ત્રીનો જો પ્રકોપ જાગે તો તે પુરુષોનો ખાતમો બોલાવી શકે તેથી જ તેને મહાશક્તિ ગણવામાં આવી છે. આ પ્રસંગે આપણે ગાંધીજી અને કસ્તુરબાના સંબંધો અંગે થોડો વિચાર કરી લઈએ. ઘણીવાર એમ કહેવામાં આવે છે કે ગાંધીજીએ કસ્તુરબાને ભારે અન્યાય કર્યો હતો. ખાસ કરીને પરદેશના લોકોને ગાંધીજી વિષે આ ફરિયાદ હોય છે. આવી માન્યતા બની તેમાં એક કારણ ગાંધીજીની નિખાલસતા અને બીજું કારણ આમ કહેનારાઓની સમજનો થોડો અભાવ છે. ગાંધીજીએ પોતાની આત્મકથામાં બે ત્રણ એવા પ્રસંગો નિખાલસપણે ટાંક્યા છે. બાળવયે પરણ્યા પછી તેમણે થોડું ધણીપણું અજમાવી જોયેલું એની વાત એમણે લખી છે. તેમાં તેઓ ઝાઝા સફળ નહોતા થયા એ પણ તેમણે આત્મકથામાં જ નોંધ્યું છે. પણ એની ખાસ નોંધ ટીકાકારો દ્વારા લેવાતી નથી. દક્ષિણ આફ્રિકાથી પાછા ફરતાં તેમને મળેલી ભેટ સોગાદોને ગાંધીજી સમાજની મિલકત ગણતા હતા, અને કસ્તુરબા એમાંથી થોડી ચીજો પોતાની ભાવિ પુત્રવધૂઓ સારુ રાખવા માંગતા હતાં. કસ્તુરબાને સમજાવવું કેવું આકરું પડ્યું તેનું વર્ણન ગાંધીજીએ કર્યું છે. એ પ્રસંગમાં પણ ઘણા ગાંધીજીની બળજબરી માને છે. ત્રીજો પ્રસંગ ‘અસ્પૃશ્ય’ કારકૂનના પેશાબનો પૉટ સાફ કરવા અંગે કસ્તુરબાની આનાકાની અને ગાંધીજીના જબરજસ્ત આગ્રહનો છે. આ પ્રસંગે અલબત્ત ગાંધીજીએ બળજબરી દાખવી હતી, પણ કસ્તુરબાનાં વચનોથી તેઓ તરત સાવધ થયા હતા. અને તેમની માફી માગી હતી. બારડોલી આશ્રમમાં લેવાયેલો ગાંધીજી અને કસ્તુરબાનો એક ફોટો ઠીક ઠીક પ્રસિદ્ધ છે. તેમાં કસ્તુરબા - ગાંધીજીના પગ ધુએ છે. એ જોઈને ઘણા એમ માને છે કે ગાંધીજી કસ્તુરબાને પોતાની દાસી સમજતા હતા. ગાંધીજી વિષે કોઈ પણ અભિપ્રાય બાંધતાં પહેલાં એ વાત સમજી લેવી જોઈએ કે ગાંધીજી એક સતત વિકાસ કરતા માણસ હતા. એટલે લગ્ન કર્યું ત્યારે તેઓ જેવા હતા એના કરતાં પાછળના દિવસોમાં તેમના વિચારો અને આચારો સાવ બદલાઈ ગયા હતા, એ ભૂલવું ન જોઈએ. વળી ધણીપણું અજમાવવાનો પ્રયાસ કરતા હતા ત્યારે પણ તેમણે કસ્તુરબાને કદી પોતાની દાસી તો નહોતાં જ માન્યાં. વધુમાં વધુ ઝઘડો થતો ત્યારે બંને જણ અબોલા લેતાં. પણ એ તો બંનેની બરાબરી સૂચવનાર આચરણ હતું. સમજવા જેવી વાત એ છે કે ઉપરોક્ત પ્રસંગોમાં દરેકની પાછળ ગાંધીજીનો કોઈક ને કોઈક માનેલો સિદ્ધાંત હતો. એ સિદ્ધાંત સમજવામાં એમને જેવી પોતાની ભૂલ દેખાઈ તેવી તેમણે એ ભૂલને સુધારી છે. દા.