મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૮૩.નરભેરામ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૩.નરભેરામ|}} <poem> નરભેરામ (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ) આ વૈષ્ણવ કવિ...") |
(No difference)
|
Latest revision as of 07:56, 18 August 2021
નરભેરામ (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ)
આ વૈષ્ણવ કવિની ઉત્કટ કૃષ્ણભક્તિ એમનાં પદોમાં વિનોદભરી શૈલીમાં વ્યક્ત થઈ હોવાથી ઉમાશંકર જોશીએ એમને ‘હસતા સંતકવિ’ કહેલા. નીતિ અને ભક્તિનો બોધ આપતી અને આત્મકવનના રૂપે પણ રચાયેલી નરભેરામની કૃતિઓમાં થોડાંક છૂટક પદો ઉપરાંત ‘કૃષ્ણચરિત્ર-બાળલીલા’ , ‘કૃષ્ણવિનોદ’, ‘રાસમાળા’, ‘અંબરીષનાં પદો’, ‘જીવને શિખામણ’ વગેરે જેવી આખ્યાનાત્મક પદમાળાઓનો સમાવેશ થાય છે. છપ્પા, ચાબખા, કાફી, ગરબી, મુક્તક એવું સ્વરૂપવૈવિધ્ય પણ એમણે દાખવ્યું છે.
૨ પદો
૧. નાણું આપે નરભો રે
નાણું આપે નરભો રે, વાવરજો છોગાળા;
ગાંઠે બાંધજો તાણી રે, ધોળી ધજાવાળા.
કપટી કેશવ જાણત તો શાને, આવત પચાસ જોજન,
સાંભળ્યું શ્રવણે સાધુને છાપે છે, માટે મળવા ધસ્યું મન,
દરશન દ્યોને રે, દૂર કરી પાળા. નાણું૦
ભેખ દેખીને અજર નથી કરતા, છાપ આપો છો હરિ,
પાઘડી ભાળી છાપ ખાળી છબીલા, પરીક્ષા તો એવી કરી!
સમસ્યા લેજો સમજી રે, જે કહી કાનડ કાળા! નાણ૦ું
હારો છો જનથી નથી હરવાતા, માટે હરિ! હઠ મેલ,
કહે નરભો છોટાલાલપ્રતાપે, નથી એ તલમાં તેલ;
લેવાનું મુજ પાસે રે, હરિ હરિ જપ માળા! નાણું૦
૨. નિશ્ચે કરો રામનું નામ
નિશ્ચે કરો રામનું નામ, નથી જોગી થઈને જાવું,
નથી કરવાં ભગવાં કાંય,નથી ભેગું કરીને ખાવું.
ગમે તો તમે ભગવાં કરજો, ગમે તો ઊજળાં રાખો,
નહીં દૂભવો સામા જીવને, સુખ સામાનું તાકો.
એક ત્રાજવે સૌ સંસારી, બીજે જોગી લાવો;
કયા જોગીને રામ મળ્યા? એવો તો એક બતાવો.
મહેતો, મીરાં ને પ્રહ્લાદ, સેનો નાપિક નાતિ;
ધનો, પીપો, રોહિદાસ, કૂબો, ગોરો કુંભારની જાતિ.
બોડાણો જાતે રજપૂત, ગગાબાઈ છે નારી,
દાસ થઈને જો રહ્યાં તો, ઘેર આવ્યા ગિરધારી.
નથી રામ વિભૂતિ ચોળ્યે, નથી ઊંઘે શિર ઝોળ્યે;
નથી નારી તજી વન જાતાં, જ્યાં લગી આપ ન ખોળે.
જંગલમાં મંગલ કરી જાણે, મંગલ જંગલ જેને;
કડવું મીઠું, મીઠું કડવું, રામજી વશ છે તેને.
પય-ઓથે જેમ ઘૃત રહ્યું છે, તલ ઓથે જેમ તેલ;
કહે નરભો રઘુવર છે સઘળે, એવો એનો ખેલ.