ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હર્ષચરિત: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''હર્ષચરિત'''</span> : મહાકવિ બાણની સંસ્કૃત ગદ્યરચના. ‘કા...") |
(No difference)
|
Revision as of 05:31, 26 November 2021
હર્ષચરિત : મહાકવિ બાણની સંસ્કૃત ગદ્યરચના. ‘કાદંબરી’ પૂર્વે લખાયેલી આ કૃતિને બાણે ‘આખ્યાયિકા’ તરીકે ઓળખાવી છે. કાલ્પનિક વિષય પર આધારિત ‘કાદંબરી’ જેવી કથાની સામે આખ્યાયિકા ઇતિહાસનો આધાર લઈને ચાલે છે પણ બાણે અહીં ઇતિહાસકાર તરીકે નહિ પણ કવિ તરીકે અનેક કલ્પના અને સાહસને અખત્યાર કરી વર્ણનશક્તિનો પરિચય આપ્યો છે. રાજા હર્ષની આંશિક જીવનકથા આપતી આ આખ્યાયિકાના પ્રારંભમાં બાણે આત્મકથા પણ આપી છે. હર્ષકથા તો ત્રીજા ઉચ્છ્વાસથી શરૂ થાય છે. કુલ ૮ ઉચ્છ્વાસમાં વિભક્ત હર્ષકથા પુષ્પભૂતિના વંશજ પ્રભાકરવર્ધન એના બે પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન તેમજ પુત્રી રાજ્યશ્રીની આસપાસ ચાલે છે. પ્રભાકરવર્ધનના મૃત્યુ પછી હર્ષવર્ધનનો રાજ્યાભિષેક ઇચ્છતા રાજ્યવર્ધનને રાજ્યશ્રીના પતિ ગૃહવર્માની માલવનરેશ દ્વારા થયેલી હત્યાના સમાચાર મળે છે અને યુદ્ધે ચઢે છે. રાજ્યવર્ધન યુદ્ધમાં ખપી જતાં હર્ષવર્ધન ભાઈના મૃત્યુનો બદલો લેવા અને બંદીગૃહમાંથી છટકેલી રાજ્યશ્રીની શોધ માટે યુદ્ધપ્રયાણ કરે છે. અંતે હર્ષવર્ધન અને રાજ્યશ્રીનું મિલન થાય છે. પ્રભાકરવર્ધનનું મૃત્યુનિરૂપણ, ગ્રીષ્મવર્ણન અને વિન્ધ્યાટવીવર્ણન આ રચનાનાં આકર્ષક સ્થાનો છે.
ચં.ટો.