ત. ધણીપણા પાછળ પુરુષ-સ્ત્રીની પરસ્પરની વફાદારીનો વિચાર વિકૃત થઈને કામ કરતો હતો. પણ કસ્તુરબાએ એ અમાન્ય રાખ્યો ત્યારે ગાંધીજીએ કોઈ બળજબરી નહોતી કરી. પેશાબના પોટવાળા કિસ્સામાં પણ ‘અસ્પૃશ્યોને’ બીજાથી અલગ ન ગણાય એ વિચાર તો કામ કરતો જ હતો પણ એઓ કસ્તુરબાને બારણું દેખાડવા સુધી ગયા એ તેમની બળજબરી હતી. કસ્તુરબાએ જેવો એમને ઠપકો આપ્યો કે ‘જરા લાજો તો ખરા લોકો જોશે તો શું કહેશે?’ તેવા એ સમજ્યા ને તરત તેમણે કસ્તુરબાની માફી માગી લીધી હતી. ઘરેણાં સમાજનાં ગણવાના પ્રસંગમાં ગાંધીજીએ પુત્રોને સમજાવીને પોતાને પક્ષે લઈ લીધા હતા. તે વખતે એમણે પોતાનો નિર્ણય કાયમ રાખ્યો એમાં થોડું દબાણનું તત્ત્વ આવે છે, એ વાતમાં જરૂર વજૂદ છે. પણ જો એમણે એ ઘરેણાં પોતાના અંગત ઉપયોગ સારુ રાખી લીધાં હોત તો કદાચ આ જ ટીકાકારોએ ગાંધીજીને સ્વાર્થી કહ્યા હોત! ગાંધીજી ઢળતી ઉંમરે જ્યારે ફરીને આવતા ત્યારે પોતાના પગ ધોવડાવતા પણ પેલા ફોટામાં છે તેમ રોજ ધોનાર કસ્તુરબા જ નહોતાં. કોઈવાર કનુ ગાંધી હોય, કોઈવાર વ્રજકૃષ્ણ હોય, કોઈવાર મનુ હોય. એ કાળ એવો હતો કે ગાંધીજીની નાનીનાની અંગત સેવા કરવા સારુ એમના અંતેવાસીઓમાં થોડી હરીફાઈ જેવું ચાલતું. બહુ સંભવ છે કે તે દિવસે કસ્તુરબાએ પોતાને એ તક મળી એનો આનંદ જ લીધો હોય! એક વિષયાસક્ત પતિ આત્મચિંતન અને આત્મશુદ્ધિ કરતો કરતો વિવાહિત જીવનમાં બ્રહ્મચર્ય પાલન સુધી પહોંચે છે. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેતાં પહેલાં છ જેટલાં વર્ષો તેઓ મથામણમાંથી પસાર થાય છે. પત્નીની સમ્મતિ લે છે. પ્રતિજ્ઞા એમને પોતાને માટે જેટલી કઠણ હતી, એવી પત્નીને કદી કઠણ લાગી નહોતી એવી એ નોંધ કરે છે. ગાંધીજી જેમ સતત વિકાસ કરતા હતા તેમ તેમના સહધર્મચારિણી પણ વિકાસ કરતાં જતાં હતાં. અલબત એમનાં વિકાસનાં પગથિયાં ગાંધીજીનાં નવાં નવાં પગલાં જોડે સંકળાયેલાં હતાં. તેનો આરંભ વિસ્મયથી થતો, પછી થોડો રોષ અને થોડી જિજ્ઞાસા આવતી, પછી શ્રદ્ધા અને થોડી ઘણી સમજ સાથે તેઓ પતિના પરિવર્તન સાથે પોતાનું જીવન ગોઠવતાં. એક વાર એ સ્વીકાર્યા પછી તેમની સમજ એ વિષે ઊંડી ને ઊંડી થતી જતી. પછી ઘણી વાર એ જ સિદ્ધાંત તેઓ બીજાઓને પ્રભાવકારી રીતે સમજાવતાં પણ થઈ જતાં. દક્ષિણ આફ્રિકામાં જ્યારે હિંદુ કે મુસ્લિમ વિધિ મુજબ થયેલા લગ્ન કાયદેસર નહીં ગણાય