ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૈષધીયચરિત: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નૈષધીયચરિત'''</span> : શ્રીહર્ષ(બારમી સદી)નું ૨૨ સ...") |
(No difference)
|
Revision as of 03:19, 27 November 2021
નૈષધીયચરિત : શ્રીહર્ષ(બારમી સદી)નું ૨૨ સર્ગનું પુણ્યશ્લોક નળરાજાની કથાવાળું મહાકાવ્ય. નળ ને હંસનો મેળાપ, હંસનું દમયંતી પાસે જવું, દમયંતીમાં નળ પ્રતિ પ્રેમની ઉત્પત્તિ, સ્વયંવર, દેવોનું આગમન, સરસ્વતી દ્વારા સ્વયંવરમાં પાંચ નળનો શ્લેષાત્મક પરિચય, નળની પસંદગી, વિવાહ, દમયંતી પ્રાપ્ત ન થવાથી કલિની નિરાશા, સુરત ક્રીડા, ચંદ્રવર્ણન, વગેરેનો એના કથાવસ્તુમાં સમાવેશ છે. નળની ઉત્તરકથાનો એમાં સમાવેશ નથી. વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન અને પાંડિત્યપ્રદર્શન, વિવિધ અલંકારો અને છંદો પર પ્રભુત્વ, શૃંગારરસનાં કામોત્તેજક કામશાસ્ત્રના તરીકાઓ દર્શાવતાં નિરૂપણો-વર્ણનો વગેરે એનાં આકર્ષક અંગો છે. અલંકારોનાં ઉપમાનોમાં અહીં નાવીન્ય અને પ્રાવીણ્ય છે. શૈલી વિવિધ દર્શનોના ઉલ્લેખોથી ભારેખમ અર્થગંભીર, ઓજ :પૂર્ણ અલંકૃત છે. મનોભાવોનું માર્મિક મનોવૈજ્ઞાનિક પ્રગટીકરણ અને નવા શબ્દો પ્રયોજવાનો શોખ પણ અછતો નથી રહેતો. ભવ્ય, સૂક્ષ્મ ચિત્રાત્મક કલ્પનાશક્તિ, બારીક નકશીકામવાળાં પ્રકૃતિચિત્રણો, ઉક્તિઓની મૌલિકતા પણ ધ્યાન ખેંચે છે. છતાં વ્યુત્પત્તિનો અતિરેક, સ્વાભાવિકતાના ખ્યાલ વિનાનાં ક્યાંક દીર્ઘવર્ણનો તેમજ શાસ્ત્રજ્ઞાનનું પ્રદર્શન કઠે છે. પાંડિત્ય પ્રદર્શનને લીધે સ્વાભાવિકતા મૃત :પ્રાય : બની છે. કાવ્યમાં કાવ્યમૃદુતા નષ્ટ થઈ છે. અલંકારોના બેહદ શોખથી કાવ્યદેહ લચી ગયો છે. ભારેખમ શબ્દોમાં વ્યંજના ખંડિત થઈ છે એકંદરે આ સંસ્કૃતના અવનતિકાળની મહાકાવ્યરચના છે. હ.મ.