અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/વ્હાલેશરીનાં પદો ૧૨ (જુવતીજન...): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વ્હાલેશરીનાં પદો ૧૨ (જુવતીજન...)|હરીશ મીનાશ્રુ}} <poem> જુવતીજન...")
(No difference)

Revision as of 06:20, 21 July 2021


વ્હાલેશરીનાં પદો ૧૨ (જુવતીજન...)

હરીશ મીનાશ્રુ

જુવતીજન િકલદાર કરે, હરિ રમે દાંડિયા મોઈ રે
વનમાં એવી વસંત પેંધી પડી છે વ્હાલામોઈ રે

ક્રીડા શમે સખી હાથ લૂહવા ચીર ધરે હરિ આગળ રે
ચાંપલિયાનાં વણછે રૂડાં કદળિનાં પતરાવળ રે

હરિનાં પ્રાશન કાજે રમણી કામદૂઘાને દોહે રે
માખણ-મિસરી ઘોળે, કોઈ વીંઝણો ઢોળે, કોઈ મોહે રે

સક્કરખોરો મધનાં ડબકાં પાડે ને હરિ પ્રાશે રે
ખિસકોલી દાડ્યમ ફોલે, શુક મરચે પોત પ્રકાશે રે

તિક્તરસે જિહ્વા બળબળતાં હરિ સિસકાર વજાડે રે
મુખ-શું મુખ રાખી રસબસતી ફળની ચીર ચખાડે રે

કલવો પીરસે તેવતેવડી સહિયર, હરિ આરોગે રે
તાણ કરી મુખમાં ઠાંસે રસ વ્યંજન છપ્પનભોગે રે

પિયે ઘૂંટડા, ભરે સબડકા, એંઠો પડિયો પામી રે
ભાવટ ભાંગે ભાવ દીસે તો ભૂખ્યો અંતરજામી રે

ત્રપ્તિ પામી કરે ઓહિયાં, પરિમળ મુખથી પસરે રે
વ્હાલેશરીનાં હોઠ થકી રાતો તાંબૂળરસ લસરે રે

અધરંશ દેઈ અમને હરિએ ચાખ્યાં, રંચ ન છાંડ્યાં રે
અજૂની સેજે પોઢ્યાં, હરિને ઓઢ્યાં, હાં, ઘર માંડ્યા રે