એમ ત્યાંની કોર્ટે ઠરાવ્યું ત્યારે કસ્તુરબા પણ ગાંધીજીની સાથે એનો વિરોધ કરવા તૈયાર થઈ ગયાં હતાં. મનથી તેઓ જેલ જવા પણ તૈયાર થયાં. પણ ત્યાં ખાવા પીવાનું શું મળે એ એમનો પ્રશ્ન હતો. ગાંધીજીએ એમને કહ્યું કે તારે તારા ખાવાના નિયમો જેલ અધિકારીઓને જણાવવા. એ લોકો તે મુજબ ખાવાનું ન આપે તો એની વિરુદ્ધ ઉપવાસ કરવા. આ વાત જ્યારે ગાંધીજીએ કહી ત્યારે કસ્તુરબાએ કહ્યું કે ‘તમે તો મને મરવાની વાત કરો છો!’ ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે તું જેલમાં મરશે તો હું તને જગદંબા તરીકે પૂજીશ અને સાચે જ ત્રણ દાયકા પછી કસ્તુરબા જેલમાં જ અવસાન પામ્યાં ત્યારે ગાંધીજીએ રોજરોજ એમની સમાધિ પર ફૂલ ચડાવ્યાં હતાં ! આમ કસ્તુરબા અને ગાંધીજીના ધણીપણાથી શરૂ કરીને એકબીજાને બા અને બાપુ કરીને સંબોધે એવા અને છેવટે એક જણ બીજાને જગદંબા સમજી પૂજે, ત્યાં સુધી ગયા હતા. આ સંબંધ બળજબરી કે ક્રૂરતાનો હરગિજ નહોતો. બુદ્ધિમાં, જ્ઞાનમાં, ચિંતનમાં, સિદ્ધાન્તનિષ્ઠામાં બંને વચ્ચે ખૂબ મોટી ખાઈ હતી એ વાત સાચી પણ પ્રેમ, બાંધછોડ, એકબીજાને સમજવાનો પ્રયાસ, શ્રદ્ધા, નિર્વિકારિતા અને સમાનતાના ભાવને લીધે એ સંબંધ દિવસે દિવસે વધુ ને વધુ પુનિત થતો ગયો હતો. આપણે ઉપર જોઈ ગયા કે ગાંધીજીએ પરિણીત જીવનમાં કસ્તૂરબાની સમ્મતિથી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી. ગાંધીજી એમ માનતા હતા કે મનુષ્ય સમજણો થાય છે ત્યારથી જ સતત આત્મસંયમનું જીવન જીવવાનું શરૂ કરી દે છે. માણસ અને પશુ વચ્ચે આ જ મુખ્ય ભેદરેખા છે. તેઓ એમ પણ માનતા હતા કે બ્રહ્મચર્ય વિનાનું જીવન શુષ્ક અને જાનવર જેવું બને છે. જાનવર સ્વભાવે નિરંકુશ છે. મનુષ્યનું મનુષ્યત્વ સ્વેચ્છાએ અંકુશિત બનવામાં છે. ગાંધીજી વ્રતપાલન અંગે પોતાને વિશે જેટલા આગ્રહી અને કઠોર હતા, તેટલા બીજા વિષે નહોતા, તેમણે એક મિત્રને લખ્યું હતું: “તમારી શક્તિથી બહારની વાત હોય તો તમે કોઈ વ્રત ન લેશો. તમે કોઈ વ્રત ન લઈ શકો તો એમાં કાંઈ હાનિ નથી. પણ તમે જો કોઈ વ્રત લો અને પછી એને છોડવા મજબૂર થશો તો તમને ખૂબ નુકસાન થશે.” ગાંધીજીએ દેશને સૂચવેલા કાર્યક્રમોમાં સવિનય કાનૂનભંગ અને અસહકાર જેટલો જ મહત્ત્વનો કાર્યક્રમ રચનાત્મક કામોનો હતો. અલબત્ત આ કાર્યક્રમ બાબત કૉંગ્રેસે અહિંસક ચળવળ પર દીધું એટલું ધ્યાન ન દીધું. રચનાત્મક