કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૫. એક નામેરી વૃદ્ધને મળતાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. એક નામેરી વૃદ્ધને મળતાં|નલિન રાવળ}} <poem> ખીલી સમી ખોડાઈ ગઈ...") |
(No difference)
|
Revision as of 07:48, 3 August 2021
૫. એક નામેરી વૃદ્ધને મળતાં
નલિન રાવળ
ખીલી સમી ખોડાઈ ગઈ મારી નજર
મારા ઉપર.
હું વૃદ્ધ આંખોમાં ભરી મણ એક ઘેરી ઊંઘની ઊંડી અસર
(જ્યાં અગ્નિનું અંજન સ્વયં હું આંજતો)
અંધારના મખમલ મુલાયમ પોત-શા
મારા સુંવાળા વાળ
આજે રૂખડા.
સુક્કા તણખલા ઘાસના ટુકડા સમા
અહીં-તહીં જરી ફરકી રહ્યા.
જાડી કશી બેડોળ કૈં રે દોરડા જેવી ડઠર
મારી નસો સૌ સામટી ઊપસી રહી
(જેની મહીં વેગે વહેતા મત્ત મારા રક્તમાં
શત સૂર્યની ઉષ્મા હતી)…
`મળશું કદી' કહી તે નલિન ચાલ્યો ગયો...
કોલાહલોની ભીંસથી તૂટુંતૂટું થઈ આ રહ્યા
રસ્તા પરે
`મળશું નકી' બબડી કશું હું મૂઢ
વર્ષો વીસ મૂકી ક્યાંક મારાં ભૂલમાં
હું ભૂલમાં આગળ અને આગળ કશે ચાલ્યો જતો...
(અવકાશપંખી, પૃ. ૮)