કામોમાં સ્ત્રીઓની જાગૃતિ અંગેનાં કામોનો પણ સમાવેશ થતો હતો. ગાંધીજીએ શહેરોમાં રહેનારી અને સમાજનું કામ કરનારી બહેનોને ગામડાંમાં જઈને રચનાત્મક કામોમાં જોડાવાનું સૂચન કર્યું હતું. ગાંધીજીની આસપાસની ઘણી બહેનોએ ગાંધીજીના આ સૂચનને વધાવી લીધું હતું. વર્ધા છોડી ગામડાંમાં જનાર પહેલાં મીરાબહેન હતાં. ગાંધીજી સેવાગ્રામ એમની પાછળ પાછળ ગયા હતા. મીરાબહેને તો પછીનું આખું જીવન જ સ્ત્રી જાગૃતિ, ખાદીકામ વગેરે રચનાત્મક કામોમાં ગાળ્યું હતું. ગાંધીજીના મૃત્યુ પછી તેમણે હિમાલયની તળેટીમાં જઈને ગોસેવાનું કામ કર્યું હતું. બીબી અમતુસ્સલામે ગાંધીજીના ગયા પછી ખાદી ગ્રામોદ્યોગનું કામ પંજાબમાં વ્યાપક પ્રમાણમાં કર્યું હતું અને ચીનના આક્રમણ પછી તેમણે ભારતની ઉત્તર-પૂર્વની સીમા પર આ જ પ્રવૃત્તિઓ મોટા પાયા પર ચલાવી હતી. આશાદેવી આર્યનાયકમે દેશમાં નઈ તાલીમના કામનો આરંભ તેમના પતિ જોડે કર્યો હતો. ગાંધીજીના મરણ બાદ ઠેઠ પોતાના મરણ સુધી તેમણે એ જ કામ કર્યું હતું. માર્જરી સાઇક્સે પણ આશાદેવીની માફક નઈતાલીમ અને શાંતિસેનાનાં કામો કર્યાં હતાં. પ્રેમાતાઈ કંટકે મહારાષ્ટ્રમાં રચનાત્મક કામની ધૂણી ધખાવી હતી. રમાદેવી અને માલતીદેવી ચૌધરીએ ઓરિસ્સામાં રચનાત્મક કામ દ્વારા સ્ત્રી જાગૃતિ આણી હતી. દક્ષિણ ભારતમાં ડૉ. સૌન્દર્યમે મદુરૈ જિલ્લામાં ગ્રામવિદ્યાપીઠ સફળ રીતે ચલાવી હતી. કર્ણાટકમાં શ્રીમતી કમલાદેવી ચટ્ટોપાધ્યાયે આખું જીવન દેશ-સેવાને આપ્યું હતું. કસ્તૂરબાની યાદમાં ગાંધીજી જેલમાં હતા ત્યારે જ જે ફાળો એકઠો થયો હતો તેમાંથી કસ્તુરબા સ્મારક નિધિ બન્યો હતો. આ સંસ્થાએ આખા દેશમાં સ્ત્રીઓ ને બાળકોની સેવાનાં કામો કર્યાં હતાં. આસામમાં અમલપ્રભા દાસ તો ત્યાંનાં સૌથી જાણીતાં રચનાત્મક કાર્યકર હતાં. ઉત્તરાખંડમાં ઇંગ્લેન્ડથી આવેલાં સરલાબહેને કૌસાનીમાં થાણું જમાવીને સ્ત્રી શિક્ષણનું કામ કર્યું હતું. દક્ષિણમાં યશોધરા દાસપ્પા અને લક્ષ્મી મેનનનાં નામ સહેજે સાંભરે તેવા છે. વાયવ્ય સરહદનાં ગોરાં દેવી અને શ્રીમતી તિરખાએ આખું જીવન રચનાત્મક કાર્યોને આપ્યું હતું. ટૂંકમાં એમ કહી શકાય કે બહેનોએ રચનાત્મક કામ દ્વારા તેમનામાં રહેલી સૃજન શક્તિનો ઉપયોગ રાષ્ટ્રસેવામાં, તેમાંય ખાસ કરીને એના ગરીબમાં ગરીબ લોકોની સેવામાં કર્યો હતો. એ જ રીતે સ્વરાજની લડતમાં પણ સ્ત્રીઓમાં જેમ એ લડતથી જાગૃતિ આવી હતી, તેમ અહિંસક લડતને આગળ ધપાવવામાં સ્ત્રીઓનો સહકાર પણ ઓછો નહોતો. કસ્તુરબા, સરોજિની નાયડુ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય જેવાં નામો તો રાષ્ટ્રીય સ્તરનાં ગણાવી શકાય. પણ પ્રદેશ સ્તરે કામ કરનાર બહેનોનો ફાળો એનાથી જરાય ઓછો ન ગણાવી શકાય. ગુજરાતમાં ગંગાબહેન વૈદ્ય, મણિબહેન પરીખ, નંદુબા કાનુનગો, મૃદુલા સારાભાઈ, પુષ્પાબહેન મહેતા, અરુણાબહેન, જયાબહેન, લીલાવતી આશર, મીઠુબહેન પિટિટ, જ્યોત્સ્નાબહેન શુક્લ અને બીજી કેટલીયે બહેનોનો સ્વરાજની લડતમાં ફાળો નાનો સૂનો નહોતો. પૂર્વમાં આસામ, બંગાળ ને ઓરિસ્સામાં જેમ બહેનોએ રચનાત્મક કામોમાં ભાગ લીધો હતો, તેમ તેમણે સ્વરાજની લડતમાં પણ ભાગ લીધો હતો. મુંબઈમાં ગોશીબહેન પિટિટ, પેરિનબહેન કેપ્ટન, સોફિયા વાડિયા, મહારાષ્ટ્રમાં પ્રેમાબહેન કંટક અને સુશીલા પૈ, દિલ્હીમાં અરૂણા અસફઅલી અને વિદ્યાવતી, કલકત્તામાં નેલી સેન ગુપ્તા, શ્રીમતી ચિત્તરંજન દાસ, સંયુક્ત પ્રાંતમાં કમલા નહેરુ, બિહારમાં પ્રભાવતી નારાયણ વગેરેનાં નામો તરત ધ્યાનમાં આવે એવાં છે. બીજા પ્રાંતોમાં અને ઉપર જણાવેલા પ્રાંતોમાં પણ સત્યાગ્રહમાં આગેવાની લેનારી બહેનોની સંખ્યા ઓછી નહોતી. આ અને આવી હજારો બહેનોની રાષ્ટ્રભક્તિ, સેવાવૃત્તિ અને ત્યાગવૃત્તિને જગાડનાર કોઈ એક વ્યક્તિનું નામ કોઈ પૂછશે તો સૌ એક અવાજે કહી ઊઠશે કે તે હતા ગાંધીજી. ગાંધીજીએ અનેક પ્રકારના રસોવાળા લોકોને આકર્ષ્યા તેમાં અનેક પ્રકારની બહેનો પણ હતી. બહેનોને આટલી મોટી સંખ્યામાં આકર્ષી શકવાનું કારણ જોવા જઈએ તો તે ગાંધીજીના ચારિત્ર્યમાં જોવા જડશે. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ગોખલેજીએ એમને વિષે જે માનભર્યા વચનો ઉદ્ગાર્યા હતા તેમાં એક એ હતું કે ‘જેની પાસે જવાથી જ વિકાર ખતમ થઈ જાય છે, એવી બે જ વ્યક્તિ મેં જોઈ છે - એક મારા પૂજ્ય ગુરુ મહાદેવ ગોવિંદ રાનડે અને બીજા મો.ક. ગાંધી’. ગોખલે કરતાંય વર્ષો પહેલાં એક અંગ્રેજ મહિલા શ્રીમતી મિલિ ગ્રેહામ પોલાકે ગાંધીજીને વિષે એ આશયનું કહ્યું હતું કે એમનું ચારિત્ર્ય જ એવું છે કે જેમ હું મારી કોઈ સ્ત્રી મિત્ર આગળ મારા અંગતમાં અંગત પ્રશ્નોની ચર્ચા કરી શકું છું તેમ ગાંધી સાથે પણ કરી શકું છું. ગાંધીજીએ પોતે પણ એવો દાવો કર્યો હતો કે તેઓ હજારો સ્ત્રીઓનાં સંપર્કમાં આવ્યા હશે પણ તેમાં કોઈએ પણ એમની સાથે વહેવાર કરતાં સંકોચ નહોતો અનુભવ્યો. ગાંધીજીની ચરિત્ર વિકાસ તરફની કૂચ બે પ્રકારની હતી. એમાં એકનો ઉલ્લેખ આપણે આગળ કરી ગયા. તેઓ દરેક પુરુષમાં સ્ત્રીઓના ગુણોનો અને દરેક સ્ત્રીમાં પુરુષોના ગુણોનો વિકાસ થાય એમ ઇચ્છતા હતા. ગાંધીજીને પોતાને માટે પણ એ વાત લાગુ પડતી હતી. તેથી જ તેઓ મનુબહેન ગાંધીને કહી શકતા હતા. કે ‘હું તારી મા બની ચૂક્યો છું.’ ચારિત્ર્ય તરફનો એમનો બીજો પ્રયાસ (અથવા તમારે કહેવું હોય તો સાધના કે યોગ કહો) સંપૂર્ણ નિર્વિકારિતાની શોધનો હતો. માણસ પોતાની જાતને વિકારોથી જેટલો મુક્ત કરી શકે છે તેટલો તે સ્ત્રીપુરુષ બંનેને સમાન રૂપે આકર્ષી શકે છે. ગાંધીજીને તો એવીયે આશા હતી કે જો તેઓ સંપૂર્ણ નિર્વિકારિતા સાધી શકે તો તેમાંથી એમને પોતાના એક નંબરના શત્રુ માનનારાનેય પોતાના મિત્ર બનાવી દેવાની શક્તિ કેળવી શકશે. આ ઉદ્દેશ સામે રાખીને જ તેઓ પોતાની વ્યક્તિગત અને સામુદાયિક સાધના નિરંતર ચાલુ રાખતા હતા. એમાં તેઓ સંપૂર્ણપણે સફળ નહોતા થયા એ તો એ વાતથી જ સિદ્ધ થાય છે કે એમને શત્રુ માનનારાં એવા ય મળ્યા કે તેમણે બરાબર યોજનાપૂર્વક ઠંડે કલેજે એમના પ્રાણ લીધા હતા. પરંતુ એટલું તો કદાચ ઘણાખરા સ્વીકારશે કે વાસનાક્ષયની દિશામાં તેઓ એટલા આગળ વધી શક્યા હતા કે જેવા બહુ ઓછા ગયા હશે. એમ જોવા જઈએ તો ગાંધીજીની આખી સાધના અદ્વૈતની હતી. એ સાધના તેમને ભેદમાંથી અભેદ તરફ લઈ હતી હતી, અલગાવમાંથી સમભાવ તરફ લઈ જતી હતી. એ જ રીતે સ્ત્રીપુરુષ સંબંધોના ક્ષેત્રમાં તેઓ દેહથી ઉપર જઈ આત્માની એકતા તરફ જવા પ્રયાસ કરતા હતા. જેવો દેહભાવ મટી જાય તેવો આત્મા સંપૂર્ણ નિર્વિકારિતા તરફ અગ્રસર થાય. ગાંધીજી તેથી જ પોતે નિર્વિકાર થઈ દેહભાવને ક્ષીણ કરવા માગતા હતા. બીજું સમાજમાં સ્ત્રીપુરુષ બંનેને એમની અસ્મિતા જાળવીને સંપૂર્ણ સમાનતાની દિશામાં લઈ જવા માગતા હતા. ભેદથી અભેદ તરફ જવાની આ સાધના જૂની છે. એ સાધકોમાં આપણને કાર્લમાર્કસ જેવા ક્રાંતિકારીઓ મળે છે. જેમના વિચારોએ માનવ સમાજને આર્થિક સમતાની દિશામાં લઈ જવામાં ચોક્કસ મદદ કરી હતી. એ સાધકોમાં આપણને શુકદેવજી જેવા મળશે જેઓ જન્મતાંની સાથે જ સ્ત્રીપુરુષ દેહભાવથી મુકત હતા. નારીના પ્રશ્ન અંગે ગાંધીજીની સાધનામાં માર્ક્સ અને શુકદેવની સાધનાનો મહદ્અંશે સમન્વય સધાતો હતો.